________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૩૫ જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ' આ જે કંઈ છે તે તું જ છો. બધો તારો ખેલ છે. સંસાર પણ તારો ખેલ અને મોક્ષ પણ તારો ખેલ. સંસાર પણ તું અને મોક્ષ પણ તું. જીવને અનાદિકાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તે દૂર કરવો એ પહેલી વાત. આ પ્રક્રિયામાં જઈ રહ્યા છીએ તો શું કરવું? અશુદ્ધ છે તો શું કરવું ? મોક્ષ સ્વરૂપ છે તો શું કરવું? પ્રથમ દેહથી ભિન્ન પોતાના સ્વરૂપને ઓળખવું અને એ માટે આ આત્મસિદ્ધિશાસ્ત્રની રચના થઈ છે. આત્મસિદ્ધિ માત્ર પારાયણ કરવા માટે નથી. કોઈના મૃત્યુ પાછળ સંભળાવો, વાંચો તે સારું છે. પરંતુ આત્મસિદ્ધિ એટલા માટે છે કે પોતે પોતાના આત્માનું પ્રયોજન સિદ્ધ કરી શકે. પોતાના સ્વરૂપને ઓળખે.
વિભાવમાં જે પરિણમે છે તેને બદલે સ્વરૂપમાં પરિણમવું. પડખું બદલવું, દિશા બદલવી. ગાડીની દિશા બદલવી હોય તો એજીનને આગળથી લઈ પાછળ જોડી દે એટલે દિશા બદલાઈ જાય. વિભાવમાં જે પરિણમે છે તેને બદલે સ્વભાવમાં પરિણમે તો પ્રક્રિયા બદલાઈ જાય. આ જ સાધના છે અને તે ધર્મ છે. તે પ્રમાણે વર્તન કરવાથી શું થાય ? તો તે વર્તનથી કર્મો ખરી પડે, લાકડી લઈને ખંખેરવાની જરૂર નથી. કર્મોની નિર્જરા થવાથી મુકત અવસ્થા પ્રાપ્ત થાય અને તેથી આત્મા પોતાના સ્વરૂપમાં રહે. કર્મો ખરી જવાથી આત્મા શુદ્ધ બને છે.
આટલું તો કરો, તમે તમારા ઘરમાં તો આવો. સુમતિ નામની સખી પોતાના પતિ ચૈતન્યમૂર્તિ ભગવાનને વિનંતી કરે છે. “પિયા નિજ ઘર આવોને'. આ તમારું ઘર છે. તમે માયાના ઘરમાં બેઠા છો. આવો, તમે તમારા સ્વરૂપમાં આવો અને પરને પોતાનું માનવાનું મૂકી દો. આપણી પણ આ મોટામાં મોટી મુશ્કેલી છે. આપણે પરને પોતાનું માની બેઠા છીએ. પરને પોતાનું માનવાનું મૂકી દેવું તે જ ધર્મ છે. પરને પોતાનું માનવું તે ખરાબ મગજનું લક્ષણ છે. અમે કહીએ છીએ કે પરને પોતાનું માનવું છોડો. પોતાનું ન હોય ને પોતાના ઘરે આવ્યું હોય તો જેનું હોય તેને આપી દે એને ખાનદાની કહેવાય.
મોક્ષ કંઈ બહારથી લાવવાનો નથી. ભ્રમણામાંથી બહાર આવો. મોક્ષ મેળવવો એટલે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ઢળવું. આત્મા શુદ્ધ થયો એટલે મોક્ષ. પછી એ ન પૂછો કે સિદ્ધશિલા કેટલી દૂર છે ? લોકોને બહુ ચિંતા છે કે કેટલી લાંબી છે ? કેટલી જગ્યા છે? જગ્યા નહિ હોય તો? આ બધી ચિંતા કરવા કરતાં તું તારા આત્માને શુદ્ધ કરને ભાઈ! આત્મા શુદ્ધ સ્વરૂપ છે અને જ્ઞાન પોતાનો ગુણ છે. ગુણ એટલે સ્વભાવ. દર્શન આત્માનો સ્વભાવ છે. આનંદ આત્માનો સ્વભાવ છે. કોઈ દિવસ તમે પૂછ્યું કે ગોળને ગળ્યો કરવા શું કરવું ? ગળપણ નાખવું પડશે ? અરે ! ગોળ તો ગળ્યો જ હોય તેમ તું પણ આનંદ સ્વરૂપ છો, જ્ઞાનસ્વરૂપ છો. પરંતુ વિપરીત માન્યતાને લઈને તું ખોટું માની રહ્યો છે, ઊંધુ સમજી રહ્યો છે. જે નથી તે માનવું, જે વાસ્તવિક છે તે ખોટું માનવું અને ખોટાને વાસ્તવિક માનવું આ ધંધો મિથ્યાત્વનો છે. આપણા જીવનમાં સૌથી દુઃખદ પરિબળ કોઈ હોય તો મિથ્યાત્વ. પરમકૃપાળુ દેવે કહ્યું કે ... દર્શનમોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org