________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૭૫
સાધના છે આ. સાંભળવું એક વાત છે પણ શ્રવણ ભાવપૂર્વક કરવું તે મોટી વાત છે. તેમનાં હૃદયમાં શું ભાવ છે તે સમજણ પડી ? એટલા માટે સદ્ગુરુ વારે વારે પૂછતા હોય છે કે સમજાય છે ? ખ્યાલમાં આવ્યું ? વાત બેઠી ? સ્પષ્ટ થયું ? આ એટલા માટે કહે છે કે તમારી સમજણ કલીયર થઇ કે નહિ. અહીં શિષ્ય પોતે નિવેદન કરે છે. ગુરુદેવ ! આપે છ પદની વાત વિગતથી કરી એના વિષે મારી સમજણ આ પ્રમાણે છે. ચાર પદોની વાત ૧૨૨ ગાથા સુધી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોકતા છે. શ્રીસદ્ગુરુએ સ્વીકાર્યું કે તારી સમજણ બરાબર છે. છેલ્લા બે પદો-મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ બે પદો મહત્ત્વનાં છે. આ ચારે ચાર પદો જાણ્યા પછી તેની મહેનત મોક્ષપદમાં કરવાની છે. જાણવા જેવા તો છ એ છ પદો છે પણ ઝીલવા જેવું પાંચમું પદ મોક્ષ છે, તો મોક્ષનો ઉપાય પણ છે. છઠ્ઠા પદમાં સાધના છે, અભ્યાસ છે, જીવનના ઘડતરનો અભ્યાસ છે. પાંચે પાંચ પદને સાર્થક બનાવવા માટે છઠ્ઠા પદની સાધના કરવાની છે. એ સાધના પથ છે, જેને મોક્ષનો ઉપાય કહેવાય છે.
શિષ્ય કહે છે, પ્રભુ ! મારી સમજણ આમ થઇ છે કે ‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા' આ અર્ધી લીટીમાં હજારો વિવાદો ટાળી દીધા. હજારો સંપ્રદાયો છે, હજારો માન્યતા અને ખ્યાલો છે. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ જગતમાં વર્ણવામાં આવી છે. તેના વિષે ઘણી ભ્રાંતિ અને ભ્રમણા પણ છે. મોક્ષ નામનું સ્થળ છે. વૈકુંઠ છે, ત્યાં કોઇ રહે છે, ત્યાં દિવ્ય શરીર છે, ત્યાં સુખ છે આમ ઘણી બધી ભ્રમણાઓ મોક્ષ સાથે સંકળાયેલી છે. આ બધી ભ્રમણાઓ એક ઝાટકે શિષ્ય હાંકી કાઢે છે. શિષ્ય કહે છે કે ‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા' પોતાના આત્માની શુદ્ધતા થવી તેનું નામ મોક્ષ, મોક્ષમાં શું હોય તે મહત્ત્વનું નથી. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ છે તે વાત જવા દો. પરંતુ તેમાં સ્પષ્ટ સમજણ એવી છે કે પોતાના આત્માની શુદ્ધતાને જ અમે મોક્ષ કહીએ છીએ. જે ક્ષણે આત્મા પરમ શુદ્ધ બને છે, એવી અવસ્થાને પ્રાપ્ત કરે છે તે આત્માના શુદ્ધપદને મોક્ષ કહેવાય. આવી મારી સમજણ છે તો પૂ. ગુરુદેવ ! તે બરાબર છે ? વાત ખ્યાલમાં આવે છે કે મોક્ષ એ શું છે ? મોક્ષ કોઇ ચમત્કારી ઘટનાં નથી. મોક્ષ કોઇ ચમત્કારી સ્થળ નથી. ‘ત્યાં કોઇ રહેતા હોય, ખાતા પીતા હોય અને લહેર કરતાં હોય’ તેવા કોઇ સંબંધો આત્મા સાથે જોડશો નહિ. આત્માના શુદ્ધપદને જ મોક્ષ કહે છે. આ વાતને સમજવા થોડાં સૂત્રો પણ સમજવાં પડશે.
આત્મા પરિપૂર્ણ શુદ્ધ બને તે મોક્ષ, આજે આત્મા શુદ્ધ નથી. આત્મા અશુદ્ધ છે. આત્મા પહેલાં શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એમ કહેવું પણ ખોટું છે આત્મા શુદ્ધ છે અને પ્રકૃતિ અશુદ્ધ છે એમ કહેવું પણ બરાબર નથી. આત્મા અશુદ્ધ છે અને શુદ્ધ થઇ શકતો નથી એમ કહેવું પણ વ્યાજબી નથી. તો વાસ્તવિક્તા શું છે ? એક વાત એ છે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધ છે. માટે સંસારમાં છે, સ્થૂળ દેહમાં છે અને બીજી વાત, બીજો સિદ્ધાંત અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઇ શકે છે. આત્મા અશુદ્ધ ન હોત તો આ સંસાર ન હોત. સંસાર પણ છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org