________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૯
પ્રવચન ક્રમાંક - ૯૩
ગાથા ક્રમાંક - ૧૧૭-૧૧૮) કર વિચાર તો પામ
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. - (૧૧૭) નિશ્ચય સર્વે જ્ઞાની, આવી અત્ર સમાય;
ધરી મોનતા એમ કહી, સહજ સમાધિ માંય. (૧૧૮) ટીકા - તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઇમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂ૫ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશ નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. (૧૧૭)
સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃતિ કરી. (૧૧૮) - શ્રેષ્ઠતમ તત્ત્વજ્ઞાનથી ભરપૂર, જેમાં સર્વ દર્શનોનો સાર છે તે આત્મસિદ્ધિશાસ્ત્રની આ ૧૧૭મી ગાથા અતિ પરિચિત છે. સેંકડો વાર આ ગાથા બોલી ગયા હોવા છતાં આ ગાથાની ગંભીરતા આપણને નથી. આ ગાળામાં પાયાનું પદાર્થ વિજ્ઞાન છે. દ્રવ્યનું જે બંધારણ છે તેનું આમાં વર્ણન છે અને દ્રવ્યને કામ કરવાની જે શૈલી છે, તેનું વર્ણન પણ આ ગાથામાં છે. ખરેખર સાધના શું છે? અને કઈ ભૂમિકામાં સાધના થાય તેનું પણ રહસ્યમય વર્ણન આ ગાથામાં છે. આ ગાથા ખૂબ જ સરળ છે અને અર્થની અમને ખબર છે તેવું ન માનશો. કારણ આ ગાથાનો પ્રત્યેક શબ્દ એક એક વિભાગને સ્પષ્ટ કરે છે. બહુ ધીરજથી આ ગાથા સમજીશું.
આની પહેલાંની ગાથામાં કહ્યું કે મોક્ષ બહારથી પ્રાપ્ત કરવાનો નથી “તું છો મોક્ષસ્વરૂપ', તેથી સંસાર પણ તું જ છો અને મોક્ષ પણ તું જ છો. દ્રવ્યમાં જે અનંતગુણોનો ખજાનો છૂપાઈને પડ્યો છે, તે આજે પણ છે, પરંતુ તે પ્રગટ નથી. તે ગુણો પૂરેપૂરા પ્રગટ થાય એટલે ખીલી જાય તેનું નામ મોક્ષ. આપણી પાસે જ્ઞાન છે પણ અનંતજ્ઞાન છૂપાયેલું એટલે તિરોભૂત છે. દર્શન છે પણ અનંતદર્શન છૂપાયેલું છે. આનંદ પણ અનંત આનંદ છુપાયેલો છે. આજે આપણને આનંદનો આસ્વાદ મળે છે, જ્ઞાન થાય છે અને દર્શનગુણ પણ કામ કરે છે. પરંતુ તેટલું જ જ્ઞાન કે દર્શન નથી, સ્થૂળ આનંદ છે તેટલો જ ને તેવો આનંદ નથી. આનંદ અનંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org