________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૮૧ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. અહો, અહો, એમ બે વખત કહ્યું તેનું એક કારણ-જગતનાં લોકો વ્યવહારમાં લેવડદેવડ કરે છે. આપણે કોઈની સ્મશાનયાત્રામાં જઈએ તો એ આપણે ત્યાં આવે તેવો ભાવ હોય છે. લગ્નપ્રસંગે જાવ તો તે પણ કોઈ પ્રસંગે કામમાં આવશે તેવું કારણ, તેવો સ્વાર્થ હોય છે. પરંતુ સદ્ગુરુ તો પોતાના સ્વરૂપને સંપૂર્ણપણે પામી ગયા છે. તેમને શિષ્ય પાસેથી કોઈ સ્વાર્થ નથી. તેમને કંઈપણ મેળવવાનું બાકી નથી. પરંતુ કોઈપણ જીવ આત્મસ્વરૂપને પામે અને તેના આત્માને જાણે તે હેતુ સિવાય બીજો કોઈ હેતુ તેમને નથી. માટે તેમણે ઉપદેશ આપ્યો.
બીજી વાત સદ્ગુરુ તો એમ કહે છે “જગત ગુરુ મેરા, ઓર મેં ઉસકા ચેલા” જગત અમારા ગુરુ છે અને અમે તેના ચેલા છીએ, આવી નમ્રતા છે. તો અમારે કયાં અહંકાર કરવો રહ્યો ? અમારે માન કે પૂજા કંઈ જોઈતું નથી. જ્ઞાની પુરુષોનો જન્મ બે કારણો માટે થયો છે. એક પ્રારબ્ધ ભોગવવા માટે જ્ઞાની પુરુષ જ્ઞમ્યા છે અને બીજું કારણ જગતનાં જીવોનાં કલ્યાણ માટે. સમજાય છે કાંઈ ?
અહો ! અહો ! આ મોટો ઉપકાર છે. હવે એમ કહેવું છે કે સાક્ષાત્ સદ્ગુરુ એ કરુણાની મૂર્તિ છે. આવું લક્ષ આવી જાય તો સદ્ગુરુની કરુણા કેવી અગાધ છે તેનું આછું પાતળું ભાન થાય. શિષ્ય એમ કહે છે કે સદ્ગુરુને જોતાં તેમની ઊંચાઈ અમને ખ્યાલમાં આવી, કારણ કે સદ્ગુરુએ કરુણા કરી બોધ આપ્યો અને આ પામર એટલા માટે કે વિષયોમાં, કષાયોમાં, રાગમાં, પદાર્થમાં, વસ્તુઓમાં, સંયોગોમાં, મોહ અને માયામાં અટવાયેલા હતા. અમારી યોગ્યતા પણ ન હતી છતાં અમને બોધ આપ્યો. એમને જે આત્મજ્ઞાન છે તે અમને પમાડ્યું, એટલે એમનો અમાપ ઉપકાર છે.
અહો ! અહો ! શ્રી સદ્ ગુરુ કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર'. આ શબ્દો સમજાણા? આ હદય સમજાણું? ઉપકારનું મહત્ત્વ માપવા અને સમજવા જેટલી અમારામાં ક્ષમતા પણ નથી. સદ્ગુરુનું વચન તો છેક મોક્ષ સુધી લઈ જાય. કોઈ ભૂખ્યા માણસને જમાડે, તરસ્યાને પાણી આપે તો તે આશીર્વાદ આપે. સુખી થજો. ઉઘરાણીવાળા લોહી પીતા હોય તો તે વખતે કોઈ માણસ આવીને કહેશે કે ચિંતા ન કરશો, હું બેઠો છું ને ? એ માણસ તમને દેવ જેવો લાગે ને ! અમારી મુશ્કેલીમાં તમે આવી અમને બચાવી લીધા. જો આવો ઉપકાર અદ્ભુત લાગે તો જેમણે અમારાં જન્મ મરણ ટાળવા, સંસારમાંથી અમને મુક્ત કરવા બોધ આપ્યો તેમનો ઉપકાર કેમ ભૂલાય? આવો અદ્ભુત ઉપકાર એમનો છે. આટલી વાત આ ગાથામાં કરી, થોડી ચર્ચા બાકી છે તે આગળની ગાથામાં લઈશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org