________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૮૭
મમત્વ બુધ્ધિ બંધાણી છે અને તેના કારણે અવરોધો ઉત્પન્ન થાય છે, તેથી આત્માથી ભિન્ન એવા પદાર્થો પ્રત્યેની જે મમત્વ બુધ્ધિ છે તે છોડવી તેને કહેવાય છે ત્યાગ.
પદાર્થ પ્રત્યેની આસક્તિ છોડવી તેને કહેવાય છે ત્યાગ. ગંભીરતા રાખીને ખ્યાલમાં લેજો. આત્માથી ભિન્ન એટલે આત્મા સિવાય જે કંઇપણ પદાર્થો છે તે પર છે, તે પદાર્થો પ્રત્યેની મમત્વ બુધ્ધિના કારણે પોતે સ્વરૂપની અનુભૂતિ કરી શકતો નથી. વિચાર તો કરો કે એ કંઇ બહાર ગયો નથી. અમેરિકા ગયો નથી. એણે કંઇ ખોયું નથી. કયાંય પણ થાપણ મૂકી નથી. કોઇ બેંકમાં ગીરવે મૂકયું નથી. આત્મા સ્વતંત્ર છે, સદા હાજર છે, શાશ્વત છે, નિત્ય છે અને બહુ આશ્ચર્યની વાત તો એ કે તેને ખોજવા જવાની જરૂર નથી, એ ભીતર છે, અંદર છે અને અંદર આત્મા હોવા છતાં આત્મ અનુભવ થતો નથી, કારણકે આત્માથી ભિન્ન એવા પદાર્થોમાં આપણી મમત્વબુધ્ધિ થઇ છે. આત્માના પરિણામથી અન્ય જે પદાર્થો છે તેની સાથે તાદાત્મ્ય બુધ્ધિ, એક્તાબુધ્ધિ અને તેનો જે અઘ્યાસ એ અઘ્યાસને દૂર કરવો, એ તાદાત્મ્ય બુધ્ધિને દૂર કરવી તેનું નામ છે ત્યાગ.
જરા સમજવા જેવી વાત છે. વસ્તુ છૂટી શકે પણ વસ્તુ છૂટ્યા પછી યાદ આવે કે મેં આ છોડયું. મેં આ છોડયું એમ દશ જણને કહીએ, એનો અર્થ એ થયો કે વસ્તુ દી પણ તેના પ્રત્યેનું મમત્વ યું નથી, તાદાત્મ્ય છૂટયું નથી. મમત્વ એ જ મૂળ છે, ભૂલ છે. અઘ્યાત્મ સારમાં એમ કહ્યું છે કે જેમ નાનકડા બીજમાંથી વડલો થાય છે તેમ મમત્વના બીજમાંથી આખો સંસાર ઊભો થાય છે. ચૌદ રાજલોકમાં ફેલાયેલ વિરાટ અને વ્યાપક સંસારનું બીજ મોટું નથી. રાઇના દાણાથી પણ નાનું છે, પણ તે મમત્વના બીજમાંથી આખો સંસાર ઊભો થાય છે. સંસાર અસાર છે, નાશવંત છે, અનિત્ય છે એમ બોલાય છે પણ મમત્વ અને તાદાત્મ્ય બુધ્ધિ ઓછી થતી નથી. અઘ્યાસ છૂટી જવો, મમત્વ છૂટી જવું એવી અવસ્થાને પરમકૃપાળુ દેવ ત્યાગબુધ્ધિ કહે છે. ત્યાગવું એટલે મમત્વ બુધ્ધિનો ત્યાગ કરવો.
ભગવાન મહાવીર કહે છે કે બાહ્ય પદાર્થોનો સંગ્રહ કરવો એટલો જ પરિગ્રહ નથી પણ અંદર મૂર્છા હોવી, મમત્વ હોવું, મારાપણું હોવું, તાદાત્મ્ય હોવું, અઘ્યાસ હોવો એ પણ પરિગ્રહ છે. પરિગ્રહની વ્યાખ્યા બદલાણી. પદાર્થોનો સંગ્રહ કરવો એટલો જ પરિગ્રહનો અર્થ નથી પણ મૂર્છા હોવી એ પણ પરિગ્રહ છે. આપણને બરાબર ખબર છે કે આ બધા પદાર્થો છોડીને આપણે જવાનું છે અને બીજાને પણ કહીએ છીએ કે આ બધું મૂકીને જવાનું છે પરંતુ એ પદાર્થ ઓછો વધતો થાય, આઘો પાછો થાય, ખોવાઇ જાય, કોઇ લઇ જાય તો દિલમાં ઉઝરડા પડી જાય છે, ફાળ પડી જાય છે. કારણકે અંદર મમત્વ બુધ્ધિ છે અને મમત્વ બુધ્ધિના કારણે વસ્તુનો ત્યાગ કરવા છતાં તેની મૂર્છા હજી ગઇ નથી. પરમાર્થની અનુભૂતિમાં આ મમત્વ બાધક તત્ત્વ છે. તેથી અનુભવ કરી શકાતો નથી. થોડી ધીરજથી એ સમજવા પ્રયત્ન કરજો. તમને મનમાં થતું હશે કે મારે આત્મદર્શન કરવું છે, આત્મસાક્ષાત્કાર કરવો છે. જો એ કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org