________________
૨૪૮
પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા ક્યાંક-૧૧૯
પ્રવચન ક્રમાંક - ૯૪
ગાથા ક્યાંક - ૧૧૯ સદ્ગુરુના ઉપદેશથી થતું અપૂર્વ ભાન
શિષ્ય-બોઘબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. (૧૧૯) ટીકા -શિષ્યને સગુના ઉપદેશથી, અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાના વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. (૧૧૯)
જીવનમાં જે ઘટના ઘટે છે, પરિવર્તન થઈ સમગ્રપણે અસ્તિત્વ બદલાઈ જાય છે, તેની પણ એક પ્રક્રિયા છે. તેને રૂપાંતરની અથવા બદલાહટની પ્રક્રિયા પણ કહી શકાય.
લોઢાના કટકાને પારસમણિનો સ્પર્શ થાય તો લોઢું સોનું બની જાય છે. કેવી રીતે બને તે ખ્યાલ નથી, પણ સોનું બને છે અને તે સોનું ફરી લોખંડ બનતું નથી. તેમ અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકે છે. પણ પરિપૂર્ણ શુદ્ધ બન્યા પછી અશુદ્ધ બનાવી ન શકાય. સંસારી સિદ્ધ થઈ શકે છે પણ સિદ્ધ થયા પછી કોઈ સંસારી થઈ શકતું નથી. આ આંતરિક ઘટના છે. વ્યકિત તેને જાણી શકે છે. વ્યક્તિ તેનો સાક્ષી બની શકે છે. આંતરિક ઘટના ઘટે છે ત્યારે સમગ્ર જગતનો સ્થૂળ સંપર્ક એટલા ટાઈમ પૂરતો છૂટી જાય છે. અંદર ઘોલનની પ્રક્રિયા થાય છે. દહીમાંથી વલોણું થઈ માખણ બને છે તેમ ઘોલન કરતાં કરતાં અંદર પરિવર્તનની ઘટના ઘટે છે. આ ઘટના વ્યકિત જાણી શકે પરંતુ બીજા લોકોને ઘટના ઘટયા પછી ખબર પડે.
અહીં છ પદનું વર્ણન પૂરું થયા પછી વર્ણન કરનાર સદ્ગુરુ સમાધિ અને મૌનમાં જાય છે. કોઈ ભલામણ કે સૂચન કરતા નથી. કંઈ સ્પષ્ટતા કરતા નથી. શું કરવું તે પણ કહેતા નથી અને પોતે સમાધિમાં ચાલ્યા જાય છે. સામે જે પાત્ર હતું તે જાગૃત હતું. શિષ્યનો અર્થ ચેલો નહિ, મતને સ્વીકારી ચાલનાર નહિ, પરંતુ શિષ્ય એક અવસ્થા છે. જેમ સદ્ગુરુની અવસ્થા છે તેમ શિષ્યની પણ એક અવસ્થા છે. સદ્ગુરુ આપનાર પાત્ર છે. શિષ્ય ગ્રહણ કરનાર પાત્ર છે. તેનામાં ગ્રહણશીલતા જો હોય તો આપનાર વ્યકિત રેડી શકે છે, અને તેનું રેડેલું ગ્રહણ કરનાર પચાવી પરિણમાવી શકે છે. આવું પરિણમન થાય તો શ્રવણની ઘટના સમ્યક પ્રકારે થઈ કહેવાય. શ્રવણ એ પણ એક સાધના છે. સાંભળવું અને શ્રવણ કરવું બે વચ્ચે ફરક છે. સાંભળવામાં કાનની મુખ્યતા છે અને શ્રવણ કરવામાં હૃદયની મુખ્યતા છે. હૃદયથી બોલવું અને હૃદયથી સાંભળવું આવી ઘટના જેનામાં થાય તે સદ્ગુરુ અને શિષ્ય છે. સદ્ગુરુનું હૃદય બોલે છે અને શિષ્યનું હૃદય સાંભળે છે અને હૃદયમાં તે પરિણામ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org