________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૯ વિવિધ સાધનામાં શ્રવણ પણ એક સાધના છે, અને એ શ્રવણ મોક્ષ સુધી પહોંચાડી શકે છે. ભગવાન મહાવીર પોતાના ગુહસ્થ શિષ્યોને શ્રાવક કહેતા હતા. માત્ર ચાંદલો કરવાથી શ્રાવક થવાતું નથી. પરંતુ ભગવાન મહાવીરે એમ કહ્યું કે શ્રદ્ધાપૂર્વક, વિવેકપૂર્વક શ્રવણ કરી, શ્રવણમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે તત્ત્વને પકડી, તેની અનુભૂતિ કરે તે મારો શ્રાવક. શ્રાવક વિધિપૂર્વક શ્રવણ કરે તો તેને બીજી સાધના કરવાની જરૂર નથી. અહીં શીર્ષક બહુ મઝાનું છે. શિષ્યબોધબીજપ્રાપ્તિ. વૈરાગ્યશતકમાં એક ગાથા છે.
संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा।
नो हु उवणमंति सईओ, नो सुलहं पुणरवि जीविअं॥ વહાલથી ભરેલો પિતા તેના પુત્ર સાથે પ્રેમથી વાત કરે છતાં જો પુત્ર બેદરકાર રહેતો હોય ત્યારે કહે છે કે તારા ભલા માટે કહીએ છીએ, સાંભળતો ખરો ! તેમ ભગવાન મહાવીર સાધકોને કહે છે “સંબુદ તમે બોધ તો પામો, બોધ કેમ પામતા નથી? સંબોધિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આ સંબોધિ શબ્દનો અર્થ એ થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનું મિશ્રણ થઈ એક અવસ્થા પ્રાપ્ત થવી. તું સંબોધિ પ્રાપ્ત કરી લે. કારણ કે રાત, જે દિવસ અને જે જીવન જાય છે તે ફરી આવતું નથી. જાણવું અને બોધ પામવો બે વચ્ચે ફરક છે. જાણવું નો અર્થ થાય છે કે ભૌતિક બળથી વસ્તુના બાહ્ય સ્વરૂપને સમજી લેવું. અને બોધ પામવાનો અર્થ એ થાય છે કે તેના ઊંડાણમાં ઊતરી સ્વાનુભવ કરવો. આવી બોધની ઘટના અંદર ઘટતી હોય છે. બોધ એટલે સ્વરૂપનું સ્મરણ, સ્વરૂપની સ્મૃતિ, સ્વરૂપનું જ્ઞાન અને આવા બોધનું બીજ આત્મા છે.
સમ્યગદર્શનનું બીજ પણ આત્મા, ધ્યાનનું બીજ પણ આત્મા, તપનું બીજ પણ આત્મા. બીજમાં બીજાણું છે તે વૃક્ષ થાય છે. એમ તમામ પ્રક્રિયા આત્મામાં થાય છે તેથી આત્મા બીજ છે. પરંતુ થયું છે એવું કે બીજ બીજ જ રહ્યું છે. ખીલ્યું નથી. આત્મા બીજ આપણી પાસે છે બીજનું ખીલવું તેનું નામ સાધના, અને ખીલતાં ખીલતાં તે પૂરેપૂરું ખીલી જાય ત્યારે બને પરમાત્મા. પરમાત્મા પૂરેપૂરા ખીલી ગયા છે, હવે કંઈ બાકી રહેતું નથી. આપણે તો બીજ રૂપે જ રહ્યા છીએ. જ્ઞાની કહે છે કે બીજને ખીલવાની પ્રક્રિયામાં જવા દો તો ખીલશે. બધી સાધનાનો આધાર આત્મા (બીજ) છે. મઝાની વાત તો એ છે કે થોકબંધ સાધના કરનાર વ્યકિત બધું કરે છે પણ આત્માને યાદ કરતી નથી. જાનૈયા આવી જાય, બેંડ વાજા આવી જાય, પછી ખબર પડે કે વરરાજા હજુ આવ્યા નથી. કરશો શું ? એ મુખ્ય પાત્ર છે. સમગ્ર સાધનામાં મુખ્ય પાત્ર આત્મા છે. એ આત્મા વિષે બોધ, સ્વરૂપ વિષે બોધ એને બોધબીજ કહેવાય. શિષ્યને જે ખરી પ્રાપ્તિ થાય છે, તેનું વર્ણન આ ૧૧૯મી ગાથાથી શરૂ થાય છે. શું બને છે, તે સમજી લો. પહેલાં શિષ્ય જીજ્ઞાસુ બને, મુમુક્ષુ થાય, જાણવાની તાલાવેલી ઉત્પન્ન થઈ, જગતના બાહ્ય પદાર્થો તેને અસાર લાગ્યા. તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો. અંદરમાં એક દ્વન્દ્ર ઊભું થયું. એક મૂંઝવણ અને સમસ્યા થઈ. એને એમ લાગે છે કે જગતના પદાર્થો ગમે તેટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org