________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૨ ૩
પ્રવચન ક્રમાંક - ૯૧
ગાથા ક્રમાંક - ૧૧૫-૧ સાધનાની પ્રક્રિયા
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (૧૧૫). અત્યંત ગંભીર સૂત્રની સ્પષ્ટતા થઈ રહી છે. આ ધરતી ઉપર એક જ શબ્દ એવો છે કે જેની આજુબાજુ વિવાદ કે વિખવાદ હોવાં ન જોઈએ. મતભેદ, આગ્રહ કે પોતાની માન્યતા વચમાં ન આવવી જોઈએ અને તે શબ્દ ધર્મ છે. એક તત્ત્વ એવું છે કે જે તમામ વાદવિવાદોથી પર છે. પરંતુ જગત સામે નજર નાખતાં ઊંધુ દેખાય છે. જેટલા વિવાદો ધર્મના નામે થયા છે તેટલા બીજે થયા નહિ હોય.
એક ગામમાં નવું સુંદર દેરાસર બન્યું હતું, અમે પૂછ્યું કે અહીં દેરાસર છે ને ? તો કહે “ છે તો ખરું પણ સંઘમાં ભાગલા પડી ગયા છે તેથી અમે ત્યાં જતાં નથી” ભગવાનના પણ ભાગલા ! ઘર્મને આ બધી બાબતો સાથે કંઈ લેવાદેવા હોય નહિ છતાં વિવાદ છે. અત્યારે ધર્મના નામે અનેક ક્રિયાઓ અને માન્યતાઓ ચાલે છે, અને ધર્મ શું છે તે જ ભૂલાઈ જાય છે. આનું એક મહત્ત્વનું કારણ સમજી લો, ધર્મ તત્ત્વનું પ્રતિપાદન અધિકૃત વ્યક્તિઓ સિવાય બિન અધિકૃત વ્યકિતઓ કરવા લાગે છે અને તેના કારણે આ પક્ષો ઊભા થયા છે. માટે એવો પુરુષ પ્રતિપાદન કરનારો જોઈએ કે “જે આખ પુરુષ હોય કે જે સંપૂર્ણપણે વીતરાગ હોય. રાગ દ્વેષ વર્તમાનમાં નથી એટલું જ નહીં પણ હવે તેનામાં જન્મવાના નથી, એ વીતરાગ પુરુષ છે.
વીતરાગતા પ્રાપ્ત થયા પછી ચૈતન્ય તત્ત્વમાં રહેલું અનંતજ્ઞાન પૂરું ખીલી જાય છે. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. જ્ઞાન અલ્પ નથી પણ પૂર્ણ છે, પરંતુ આ જ્ઞાન ઉપર આવરણ આવી શકે છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ કરનાર કર્મ છે. આવરણ જેના ઉપર આવ્યું છે તે અને જેના વડે આવરણ થયું છે તે કર્મ બન્ને જુદા છે. ઢાંકણું પણ જુદું છે અને અંદરમાં રહેલ માલ પણ જુદો છે. દાબડામાં ગોળ છે. ઢાંકણું ફીટ કર્યું છે, ખોલવું હોય ત્યારે ખોલી શકાય. ગોળને ઢાંકણું બંને જુદાં છે તેમ જ્ઞાન અને તેના ઉપર જે કર્મ આવરણ કરે છે તે બન્ને જુદાં છે. જ્ઞાન ઢંકાયું છે. જ્ઞાન બહારથી નથી આવતું. તમને થશે કે અંદરથી જ્ઞાન કેવી રીતે આવે ? વાંચીએ તો જ્ઞાન આવે, સ્કૂલમાં જઇએ અને શિક્ષણ લઈએ તો જ્ઞાન આવે. સાંભળીએ તો જ્ઞાન આવે. ખરી વાત છે પરંતુ આ બધા જ્ઞાનને પ્રગટ થવાનાં નિમિત્તો છે. જેમ દીવાસળીની કાંડીને તમે ઘસારો આપો તો અગ્નિ પ્રગટ થાય. તમે ઘસારો આપો છો તેથી અગ્નિ પ્રગટ થતો નથી પરંતુ દીવાસળીની કાંડમાં અગ્નિને પ્રગટ કરવાની ક્ષમતા છે. બહારથી ઘસારો આપવાની જરૂર છે. તેમ જ્ઞાન પણ અંદરથી આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org