________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૭ ઊભો રહ્યો. જેમ શેરના ભાવો વધે એટલે કરોડો રૂપિયાનો ખેલ તેમ વિભાવનું જોર વધે એટલે કરોડો કર્મોનો ખેલ થાય. સીત્તેર ક્રોડાકોડી સાગરોપમ એક પળમાં બંધાય. આટલો મોટો સટ્ટો કયાંય થતો નથી. શ્રીમદજી કહે છે કે “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર.” વિકલ્પના નિમિત્તે આખો સંસાર ઊભો થાય છે, વિકલ્પ કરતાં કેટલી વાર થાય? આ માણસ હરામખોર, મફતીયો નવી ગાડી લાવ્યો છે ને ! પણ તારું એમાં શું ગયું ? આ બોલવાની જરૂર ખરી ! પછી કહે કે જો જો એક દિવસ આ ગાડી ભટકાશે અને તૂટી જશે. પછી રાહ જોઈને જ બેઠો હોય, આ વિભાવ. આપણે બીજું કરીએ છીએ શું ? સ્વાધ્યાય તો કયારેક, પરંતુ ૨૪ કલાક વિભાવ જ કરતાં હોઈએ છીએ. વૃત્તિને પાછી વાળો. કંઈ સમજાય છે ? પોતાની વૃત્તિને પર તરફ જતાં રોકવી.
નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો,
પ્રત્યેક રીત લખી તુમ એસી, ગહીએ આપ સુહાવો. શિષ્ય ગુરુદેવને કહી રહ્યો છે કે ત્રીજું અને ચોથું પદ હું આ પ્રમાણે સમજ્યો છું. થોડી વાત બાકી છે તે નિર્વિકલ્પ સ્વરૂપની છે.
એવી અવસ્થા પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મને ચારો મળી શકતો નથી. ત્યાં કર્મો ઉત્પન્ન થઈ શકતાં નથી. કર્મોને ઉત્પન્ન થવાનું કામ વિકલ્પો કરે છે. વિકલ્પ કર્યા વગર આપણે રહી શકતાં નથી. ચોવીસ કલાક આપણે વિકલ્પો જ કર્યા કરીએ છીએ.
અમે ગામડામાં હતાં ત્યારે એક ૮૫ વર્ષના ભાઈ ઉપાશ્રયમાં સૂવા આવે. ઘેર કોઈ સૂવા ન દે. રાતના ગમે ત્યારે આવે. અમે પૂછીએ કે રામજીભાઈ ! અગિયાર વાગ્યા રાતના, આટલું બધું મોડું કર્યું? તો કહે કપાસ એટલે રૂ નો ભાવ જાણવા રોકાયો હતો. મેં પૂછયું કે ધંધો કરો છો ? તો કહે, ધંધો તો બંધ છે પણ જાણ્યું હોય તો ઠીક રહે. આની હાલત શું થાય તે કહો? વિકલ્પ સંસાર ઉત્પન્ન કરે છે પછીની ગાથામાં નિર્વિકલ્પ અવસ્થાની વાત છે, ત્યાં વિકલ્પો નથી. આવતીકાલે આ ગાથા જોઈશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org