________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૩ છે. આ નિશ્ચયનયની અપેક્ષાએ વાત કરવામાં આવે છે. આનંદધનજીએ કહ્યું છે કે..
કનકાપલવત પયડી પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ. કનક એટલે સોનું અને ઉપલ એટલે માટી. ખાણમાં સોનું અને માટી અનાદિથી ભેગાં છે પણ જ્યારે બહાર કાઢે ત્યારે સોની તો જાણે છે કે સોનું પણ જુદું અને માટી પણ જુદી છે. એટલા માટે તો માટી અને સોનાને જુદા પાડવાના પ્રયોગ તે કરે છે. તે જુદા પડવાના ન જ હોત તો પ્રયોગ કરવાની જરૂર નથી. આત્મા અને કર્મો ભેગાં છે, જુદાં પડી શકતાં ન હોત તો જ્ઞાની તમને સાધના, તપ, ધ્યાન, કરવાનું કહેત નહિ, પુરુષાર્થ કરવાનું કહેત નહિ. એમ જ કહેત કે ખાઓ, પીઓ, લહેર કરો અને આનંદથી જીવો. જ્ઞાની પુરુષો કહે છે કે આ અશુદ્ધિ દૂર કરી શકાય છે, એ માટે ઉપાયો છે. માટે કહ્યું કે આત્મા શુદ્ધ છે. - સાધકનો પ્રારંભ અહીંથી થાય છે. આત્મા શુદ્ધ છે એ ઝંડો લઇને તે યાત્રા કરવા નીકળે છે. અશુદ્ધિ અને મલિનતા હોવા છતાં, પોતે શરીરમાં હોવા છતાં, કર્મો, રાગ દ્વેષ હોવા છતાં તે નિર્ણય કરી નીકળે કે આત્મા મૂળભૂત શુદ્ધ જ છે. શુદ્ધતાનો નિર્ણય કર્યા સિવાય સાધનામાં જોસ અને જોમ પણ નહિ આવે. ડોકટર પાસે જાવ ત્યારે ડોકટર દવા આપે છે પણ દર્દ મટી જશે જ, એમ ગેરંટી આપતા નથી. પરંતુ જ્ઞાની પુરુષો તો કહે છે કે અશુદ્ધિ મટશે ને મટશે જ. મટી જાય તે માટેના જે પ્રયોગ તેનું નામ સાધના, તે માટેનો પ્રયોગ તેનું નામ ધ્યાન, તેનું નામ તપ, તે માટેનો પ્રયોગ એટલે ચારિત્ર. આ બધા પ્રયોગો છે. આત્માની અશુદ્ધિ મટી શકે છે ને આત્મા શુદ્ધ થઈ શકે છે એવો નિશ્ચય, એવી શ્રદ્ધા અને એવો વિશ્વાસ લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે છે. યશોવિજયજી મહારાજે કહ્યું કે તમારી મૂળ અવસ્થા તમે ખોઈ નથી. મૂળ અવસ્થા ઉપર આવરણ આવ્યું છે. આવરણ દૂર કરીએ તેને કહેવાય છે આત્માની શુદ્ધિ, આત્મા શુદ્ધ છે.
બીજો શબ્દ આત્મા બુદ્ધ છે. દુનિયામાં બે શબ્દો છે. એક શબ્દ છે બુદ્ધ, જે આપણો પરિચિત શ. છે. કોઈ માણસ વાત સમજતો ન હોય તો આપણે અકળાઈને કહીએ છીએ કે સાવ બુદ્ધ જેવો છે. બીજો શબ્દ છે બુદ્ધ. અજ્ઞાનથી જેની પર અવસ્થા છે તેને કહેવાય છે બુદ્ધ. પરમ અવસ્થા, પર અવસ્થા, જેને જાણવાનું કંઈ બાકી રહેતું નથી, સંપૂર્ણપણે જેણે અસ્તિત્વને જાણી લીધું છે અને જેમનામાંથી બધી અશુદ્ધિઓ ખરી પડી છે, એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી, એવું પરમજ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું, એવી પરમદશા જેમણે પ્રાપ્ત કરી તેને કહેવાય છે બુદ્ધ.
ચૈતન્યઘન - પાણી જામે એટલે બરફ થાય. પરંતુ એ બરફ તે પાણી જ છે. ખંડ ખંડ જ્ઞાન બંધ થતાં અખંડ જ્ઞાન પ્રાપ્ત થાય તેને કહેવાય ચૈતન્યધન. આપણું જ્ઞાન ખંડ ખંડ છે, અખંડ નથી. એક સાથે બધી વસ્તુ જાણી શકતા નથી. વસ્તુ તત્ત્વને સમગ્રપણે જાણવાની ક્ષમતા જેમનામાં છે તેને કહેવાય છે ચૈતન્યઘન. ચૈતન્ય એટલે જાણનારો અને સંપૂર્ણપણે એક સાથે બધું જાણે તેને કહેવાય ચૈતન્યધન. એવો ચૈતન્યઘન આત્મા આપણા જીવનમાં પ્રગટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org