________________
૩૯૨
પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્રમાંક-૧૩૯
પ્રવચન ક્રમાંક - ૧૧૨
ગાથા ક્રમાંક - ૧૩૯
જ્ઞાનીની દશા
મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત
તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. (૧૩૯) ટીકા - મોહભાવનો જયાં ક્ષય થયો હોય, અથવા જયાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯
અણમોલ આત્મસિદ્ધિ દ્વારા સાધક માટે પૂરું ચિત્ર પરમકૃપાળુ દેવે આપ્યું છે. આ પંચમકાળમાં મોક્ષ નથી તેમ કહેનારા છે પરંતુ પરમકૃપાળુદેવ કહે છે કે મોક્ષ નથી તે ચર્ચામાં ગયા સિવાય તમે જયાં ઊભા છો ત્યાંથી તમે કેટલા આગળ વધી શકો છો તે નિર્ણય કરો. આખો નકશો સાધકને મળે છે. જેની અનુભૂતિ કરવાની છે તેની રીત પ્રક્રિયા આત્મસિધ્ધિ શાસ્ત્રમાં છે. આ એક એવું શાસ્ત્ર છે કે તમામ પાસાંઓ એક ઠેકાણે એકત્રિત થયાં છે.
“વાણીવાચક યશ તણી, કોઈ નયે ન અધૂરી રે.” યશોવિજયજી મહારાજે કહ્યું છે કે અમારી વાણી કોઇપણ રીતે અધૂરી નથી. સાત નયો, સપ્તભંગી, પ્રમાણ, નિક્ષેપ આ બધાને કેન્દ્રમાં રાખી વાણી નીકળી છે, પરમકૃપાળુદેવની સર્વાગીણ વાણી છે. સદ્દભાગ્ય છે કે આવા કાળમાં આપણને આત્મસિધ્ધિ મળી. એ આત્મસાત્ થાય અને જીવનમાં જો વણાય ને જીવાય તો સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન થાય.
૧૩૯ અને ૧૪૦ બંને ગાથાઓ જ્ઞાનીની દશાના વર્ણનની ગાથા છે. ૧૪૨મી ગાથા એ સાકાર પરમાત્માનું વર્ણન છે. નિરાકાર પરમાત્મા સિધ્ધ પ્રભુ છે અને સાકાર પરમાત્મા અરિહંત પ્રભુ છે. નિરાકાર પરમાત્માને વર્ણવી ન શકાય. તેઓ શબ્દાતીત છે. જયાં તર્ક નથી, વાણી નથી, જયાં ભાષા, વિકલ્પ કે વિચાર નથી, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. માત્ર પ્રાપ્તિ થયા પછી અનુભવ થાય. નિરાકાર પરમાત્મા છે, જેને આકાર નથી. આત્મા નિરાકાર છે પણ આત્મા જે દેહમાં ઊતર્યો તે દેહ સાકાર છે અને એ દેહમાં આત્મા હોવાના કારણે એ સાકાર પરમાત્મા કહેવાય.
જગતનાં પ્રાણીઓનું બે ભાગમાં વિભાજન થાય. આમ તો ઘણા બધા પ્રકારો, જાતિ, રૂપ, રંગ, વર્ણ, માર્ગણા સ્થાન, ગુણસ્થાન, લેગ્યા આદિના કારણે છે. પણ બે મુખ્ય પ્રકારો છે. એક જ્ઞાનીનો વર્ગ અને બીજો વર્ગ અજ્ઞાનીનો. અજ્ઞાની અને જ્ઞાનીને બરાબર સમજી લેવામાં આવે તો અજ્ઞાન દૂર થઈ જ્ઞાન પ્રાપ્ત થાય. સમ્યક સમજણ અને પ્રયત્નથી જીવનમાં સિધ્ધિ પ્રાપ્ત થઈ શકે અને અનુભવ પણ થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org