________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૧ રણકારપૂર્વક એમ કહે છે કે એ ધર્મથી જ મોક્ષ છે. આ ધર્મનો મર્મ છે અને જે કહ્યો તે ધર્મથી જ મોક્ષ છે.
પરંતુ આ વાત અધૂરી છે, પૂરી વાત હવે આવે છે. જે ધર્મથી મોક્ષ છે તે ધર્મ તમારી માન્યતાથી જુદો છે. પરમકૃપાળુ દેવ એક ઝાટકે આ ભેદને દૂર કરે છે. અમે મોક્ષની વાત કરીએ છીએ ત્યારે તમે ઉપર તરફ જુઓ છો. કોઈ સિદ્ધશીલા છે, કોઈ જગ્યાએ મોક્ષનું સ્થાન છે. ત્યાં અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે. ત્યાં જવાનું છે એમ કંઈક કંઈક કલ્પનાઓ જગતમાં થઈ રહી છે પણ અમારી તથ્યવાળી અને પારમાર્થિક વાત એ છે કે તું જ મોક્ષ સ્વરૂપ છો. મોક્ષ બહારથી મેળવવાની વાત નથી. તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. આ અધ્યાત્મ શાસ્ત્રની શિખર વાર્તાને સમજવા કોશિશ કરજો. મોક્ષ મેળવવાની ચીજ નથી. મોક્ષ હોવાની, મુકત થવાની વાત છે. હું પોતે મોક્ષ એટલે મુકત છો અને મોક્ષ અવસ્થામાં જે જે બાબતો હોય છે તેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અવ્યાબાધ અવસ્થા હોય છે. કયારેય કોઈ જાતની બાધા કે અવરોધ ન આવે તેવી અવસ્થા એ અવ્યાબાધ અવસ્થા. ચક્રવર્તીની સંપત્તિ મેળવી હશે પણ મોત તેને છીનવી લેશે. લાખો રૂપિયાને આતંકવાદી છીનવી લેશે. દેહને સાચવ્યો હશે પણ એકાદ રોગ તેને છીનવી લેશે. આ મોક્ષ એવો છે કે તેને કોઈ છીનવી ન શકે, ત્યાં મૃત્યુનું પણ શાસન નથી, ત્યાં જરા, વ્યાધિ, વેદના કે ભય નથી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી. તે કલ્યાણ સ્વરૂપ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. આવી તારી પોતાની અવ્યાબાધ અવસ્થા છે. અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંત સુખ, અનંત ચારિત્ર, અનંત આનંદ એ પણ તું છો. આના સિવાય બીજું કંઈ નથી. આટલી અદ્ભુત વાત! સાંભળીને કંઈ રૂંવાટા ઊભા થાય છે ? અરે ! અમે તો મોક્ષને બહાર શોધીએ છીએ. મોક્ષ મેળવવા બહારની ક્રિયાઓ કરીએ છીએ. “મોક્ષ આ પંચમકાળમાં છે કે નહિ? મોક્ષ અપાવનાર સદ્ગુરુ છે કે નહિ ?' છોડ, આ બધી ચર્ચાઓ. અલ્યા ! તું જ મોક્ષ સ્વરૂપ છો. અને આ વાત એટલા માટે પ્રતીતિવાળી છે કે આત્મા પોતે સર્વ પ્રકારથી શુદ્ધ થાય એવી આત્માની પરમ શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે.
આત્મામાં બંને લાયકાત છે. આત્મા અશુદ્ધ પણ થઈ શકે છે અને અશુદ્ધ બનેલ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. જો આત્મા શુદ્ધ જ હોય તો મોક્ષની વાત કરવાની જરૂર નથી અને અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો ન હોય તો આ બધા શાસ્ત્રોની કયાં જરૂર છે ? પરંતુ એમ નથી. આત્મા અશુદ્ધ છે અને એ અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. અશુદ્ધ અવસ્થા વર્તમાનની છે. શુદ્ધ થઈ શકવું તે યોગ્યતા છે. અને શુદ્ધ થવું તે મોક્ષની ઘટના છે. શું આવ્યું? અશુદ્ધ હોવું તે વર્તમાન અવસ્થા. પાણી ગરમ થઈ શકે છે, કપડું મેલું થઈ શકે છે, ઘરમાં કચરો આવી શકે છે, શરીર ઉપર મેલ ચડી શકે છે, પરંતુ પાણી ઠંડુ પણ થઈ શકે છે અને કપડું ઉજળું પણ થઈ શકે છે, ઘરમાંથી કચરો તથા શરીર ઉપરનો મેલ દૂર કરી શકાય છે, બન્ને વાતો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org