________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩પ૯ તો પણ વૃક્ષ ખીલશે નહિ. આ ચૌદ રાજલોકમાં ફેલાયેલ સંસારનું મૂળ મોહ છે. જ્ઞાન આવતાની સાથે મૂળિયું બાળી નાખે છે. સંસાર લીલોછમ નહિ થાય. એક ભાઈએ આવી મને કહ્યું કે ગુરુદેવ ! કોઈ દુઃખ નથી, લીલાલહેર છે, આપના પ્રતાપે. અમારા પ્રતાપે ! ઘરવાળી અને દીકરો કહ્યાગરાં છે, પુત્રવધુ સારી, મકાન જુઓ તો છક્ક થઈ જાવ. ચાર દીકરા, ચાર વેવાઈઓ, સાળા વિગેરે છે. હું મરીશ ત્યારે બીજા કોઈને આવવાની જરૂર નહિ રહે, આટલા બધા ભેગા થાય તેમ છે. પણ તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મેં કહ્યું કે આટલું બધું છે ને વળી પાછા આશીર્વાદ શેના માટે ? તો કહે, હા ! આ લીલીવાડી કાયમ લીલી જ રહે તેવા આશીર્વાદ આપો. મૂળ તો વાણિયો ખરો ને ! સંસાર લીલીવાડી છે તેમ ભ્રમણા કરાવનાર અજ્ઞાન છે. જ્ઞાન આ સુખને લીલીવાડી કહેતું નથી. મીરાંબાઈ કહે છે કે અમને ખબર પડી ગઈ છે કે સાકર અને શેરડીનો રસ કેવો છે ? અને લીમડો કેવો છે ? સંસારના તમામ ભોગો કડવા લીમડા જેવા લાગે છે અને પરમાત્માનો પ્રેમ અમૃત જેવો, સાકર શેરડીના રસ જેવો લાગે છે, આ કામ જે કરે તેને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન અસાધારણ સામર્થ્ય ધરાવે છે.
પોથી પઢ પઢ જગ મુવા, પંડિત હુઆ ન કોઈ કોને પંડિત કહેવો ?
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' જ્ઞાન અને મોહ સાથે રહી શકતાં નથી. જ્ઞાન આવતાની સાથે જ અહંકાર ઓગળી જાય છે, અને મમત્વનું ઝેર પણ ઊતરી જાય છે. કરા પડે છે ને વરસાદના, ટાલ માથે હોય તો તૂટી જાય પણ નીચે જમીન ઉપર પડે તો ઓગળી જાય. જેમ કરા ઓગળી જાય તેમ અહંકાર પણ ઓગળી જાય. પોલાદને ઓગાળી શકાય, પત્થરને તોડી શકાય પણ અહંકાર ઓગાળી શકાતો નથી. બાર મહિના થયા બાહુબલીજીને, પણ અહંકાર ન ઓગળ્યો. બ્રાહ્મી અને સુંદરી બહેનો આવી અને ચેતવણી આપી ત્યારે અહંકાર ઓગળ્યો. જ્ઞાન અહંકારને ઓગાળનારું છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં અહંકાર નહિ હોય. શાસ્ત્રનો દરિયો હશે, તપનો દરિયો હશે તો પણ છલકાશે નહિ. ચોવીસ કલાક ધ્યાન કરતો હશે તો પણ છલકાશે નહિ. તમે તો કહેશો અમે ચાર વાગ્યે ઊઠી ધ્યાન કરીએ છીએ. આ કોણ બોલે છે? અહંકાર બોલાવે છે. જ્ઞાન હોય ત્યાં અહંકારનું ઝેર ચડે જ નહિ. જ્ઞાન તો અમૃત સમાન છે. અમૃત હોય ત્યાં ઝેર ચડે નહિ. આવી અવસ્થા છે. મમત્વનું ઝેર ઓગળી જાય, વૃત્તિ શાંત થાય, કષાયો શાંત થાય. આધિ, ઉપાધિ, વ્યાધિ, અને આકુળતા વ્યાકુળતા બધું શાંત થાય. ન કલેશ ન કંકાસ, ન વેર, ન વિરોધ, ન વૈમનસ્ય, ન ભાર કે બોજો, ન ઈગો આ બધું જ ચાલ્યું જાય. જ્ઞાન તેને આવવા ન દે. જ્ઞાન ચોકીદારનું કામ કરે છે. ક્રોધને અંદર આવવા ન દે. મોહને, માયાને, કુમતિ, વિકારો અને વાસનાને આવવા ન દે. જ્ઞાન હાજર હશે તો કોઈ આવી શકશે નહિ.
તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમેં ભયો રે ઉદાસી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org