________________
૩૨૬
પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ વસ્તુ સળંગ છે, સાથે છે અને સર્વ પ્રકારથી તે છે. તમે તેનો કોઇપણ એક ભાગ જોશો તો તે વાત અધૂરી છે. એક માણસ ઇતિહાસ લખવા બેઠો હતો. બહાર અવાજ સાંભળ્યો. કોઈએ એમ કહ્યું કે રસ્તામાં ઝઘડો થઈ રહ્યો છે. પાંચસો માણસો ભેગા થયા છે અને મારામારી થાય તો ઘણા માણસો મરી જાય. એટલામાં ત્યાં બીજો માણસ આવ્યો. તેને પણ પૂછ્યું કે ત્યાં શું થયું છે ? તો કહે અંદર અંદર દશ બાર માણસો બાખડી રહ્યાં છે અને એકબીજાને સમજાવવાની કોશિશ કરે છે. ત્યાં ત્રીજો માણસ આવ્યો, તેને પણ પૂછયું તો કહે ત્યાં બે જણા છે. કંઈક લેવડ દેવડની ચર્ચા ચાલી રહી છે અને એકમેકનો હિસાબ પતાવવા કોશિશ કરે છે. ઈતિહાસ લખવા બેસનાર ભાઈ બોલ્યા કે મારી સામે બનતી ઘટનામાં આ અલગ અલગ સ્ટેટમેન્ટ ! મારો ઈતિહાસ સાચો કયાંથી હોય ?
નરસિંહ મહેતાએ કહ્યું, “દીઠો, મેં પૂરો દીઠો.” અધૂરો, અપૂર્ણ કે ખંડિત નહિ પણ અખંડપણે મેં એને જોયો અને મારા મનનું સમાધાન થઈ ગયું. જયાં સુધી આપણા મનમાં પૂરેપુરું સમાધાન થતું નથી ત્યાં સુધી તત્ત્વનું પુરું દર્શન થયું છે તેમ કહેવાશે નહિ. ૧૩૨મી ગાથાથી કેટલાક મૌલિક સિધ્ધાંતો પરમકૃપાળુદેવને સ્પષ્ટ કરવા છે. તેઓ કહે છે કે “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ.” આ આત્મસિધ્ધિ શાસ્ત્રમાં અમારા પ્રતિપાદનમાં અમારી પ્રરૂપણામાં એકાંતે નિશ્ચયને કહ્યો નથી. નય શબ્દ પહેલાં મૂક્યો. નય શબ્દથી એમ કહેવું છે કે નિશ્ચય નામનો નય. નય નિશ્ચય એટલે નિશ્ચયનય આમાં એકાંતથી કહ્યો નથી. “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ.” એમ નિશ્ચયની વાત કરી. “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન ચિદાનંદ સુખધામ.” આ પણ નિશ્ચયની વાત, “તું અકર્તા છો', તે પણ નિશ્ચયની વાત, “સર્વ જીવ છે સિધ્ધ સમ.” આ પણ નિશ્ચયની વાત. આ સ્ટેટમેન્ટ છે. આ વર્ણન છે. આ હકીકત છે. જે બીના છે તે બીના અમે તમને કીધી. પણ આટલા માત્રથી જો એમ માની લે કે હું પૂર્ણ છું, હું બુધ્ધ છું, હું શુધ્ધ છું, હું અકર્તા છું અને હું અભોકતા છું, હવે મારે કંઈ કરવાની જરૂર નથી, કંઈ જ કરવાનું રહેતું નથી, તે બરાબર નથી. એટલા માટે બીજા ઠેકાણે સ્પષ્ટતા કરી કે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ.' આ વ્યવહાર તું કર્મનો કર્તા નથી અને કર્મનો ભોકતા પણ નથી એટલે આત્મા કર્મનો કર્તા કે ભોકતા નથી. પણ કયારે ? “તો' શબ્દ વચમાં આવે છે. છૂટે દેહાધ્યાસ તો. આ તો વ્યવહારનયની વાત કરે છે. તું કર્મનો કર્તા કે ભોકતા નથી એમ બોલે એટલે કામ થઈ ગયું ? ના, એના માટે એક કસોટી આપી. કઈ કસોટી ? છૂટે દેહાધ્યાસ તો તું કર્મનો કર્તા નથી અને તું ભોકતા પણ નથી. પણ હાલમાં તું કર્મનો કર્તા ભોકતા નથી એમ સમજીશ તો તું ભ્રમમાં જીવી રહ્યો છો. દેહાધ્યાસ છૂટયા વગર કર્મનો કર્તા ભોકતા નથી એમ બોલે, પણ ચા ઠંડી મળે તો મગજ તપી જાય અને વાટકો પછાડતો હોય, એ કેમ ચાલે ? કોઈએ થોડું અપમાન કર્યું ત્યાં બદલો લેવાની ભાવના થતી હોય અને પાછો એમ કહે કે “નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org