________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬ ૫ મૃગાપુત્ર કહે છે મા ! તારા ખોળામાં હું રમ્યો, તેં મને રડતો છાનો રાખ્યો. તે મને ઊછેર્યો. માથા ઉપર હાથ ફેરવ્યો. વહાલથી મને નવરાવ્યો, સ્નેહથી ખવરાવ્યું, હવે મારી એક જ ઝંખના છે કે કોઈના ખોળામાં મારે રમવું ન પડે. મદાલસા તેના બાળકોને કહેતી હતી કે તમારે અને મારે ઋણાનુબંધ છે. તમે મારે ત્યાં આવ્યાં છો. હું તમારી સાચી મા ત્યારે કહેવાઉં કે તમને એવી કેળવણી આપું કે તમારે ફરીથી જન્મ લેવો ન પડે. આ મદાલસા અને તેની મુમુક્ષુતા. કેટલી વખત અહીં મે તમને કહ્યું છે કે નાની ઊંમરના ગજસુકુમાર ભગવાન નેમનાથની દેશના સાંભળીને કહે છે મા ! હવે સંસારમાં નહીં રહેવાય. તમને ધન્યવાદ છે, કેવી ઝીંક ઝાલી રહ્યા છો ! કેટલા સ્વાધ્યાયકારો અર્થી આવ્યા પણ તમે મચક આપતાં નથી. રંગ છે તમને, બહાદૂર અને શૂરવીર છો. સ્વાધ્યાયકારો થાક્યા હશે, પણ આ બંદા થાક્યા નથી. ગજસુકુમાર કહે છે મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. મા! કોઈ દુઃખ નથી પણ ભગવાન નેમનાથનો નાનો ભાઈ છું. તારા જેવી મા છે. મારું સગપણ જેની સાથે થયું છે તે સ્વર્ગની અપ્સરા જેવી છે. આવી સંપત્તિ અને વૈભવ હોવા છતાં મારાથી નહિ રહેવાય. કર્મ મને ખટકે છે. મને રાગદ્વેષ અને જન્મ મરણ ખટકે છે. મા કહે છે, મારા કલેજાના કટકા ! મારી આંખના તારલા ! તારે આધારે તો મારે જીવવાનું છે. તું મને મૂકીને જઈશ? પણ તારો માર્ગ સાચો છે. હું રડીશ તો મારા મોહના કારણે અને દુઃખ પણ થશે તે તારા મોહનાં કારણે પણ તારા હૃદયમાં આજે જે કંઈ ઊગ્યું છે તે બદલ તને ધન્યવાદ છે. મા ! આશીર્વાદ આપો અને ગજસુકુમારની માએ આશીર્વાદ આપ્યા કે બેટા ! ભગવાન નેમનાથનાં ચરણોમાં જઈને પરીષહોનો જય કરજે, એવું તપ કરજે, એવું ધ્યાન કરજે, એવી સાધના કરજે, એવી ઉપાસના કરજે, એવા ચારિત્રનું પાલન કરજે કે હવે કોઈ માને રોવું ન પડે.
મુમુક્ષતા પ્રાપ્ત થાય પછી જ ભક્તિનો પ્રારંભ થાય. પછી જ્ઞાન, પછી જ સ્વાધ્યાય, પછી જ તીર્થયાત્રા અને પછી ધ્યાન. ચા, દૂધ મીઠાઈ વિગેરેમાં ગળપણ તે કોમન ફેકટર, તેમ બધી સાધનામાં મુમુક્ષુતા કોમન ફેકટર. આધ્યાત્મિક ક્ષેત્રમાં મુમુક્ષતા પ્રાપ્ત કરવાની. જો મુમુક્ષતા ન હોય તો સાધનામાં રંગ નથી જામતો. જે મુમુક્ષુ છે તેને કયાંય પણ કઠિનતા કે મુશ્કેલી ન પડે, તેને માર્ગ ન મળે તેવું ન બને. તેને તો તમામ તાકાત વાપરીને માત્ર મોક્ષ જ મેળવવો છે. કૃપાળુદેવે ૧૩૮મી ગાથામાં મુમુક્ષુનાં લક્ષણો બતાવ્યા છે. આટલા લક્ષણો જેનામાં હોય તે મુમુક્ષુ. કોમન ફેક્ટર એક જ તીવ્રપણે મોક્ષની અભિલાષા. તેને મોક્ષ સિવાય કિંઈ જોઈતું જ નથી. તમે સામેથી આપો તો પણ નહિ. કેવી મસ્તી ! કેવી ખુમારી હશે !
જાકુ કછુ ન ચાહિયે, વો શાહનકા શાહ'. જેને કંઈ જોઈતું નથી તે બાદશાહનો પણ બાદશાહ છે. માત્ર મોક્ષ જોઈએ, આવી તીવ્ર તાલાવેલી જેને જાગી છે, રોમે રોમમાંથી સાડા ત્રણ કરોડ રોમમાંથી એક જ ઝણકાર કે મારે માત્ર મોક્ષ જ જોઈએ છે. આવા મુમુક્ષુ, તેના સાત સૂત્રો, ગુણો વિચારીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org