________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૭૯
અલૌકિક વસ્તુ આપી હોય તેનો સ્વીકાર કરવો. આને કહેવાય કૃતજ્ઞતા. જેટલા ગુણો છે તે બધામાં કૃતજ્ઞતા શ્રેષ્ઠ ગુણ છે. આપણા ઉપર કોઇએ નાનામાં નાનો ઉપકાર કર્યો હોય તો તે પ્રાણાંત સુધી ન ભૂલી તે ઉપકારનો બદલો વાળવા તત્ત્પર રહેવું તેને કહેવાય કૃતજ્ઞતા. અને તેની સામે દુર્ગુણ છે કે આપણા ઉપર ગમે તેટલો ઉપકાર કર્યો હોય તે ભૂલી જાય અને તેનો બદલો પાછો ન વાળે તેને કહેવાય કૃતઘ્નતા. આપણે કૃતઘ્ન ન બનીએ.
આપણા ઉપર ઘણા ઉપકારી છે. કોણ ? સૂર્ય અને ચંદ્ર. તે બન્ને ઉપકારી છે. વરસાદ આવે એટલે આપણે રાજી રાજી થઇ જઇએ. જો વરસાદ ન આવ્યો હોત તો દુષ્કાળ પડત. વૃક્ષો ઉપકારી, મા બાપ પણ ઉપકારી, પરંતુ બધાં કરતાં સૌથી શ્રેષ્ઠ ઉપકારી કોઇ હોય તો તે સદ્ગુરુ છે. કેમ ? તો કહે છે કે તેઓ એવી વસ્તુ આપે છે કે તેના આપ્યા પછી આપણું કાયમ માટેનું ભિખારીપણું મટી જાય છે. તે એવો એક ખજાનો અને વારસો આપે છે, એવી મૂડી આપે છે જે આપણી પાસે છે ખરી, પણ તેની આપણને ખબર નથી. તેઓ આંગળી ચીંધી આપણી પાસે રહેલી મૂડીને ખજાનાને ઓળખાવે છે કે જેને આપણે ભૂલી ગયા છીએ. આ ઉપકાર જેવો તેવો નથી. એટલા માટે શિષ્ય જ્યારે આભાર માને છે ત્યારે એક શબ્દ બે વખત બોલાઇ જાય છે. એક વખત કહેત તો ચાલત. પરંતુ બે વખત કહે છે. અહો ! અહો ! પહેલું કારણ એ છે કે ગુરુદેવ ! આપે કરુણાના સાગર બનીને આ ઉપકાર કર્યો માટે આશ્ચર્ય થાય છે. અને બીજું આપે જે આપ્યું તે પણ અલૌકિક છે. અદ્દભુત છે.
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
આમ તો ઘટના ઘટી ગઇ છે. પામરતા ચાલી ગઇ છે. યશોવિજયજી મહારાજે ગાયું કે ગઇ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં. તેમણે કહ્યું કે પ્રભુ ! તમે કૃપા કરી, અમને સમક્તિનું દાન આપ્યું અને અમારા જીવનમાંથી દીનતા ચાલી ગઇ. હવે અહીં કહ્યું કે આ પામર પર પ્રભુ કર્યો ઉપકાર. બંને વાતો ખૂબ યોગ્ય અને વ્યાજબી છે. અમે પામર હતાં. ‘અત્યાર સુધી અમારી પાસે જે અલૌકિક ખજાનો હતો તેને અમે ઓળખી શકયા ન હતાં. એ અમારી લાચારી, દીનતા અને પામરતા હતી'. એટલા માટે અહો ! અહો! શબ્દ બે વખત વાપર્યો અને આપ કરુણાના સાગર છો તેમ કહ્યું. સદ્ગુરુમાં ઘણા ગુણો છે. પરંતુ સૌથી મોટો ગુણ એ તેમની પરમ કરુણા છે અને આપણા માટે પરમ કરુણા જ ઉપયોગી છે. એ કરુણાવંત ન હોત તો આપણને ઉપદેશ અને સમાધાન કરાવત નિહ. આ બધું સમજાવીને પોતે ધ્યાનમાં, સમાધિમાં ગયા. તેઓ તો કૃતકૃત્ય છે. જ્યારે વીતરાગતા પ્રાપ્ત થઇ ત્યારે તેમને જે કાર્ય કરવાનું હતું તે પૂરું થઇ ગયેલ છે. પરંતુ તેઓ આપણા માટે બોલ્યા. આપણા વચ્ચે રહ્યા. તીર્થંકરો એક પ્રહર સવારે અને એક પ્રહર સાંજે ધર્મદેશના આપે છે. તેમની કોઇ જવાબદારી નથી કે કોઇએ નિમણુંક કરી તેમને નિશ્ચિત કામ સોંપ્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org