________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૨૫
પ્રવચન ક્રમાંક - ૧૦૫ ગાથા ક્રમાંક - ૧૩૩ તથા ૧૩૪
સવ્યવહાર અને નિશ્ચય
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. (૧૩૩) આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. (૧૩૪) ટીકા :- ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીનાં લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યા તે સદ્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે તેમ આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે; અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩)
ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશકાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩૪).
આ ઉપસંહારના શ્લોકો છે. ગ્રંથની સમાપ્તિ તરફ રચયિતા જઈ રહ્યા છે. જતાં જતાં જેના કારણે સાધના અટકે છે, જેના કારણે સાધનામાં અવરોધ થાય છે, જેના કારણે જાણવા છતાં ભૂલો થાય છે અને જેના કારણે સાધના કરવાના બદલે સાધના રહિત થાય છે એવાં કેટલાયે મહત્ત્વનાં પરિબળો અંતરાય કરે છે. તેના તરફ પરમકૃપાળુદેવે ધ્યાન દોર્યું છે. પ્રચલિત માર્ગમાં નક્કી થયેલ કાર્યક્રમ કરવો તો સહેલો છે, પરંતુ મૂળભૂત તત્ત્વને સમજીને કયાં શું કરવા જેવું છે તેની સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે, તેથી સાધકને ચેતવણી આપે છે, નિર્દેશ પણ કરે છે અને ભલામણ પણ કરે છે. અત્યંત કરુણાપૂર્વક હૃદયથી સાધક સાધના કરતાં કરતાં કુમાર્ગે ન જાય તેની કાળજી પણ લીધી છે. સમજવા માટે પ્રયત્ન કરીએ.
પહેલી વાત એ કરવી છે કે પરમાર્થ માર્ગમાં અખંડ તત્ત્વને જોવાની ક્ષમતા પણ આવવી જોઈએ. તત્ત્વ પરિપૂર્ણ અને અખંડ છે. પૂર્ણને જોવા આપણી પાસે પ્રજ્ઞા જોઈએ. માત્ર બુધ્ધિથી પૂર્ણ નહિ જોવાય. પૂરેપૂરો આવિર્ભાવ થાય તે પૂર્ણતા છે. આપણે વિભાગને જોવો નથી. આખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org