________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૧ આ પાંચ શબ્દો પસંદ કર્યા. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, આત્મા ચૈતન્ય ધન છે, સ્વયંજ્યોતિ અને સુખનું ધામ છે. પછી કહ્યું કે બીજું કેટલું કહીએ ? તારા ઉપર છોડી દઈએ, આ છેલ્લી ભલામણ. તું વિચાર કર તો તને પ્રાપ્ત થશે. હવે તારા ઉપર આધાર છે. અમે પણ કહ્યું કે એક હજાર જીવ્યો હોય અને એક કરોડ વર્ષ સતત બોલવાનું હોય તો પણ જેનું વર્ણન ન થઈ શકે તેવું આ તત્ત્વ છે. અત્યાર સુધી અમે બોલ્યા. હવે તારી જવાબદારી. તું વિચાર કર અને તું પ્રાપ્ત કર. અમે મૌન લેવાના છીએ, આગળની ગાથામાં ગુરુદેવ મૌન લેવાના છે. પૂછવા પણ રોકાવાના નથી કે તને સમજાયું કે ન સમજાયું ? વાત પૂરી થાય છે. તું વિચાર કર, તને પ્રાપ્ત થશે.
પહેલો શબ્દ છે શુદ્ધ ઃ આ શુદ્ધ શબ્દ સમજવા ચાર-પાંચ પાયાના સિદ્ધાંતો સમજી લેવા પડશે. પહેલો સિદ્ધાંત કે તું દેહ આદિ સર્વ પદાર્થોથી જુદો છે. સાથે હોવા છતાં જુદો. અસિ ને મ્યાનની જેમ. આ જેટલા પદાર્થો તમારી આજુબાજુ કર્મના નિમિત્તે, સંયોગોના નિમિત્તે એકત્રિત થયા છે, અને જે પદાર્થ ઉપર તમારા નામનું લેબલ લગાડેલ છે, તે સાથે આવશે નહિ. એક નાની ચમચી ઉપર પણ ફલાણા ભાઈ એવું નામ લખેલું હોય, પણ ખબર નથી કે ચમચી સાથે આવશે કે નહિ ? આ બધા પદાર્થોથી તું જુદો છે.
બીજો સિદ્ધાંત - આત્મ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય સાથે ભળતું નથી. આ સમજી લેજો કે આત્મદ્રવ્ય કોઈ સાથે ભળી શકતું નથી. ભળવું હોય તો પણ ભળી શકે નહિ. શકયતા જ નથી. આત્મા બીજા સાથે ભળતો નથી અને આત્મામાં અન્ય કંઈ ભળી શકતું નથી. આત્મા તો જેવો છે તેવો શુદ્ધ જ છે. એકમેકમાં ભળી જવા માટે પ્રેમીઓ એક રૂમાલ અને દુપટ્ટો બંને સાથે ગળે બાંધી દરિયામાં ડૂબવા પ્રયત્ન કરે, પણ મર્યા પછી બંને છૂટાં જ રહે છે. જો બે શરીર સાથે ભળી શકતાં નથી તો બે દ્રવ્યો કેવી રીતે ભેગા થઈ શકે ? કોઈપણ દ્રવ્ય કોઈમાં ભળતું નથી અને કોઈ તેમાં ભળતું નથી, કારણ પ્રત્યેક દ્રવ્ય પરમાર્થથી સદા ભિન્ન છે. આને કહેવાય છે દ્રવ્યોની સ્વતંત્રતાનો સિદ્ધાંત. તમે કહેશો કંઈ સહેલું કહો, મઝા આવે તેવું કહો પણ આનાથી બીજી કોઈ મઝાની વાત નથી.
છ દ્રવ્યો છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ વિશ્વની સમૃદ્ધિ અને વૈભવ છે. પાંચે દ્રવ્યો આકાશમાં અનંતકાળથી સાથે છે અને અનંતકાળ સાથે રહેવાનાં છે પરંતુ બધાં દ્રવ્યો એકબીજામાં ભળતાં નથી તેવી દ્રવ્યની સ્વતંત્રતા છે. જો આટલું સમજાઈ જાય તો એક મોટો ફાયદો થાય કે કોઈ પાસે કોઈને અપેક્ષા ન થાય. દેવચંદ્રજી મહારાજે કહ્યું છે....
પરમાતમ પરમેશ્વર વસ્તુ ગતે તે અલિપ્ત હો મિત્ત,
દ્રવ્ય દ્રવ્ય મળે નહિ, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. આ માર્મિક ગાથા છે. વસ્તુ તેના સ્વભાવથી અલિપ્ત છે. મળતી નથી, ભેગી થતી નથી, એકમેક થતી નથી અને એટલાં જ માટે પ્રત્યેક દ્રવ્યો ભિન્ન અને સ્વતંત્ર છે. સંયોગ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org