________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬૭ કરતાં ગંભીર વાત કે અનંતકાળથી મેં મારા આત્માને જન્મ મરણ કરાવી કરાવી દુઃખી કર્યો છે.
રાગ દ્વેષે ભર્યો, મોહ વેરી નડડ્યો, લોકની રીતિમાં ઘણુંયે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષય માતો,
તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે.
આ મારી કથા છે. રાગ, દ્વેષ અને મોહથી ભરેલો, વિકારોથી ભરેલો, વિકારોથી સળગતો, ક્રોધથી ધમધમતો, અને વેરની આગ ઓકતો છું. આ વિચાર કરતાં અંદરથી જે પીડા થાય તેને કહેવાય છે આત્મદયા. જગતમાં જીવોની દયા તો રાખજો, તે રાખવી સહેલી છે પણ જેને આત્માની દયા નથી તે જગતના જીવોની દયા રાખી શકે નહિ. સમજાય છે ? એટલે કહ્યું કે હજુ પણ મારામાં વિભાવ છે. “પરપરિણામિકતા અછે, જે તુજ પુગલયોગ હો મિત્ત'. હું પુદ્ગલ તરફ દોડ્યો, હું ધન તરફ, સત્તા તરફ, સ્ત્રી તરફ દોડ્યો, પુરુષ તરફ દોડ્યો અને દોડતો જ રહ્યો. ખાવા માટે, ભોગવવા માટે, લેવા માટે દોડ્યો અને હું મને ભૂલી ગયો. મેં જ મને ખોયો. આત્માને મેં રાંક બનાવ્યો.
આ આત્મા સાથે તમે કેવું વર્તન કરો છો ? તે જરા સમજો. આત્માને રાગી બનાવ્યો, દ્વેષી બનાવ્યો. આવી આત્માની મેં કિંમત કરી ! આ વાત સમજીને અંદરમાં જે પીડા થાય, પછી આત્માને મુકત કરવાની જે પીડા જાગે તેને કહેવાય છે દયા. “પર વસ્તુમાં નહિ મૂંઝવો, તેની દયા મુજને રહી'. પર વસ્તુમાં જીવ મુંઝાઈ જાય છે, પૈસામાં, સત્તામાં, પર વસ્તુને ભોગવવામાં, વિષયોમાં, વિકારોમાં, પાન મસાલા અને બીડી તમાકુમાં, પાણીપુરી, રગડા પેટીસમાં. અલ્યા ! ચૈતન્યમૂર્તિ ભગવાન તું છો અને આમાં મુંઝાઈ ગયો? એમાં તું લાલચ અને આસક્તિ કરે છે? પુદ્ગલમાં તું જાય છે? તને વિચાર નથી આવતો કે તું શું કરી રહ્યો છે ? આવો વિચાર આવતાં એમાંથી આત્માને મુકત કરવાનો ભાવ જાગે તેને કહેવાય મુમુક્ષુતા. આ નિશ્ચયનયની દયા છે, આવી દયા પ્રગટ થાય ત્યારે બીજી વાત પણ પ્રગટ થાય કે મારે જન્મ મરણ ટાળવાં છે અને મારાં ટળે તેમ જગતનાં તમામ જીવોનાં પણ ટળી જાય. આ દયાનો વિસ્તાર થયો. જગતના જીવોને તમે રોટલાં આપો, કપડાં આપો, વસ્તુ આપો, દવા અને ઔષધ આપો, આ દ્રવ્ય દયાનું કામ છે પણ જન્મ અને મરણ ટળે, તેવી અવસ્થા તેને પ્રાપ્ત થાય, તે સૌથી મોટો લાભ છે.
જન્મ મરણ જો ટાળવાં હોય તો ધર્મથી જ ટળે. બીજા કશાથી ન ટળે માટે હું ધર્મના શરણે જાઉં છું. એવું ધર્મનું શરણું જેણે લીધું છે તેને કહેવાય છે આત્માની દયા. કંઈ લીંક પકડાય છે કે શું કહેવાઈ રહ્યું છે ? આ જગતનાં જીવો ધર્મ પામે અને પોતાને છૂટવાના સાધનો પ્રાપ્ત થાય, સત્સંગ, સંતપુરુષ, જ્ઞાની પુરુષ તેને હિતકર લાગે, એ તેને ગમે અને પ્રિય પણ લાગે, એમાં જ રાચ્યો રહે. મીરાંબાઇએ ગાયું છે, સાધુ સંગ બૈઠ બૈઠ લોકલાજ ખોઇ, અબ તો મેરે ગિરધર ગોપાલ !
દૂસરા ન કોઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org