________________
૩૬૬
પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા માંક-૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદા સુજાગ્ય. આવા ગુણો મુમુક્ષુના ઘટમાં હોય, ભીતરમાં હૃદયમાં હંમેશા વણાઈ ગયા હોય. “એહ સદા સુજાગ્ય.” એ જાગૃત હોય. જેમ અખંડ દીવો બળતો હોય તેમ મુમુક્ષુના ભીતરમાં સાતે સાત તત્ત્વો જાગૃત હોય. અંબાલાલભાઈએ લખ્યું છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આ ગુણો મુમુક્ષુના ઘટમાં સદા જાગૃત (સુજાગ્યો હોય અર્થાત્ આ ગુણો સિવાય મુમુક્ષુપણું હોય નહિ. આ ગુણો જેનામાં હોય તે મુમુક્ષુ અને મુમુક્ષુતા જેનામાં હોય તે શ્રેષ્ઠ પાત્ર. અંતરમાં મોહ રાખી મોક્ષની વાત કરે તે મુમુક્ષુ નથી. શિષ્ય પૂછે છે કે ખરેખર મુમુક્ષુ કેવો હોય ?
૧૩૭ મી ગાથામાં આપે કહ્યું કે મુખથી જ્ઞાનની વાતો કરે અને અંદરમાં મોહ હોય તે મુમુક્ષુ ન કહેવાય. તો હે ગુરુદેવ ! એ મુમુક્ષુ કેવો હોય ? બે લક્ષણો છે. જેને આત્માની ઝાંખી થઈ છે, સાક્ષાત્કાર થયો નથી પણ ઝાંખી થઈ છે, ભણકાર આવ્યો છે, સ્વીકાર થયો છે, ચેતનામાં આંદોલન આવ્યું છે, સ્વીકૃતિ થઈ છે, હકાર આવ્યો છે અને મોક્ષે જવાની તાલાવેલી લાગી છે તે મુમુક્ષુ કહેવાય.
પહેલો ગુણ – મુમુક્ષુનો પહેલો અલંકાર તે દયા. તમે ઘણી વખત કહો છો ને કે મને તારી દયા આવે છે. આ કોણ જાણે તમે શું સમજીને કહો છો ? પાણી ગાળીને પીવું જેથી જીવની હિંસા ન થાય, આ દયા છે, દયાનો વ્યાપક અર્થ છે પણ દયાનો મર્મ જુદો છે. પહેલી વાત તો આત્મા શું છે તે તેણે જાણ્યું ન હતું. અનંતકાળમાં જાણ્યું ન હતું. હવે ધન્ય દિવસ અને ધન્ય ઘડી આવી, સદ્ગુરુ મળ્યા અને અદ્ભુત પળ આવી અને એ પળે આત્મા છે તેમ જાણ્યું પણ જાણ્યા પછી તે આત્માને કેમ બચાવવો, દુઃખમાંથી કેમ મુકત કરવો તેવી પીડા થઈ તેને કહેવાય છે દયા. આત્મા છે તેમ પહેલાં જાણ્યું જ ન હતું. બહુ દુઃખની વાત, ૨૦૦ થી ૫૦૦ માઇલ છેટો હોય કે દિલ્હી કે કલકત્તા જેટલો દૂર હોય તો બરાબર કે નથી જાણ્યું પણ આત્મા તો નિકટમાં નિકટ છે, પોતે જ આત્મા છે. પોતે આત્મા હોવા છતાં પોતે આત્માને જાણ્યો નહિ, એ વિચાર આવતાં મનમાં ગ્લાનિ થાય તેનું નામ દયા. કેવી વાત છે કે પોતે પોતાને જાણ્યો નહિ અને જાણ્યું ત્યારે ખબર પડી કે આત્મા તો પરમાત્માની જાતિનો છે. શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું કે તું વાણિયો કે બ્રાહ્મણ નથી પણ પરમાત્મા એટલે બ્રહ્મની જાતિનો છે, સિદ્ધોની જાતિનો છે. આવો હોવા છતાં તને લાચારપણું ! આટલો પામર ! તારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય છે. આટલો વૈભવ તારી પાસે હોવા છતાં તું આટલો કંગાળ કેમ ? આવો વિકારી, લાચાર અને દીન કેમ? આ વિચાર અંદર આવતાં જે પીડા થાય તેને કહેવાય છે આત્મદયા. તેને એમ થાય કે અનંતકાળમાં જન્મ મરણ કરી મેં મારા આત્માને ઓછું દુઃખ નથી આપ્યું. બીજાને દુઃખ આપ્યું હશે એ તો ખરું પણ એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org