________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૯૩
કરશો, વ્યાપકરૂપમાં જો વિચાર કરશો તો છ એ છ દર્શનો આ છ પદમાં સમજવા મળશે. એટલું જ નહિ પણ દ્વાદશાંગીમાં કે ૪૫ આગમોમાં જે ભૂતકાળમાં જ્ઞાની પુરુષોએ વર્ણન કર્યું છે તે તમામ વર્ણન, તમને આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી પણ મળી આવશે. પણ કયારે ? જ્યારે વિચાર કરશો ત્યારે જ મળશે. ઝડપથી બોલી જાવ, પારાયણ પૂરી થાય, પ્રસાદ મળે અને ઘર ભેગા થઇ જાવ તેટલાથી કામ નહિ ચાલે. વિસ્તારથી વિચારશો તો કંઇ પણ સંશય રહેશે નહિ. પરમકૃપાળુદેવે એ દૃષ્ટિએ લખ્યું છે કે અમે નિર્વિકલ્પ અવસ્થામાં છીએ. વિકલ્પ તો હશે જ ને ? ધંધો કરે છે, હજારોની લેવડ દેવડ કરે છે બધું જ કરે છે પરંતુ મિથ્યાત્વમોહનો ઉદય ન હોવાના કારણે પરમાર્થ તત્ત્વમાં અમને કોઇપણ જાતનો સંશય કે શંકા નથી. એ અર્થમાં, એ અપેક્ષાએ અમે નિર્વિકલ્પ છીએ. તત્ત્વ વિષે નિઃસંદેહ અવસ્થા અમારી છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયેન વિનશ્યતિ. સંશયમાં જ લોકો રહેતાં હોવાથી નિર્ણય કરી શકતાં નથી. હજુ લોકો પૂછે છે કે ઉપાદાન બરાબર કે નિમિત્ત બરાબર ? હજુ નક્કી થયું નથી. એ તો ઠીક, પણ આત્મા છે કે નહિ તે પણ નક્કી થયું નથી. પચાશ વર્ષથી સાંભળતા હોય અને વાંચતા હોય પણ સંશયને કારણે નક્કી કરી શકતા નથી. તત્ત્વનું જ્ઞાન થઇ શકતું નથી. જો વિચાર કરશો, પ્રયત્ન કરશો તો સંશય નહિ રહે અને નિઃશંક અવસ્થા થશે. દૃઢતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક, ચારે પડખાંથી જેટલા ઊંડાણમાં જવાય તેટલા ઊંડાણમાં જઇને, જેટલા તર્ક કરી શકાય તેટલા તર્ક કરીને, દલીલો કરીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો. તમારા મનમાં કોઇપણ શંકા રહેશે નહિ.
સદ્ગુરુ એમ નથી કહેતા કે તું અમારું કહ્યું માન. તેમણે શિષ્યના પક્ષે શંકા મૂકી સમાધાન કરાવ્યું. આત્મસિદ્ધિમાં ગુરુના પક્ષે અને શિષ્યના પક્ષે એક જ વ્યકિત છે. દેખાય છે બે, કહેવાય છે ગુરુ - શિષ્યનો સંવાદ પણ ગુરુ અને શિષ્ય એક જ વ્યકિત છે, ગુરુ શિષ્યનો સંવાદ મૂકી નિર્દેશ એમણે કર્યો છે અને શંકાપણ વિસ્તારથી કરી છે અને સમાધાન પણ વિસ્તારથી કર્યું છે. કયાંય પણ શંકા ન રહે તેવી નિઃશંક અવસ્થા પ્રાપ્ત થવી તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનની બાબતમાં, તેની વ્યાખ્યાની બાબતમાં કયાંય પણ ગુંચવણ રહે તેવું નથી.
આ છ એ છ પદની સંશય રહિતપણે શ્રદ્ધા કરી અને તેનો ભક્તિપૂર્વક સ્વીકાર કર્યો તથા સમજવું અને શ્રદ્ધા થવી એકી સાથે બન્ને કામ થયા, એક બાજુ પૂરેપૂરી સાચી સમજ, બીજી બાજુ સમ્યક્ શ્રદ્ધા, આ બંને તત્ત્વો જેના જીવનમાં સમગ્રપણે દેખાય તેને કહેવાય છે સમ્યગ્દર્શન. આવું સમ્યગ્દર્શન થવામાં મહત્ત્વનું પરિબળ વિચાર છે. વારંવાર વિચાર કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે.
પહેલો પ્રકાર-વાચના. સદ્ગુરુના મુખેથી વિધિપૂર્વક, નમ્રતાપૂર્વક, સરળતાપૂર્વક નમ્ર બનીને, હું કંઇ જાણતો નથી તેવો સ્વીકાર કરીને, એકાગ્રતાપૂર્વક, સમતાપૂર્વક, ભક્તિપૂર્વક, તન્મયતાપૂર્વક તત્ત્વનું શ્રવણ કરવું. સાંભળવું નહિ પણ શ્રવણ કરવું. શ્રવણ પછી એકાંતમાં મનન કરે, મંથન કરે, ચિંતન કરે, પરિશીલન અને અવલોકન કરે, ગાઢ ઊંડાણમાં જઇને વસ્તુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org