________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૫ છે ત્યારે કૂતરો એમ માને છે કે હવે મને સ્વાદ આવ્યો. સ્વાદ આવે છે પોતામાંથી પણ આરોપ કરે છે હાડકાં ઉપર. તેમ સુખ આવે છે આત્મામાંથી અને આરોપ કરે છે પુદ્ગલ ઉપર, સંયોગો ઉપર. આ ભૂલ કોણ કરે છે ? આ ભૂલ કૂતરું કરે છે, તમે નથી કરતા ને ? સુખ આવે છે અંદરમાંથી. કોઇપણ સુખ જો તમારી હાજરી ન હોય તો મળે ? ન મળે, તમે ઘરેણું પહેરો છો, કપડાં નવાં પહેરો છો અને તમને સુખ થાય છે. તમે હાજર ન હો તો અલંકાર અને કપડાં કોણ પહેરશે ? કોણ મઝા માણશે ? આઈસક્રીમ ઘણો સારો છે પરંતુ તું તો હાજર જોઈએ ને ? જ્યારે તું ખાય છે ત્યારે તારામાંથી સુખ આવે છે અને આરોપ કરે છે આઇસ્ક્રીમ ઉપર. સુખ આવે છે તારામાંથી અને આરોપ કરે છે ચા ઉપર, પુદ્ગલ પદાર્થો ઉપર. સમગ્ર પુદ્ગલ પદાર્થો ઉપર સુખનો આરોપ થાય છે.
સુખ આવે છે આત્મામાંથી તેથી આત્મા સુખધામ છે. સુખ અંદરથી આવે છે અને અંદર એક તત્ત્વ છે તે આત્મા છે. મોક્ષમાં અનંત સુખ છે. તમે જશો ત્યારે અનુભવશો. મોક્ષમાં કોઇપણ જાતના બાહ્ય પદાર્થો નથી. અને જો બાહ્ય પદાર્થોથી જ સુખ મોક્ષમાં પણ મળતું હોય તો અમે તમને એમ કહીએ કે અહીંથી બધુ ભેગું કરી લઈ જાવ. પણ ના, તેવું નથી. બાહ્ય પદાર્થો વિના અનંતસુખ છે. એવી પણ એક અવસ્થા છે કે કોઈપણ બાહ્ય પદાર્થો વગર સંપૂર્ણ સુખેથી રહી શકાય. તમે કયારેક એવી અવસ્થા અહીં ભોગવો છો. એકલાં બેઠાં હો, શાંત હો, કોઈ મૂંઝવણ, ટેન્શન, વિકલ્પો, વિચારો, ભય, ચિંતા, બોજો કે ભાર ન હોય તો તમે થોડું સુખ અનુભવો છો. આનો અર્થ એ થયો કે સુખ અનુભવવા માટે બાહ્ય પદાર્થોની જરૂર નથી. ત્યારે તમને લાગે છે કે હાશ ! શાંતિ મળી. તમારી પાસે શું હોય છે તે વખતે ? ટી.વી. છે ? ખાવાની સામગ્રી છે ? રૂપિયાની નોટો નથી તે વખતે. કંઈપણ નથી, છતાં એકલાં સુખ અનુભવી શકો છો. સગવડ માટે બાહ્ય પદાર્થોની જરૂર. ગરમી લાગે તો પંખો જોઇએ, લોકો લાઈટ જાય અને પંખો બંધ થાય તો બૂમો પાડે કે મરી ગયો પણ તું બોલે તો છે. બાહ્ય પદાર્થો અને તેના સંબંધ વગર સુખ અનુભવી શકાય છે.
એક અનુભવની વાત સાંખ્યદર્શનમાં આવે છે. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. ઘણાં લોકો એટલાં સુખી હોય છે કે એવી નિદ્રા તેમને આવે કે પલંગ ઉપરથી પટકાઈને નીચે પડે તો પણ જાગે નહિ. ગાઢ નિદ્રાને સુષુપ્તિ કહે છે. તેમાં એક પ્રકારનું સુખ હોય છે. ઊઠે ત્યારે કહે છે કે હાશ કેટલું સારું લાગ્યું. સાંખ્યદર્શનકાર પૂછે છે કે એ સુષુપ્તિમાં તારી પાસે શું હતું ? કંઇપણ ન હતું છતાં સુખ લાગ્યું. આ અવસ્થામાં બાહ્ય પદાર્થ વગર સુખ અનુભવી શકાય છે પણ આ જડ અવસ્થા છે, નિદ્રા અવસ્થા છે. તેવું સુખ ધ્યાન અને સમાધિમાં અનુભવી શકાય છે.
“નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી.” સુખ અંદરમાંથી આવે છે, આત્મામાંથી આવે છે, એ સુખ ધ્યાન અને સમાધિમાંથી મળે છે. કારણ ? આત્મા સુખનું ધામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org