________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૨૭
અને ઉદયમાં આવે ત્યારે પરિણામ આપવાનાં જ. કર્મો બે પ્રકારનાં છે. દુઃખની પ્રતીતિ કરાવે તેવા અને સુખની પ્રતીતિ કરાવે તેવાં. સુખદ સંયોગો અથવા દુઃખદ સંયોગો, આ બંને જાતની પરિસ્થિતિ કર્મ નિર્માણ કરે છે. પણ મઝાની વાત એ છે કે જેને દેહાધ્યાસ છૂટયો છે તે દુઃખદ પરિસ્થિતિ હોવા છતાં પોતે દુ:ખ ભોગવતો નથી. દેખાય છે કે દુ:ખ ભોગવી રહ્યો છે પણ અંદરની પરિસ્થિતિ જુદી છે. ગજસુકુમારને માથે અંગારા મૂકાયા છે તે દેખાય છે, ખંધક મુનિની દેહની ખાલ ઊતરતી દેખાય છે, સનતકુમારને દેહમાં વ્યાધિ જણાય છે. આવું હોવા છતાં, દુઃખ છે છતાં તેઓ દુ:ખ ભોગવતા નથી એટલે કે દુઃખી થતા નથી. આવી જ્ઞાનીની અવસ્થા હોય છે. દુઃખ તો અસહ્ય અને ભયંકર છે, કહ્યું છે કે સમ્યષ્ટિ આત્માઓ નરકમાં હોય તેમને નરકની અસહ્ય પીડા ભોગવવી પડે. ભોગવી રહ્યા હોય તો પણ દુઃખથી નિર્લેપ અને ન્યારા છે. દુઃખથી અલિપ્ત રહેવાની જે કળા છે તે દેહાધ્યાસ છૂટયા પછી જ પ્રાપ્ત થાય. આ સમજવું જીવનમાં બહુ જરૂરી છે. આંખો મીંચીને હું આત્મા છું, હું આત્મા છું એમ બોલવાથી કંઇ નહિ વળે. પણ ધ્યાનથી સમજી પ્રયોગમાં લેવું પડશે.
દુઃખ છે, ભયંકર દુઃખ છે, દુઃખના સંયોગો અને વિપરીત પરિસ્થિતિ છે, પરંતુ જ્ઞાની દુઃખ ભોગવતો નથી. દુઃખ ભોગવવું તે અંદરનું કામ છે અને દુઃખની પરિસ્થિતિ નિર્માણ કરવી તે કર્મનું કામ છે. જુઓ, આ પરિબળો કેવાં કામ કરે છે ? દુઃખજનક કર્મો દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. અંતરાય કર્મો પ્રતિકૂળતાઓ ઉત્પન્ન કરે છે પરંતુ તે વખતે ભોગવવું કે ન ભોગવવું એ બીજી અવસ્થા તે અંદરની અવસ્થા છે. ‘નહિ ભોક્તા તું તેહનો' આપણને દેખાય છે કે તેઓ અસહ્ય દુઃખ ભોગવી રહ્યા છે પરંતુ તેમના કેન્દ્ર ઉપર નજર નાખો તો એમ જણાય છે કે તેઓ દુઃખ ભોગવતા નથી. દુઃખનાં નિકટ રહેવા છતાં દુઃખથી દૂર રહેવું એવી અસાધારણ અવસ્થા તેમણે પ્રાપ્ત કરી છે, અને સાથે સાથે તેઓ સુખ પણ ભોગવતા નથી. આ ધર્મનો મર્મ છે.
આ કઇ રીતે બને ? ચક્રવર્તી છ ખંડનો માલિક છે. જેમ દેવભવમાં ઇન્દ્રનો વૈભવ શ્રેષ્ઠ છે. તેમ મનુષ્યભવમાં ચક્રવર્તીનો વૈભવ શ્રેષ્ઠ છે. કોઇપણ ભોગનું સાધન બાકી નથી, તમામ ભોગના સાધન હાજર છે, ભોગો ભોગવવા માટે સ્વતંત્ર છે. ભોગો ભોગવવાની સામગ્રી વચ્ચે ઊભેલા દેખાય છે, છતાં સામગ્રી ભોગવતા નથી, સુખ છે છતાં સુખ ભોગવતા નથી, સુખથી દૂર. જેમ દુઃખથી દૂર છે તેમ સુખથી પણ દૂર. તેમાં લપેટાતા કે લેપાતા નથી. તેમને સ્પૃહા નથી, ઇચ્છા નથી, તેમાં મીઠાશ નથી, માધુર્ય નથી, આ સારું છે તેમ માનતા નથી. સ્વીકારતા નથી. ઊભા છે સુખમાં પણ સુખને સ્વીકારતાં નથી. સુખ છે તેમ દુનિયા કહે છે. તેઓ નથી કહેતા. આવી અદ્ભુત દશા જ્ઞાનીની છે. નરસિંહ મહેતાએ સરળ ભાષામાં ફેંસલો આપી દીધો કે ‘સુખ દુઃખ મનમાં ન આણીએ રે' સુખ દુઃખને બહાર ઊભાં રહેવા દો. તમારા મનમાં ન લાવો. મનમાં આવશે તો આકુળતા, વ્યાકુળતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, હર્ષ, શોક, અશાંતિ, શાંતિ, અપેક્ષા, નિરાશા, સારું, નરસું, ઇર્ષા આ બધું થશે. બીજા લોકો તમને કહેશે કે તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org