________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૩ આત્મા ઠરે છે અને જેટલા પ્રમાણમાં આત્મા ઠરે છે તેટલા પ્રમાણમાં કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા એમને એમ થતી નથી. જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ શુદ્ધિ થાય. જેમ જેમ શુદ્ધિ થાય તેમ તેમ સ્થિરતા વધે, જેમ જેમ સ્થિરતા વધે તેમ તેમ કર્મની નિર્જરા થાય અને ફરી જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ શુદ્ધિ વધે. આ શબ્દોનો ગોટાળો છે તે સમજાયો? ઘટના અંદર ઘટે છે. જે આત્માનો સ્વાનુભવ કર્યો છે, નિજભાવનો અનુભવ કર્યો છે, તેમાં પોતાની વૃત્તિ જેમ જેમ ઠરે, તેમ તેમ સામે કર્મનો ક્ષય થતો જાય. જેટલા પ્રમાણમાં વૃત્તિ સ્થિર તેટલા પ્રમાણમાં કર્મનો ક્ષય.
કંઈપણ કરવાથી કર્મનો ક્ષય થાય છે એ વાત ભૂલ ભરેલી છે. સ્થિર થવાથી કર્મનો ક્ષય થાય છે. અંદર જેમ જેમ ધારા વધે છે તેમ તેમ કર્મક્ષય થાય છે અને બીજી વાત, અંદરમાં જે મિથ્યાભાસ થાય છે તે મિથ્યાભાસ ટળતાં જાય છે. પરિભાષા સમજી લઈએ. મોહનીયના બે પ્રકારનાં દળ છે, એક દર્શનમોહનીય અને એક ચારિત્ર મોહનીયનું દળ. મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આમ દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. તમામ પ્રકારનાં કર્મોમાં સૌથી બળવાન કર્મ જો હોય તો દર્શનમોહનીય છે.
અનંત પ્રકારનાં કર્મો છે તેમાં આઠ પ્રકારનાં કર્મો મુખ્ય છે તેમાં ચાર ઘાતિક બળવાન છે તેમાં મોહનીયકર્મ બળવાન અને મોહનીયકર્મના પેટા વિભાગમાં દર્શનમોહનીય બળવાન છે. આપણને જો કોઈ મોક્ષે જતાં રોકનાર હોય તો તે દર્શન મોહનીય છે. ચાલ્યા મોક્ષ તરફ, ઘણી વખત ઉપાડ તો કર્યો, વરઘોડો તો કાઢ્યો મોક્ષે જવા માટે પણ દર્શનમોહનીય કહે છે ખડે રહો ! ખમી ખા, ઊભો રહે. અનંતકાળ ગયો. આવું બળવાન દર્શનમોહનીય જે સ્વરૂપની અનુભૂતિ થવા ન દે. આવા બળવાન દર્શનમોહનીય ગયા પછી સ્વરૂપને અનુભવ્યા પછી હવે સ્વરૂપમાં કરવું છે, સ્વરૂપમાં કરવામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે તે ચારિત્ર મોહનીય છે. અગાઉ પણ મેં વાત કરી છે. અત્યારે સંક્ષેપમાં કહું છું કે ચારિત્ર મોહનીય ગમે તેટલું બળવાન હોય છતાં તેની તાકાત તૂટી ગઈ છે. જેમ કોઈ બિમાર પડે પછી પરાણે પરાણે ઊભો થાય તો, જીવતો છે ખરો પણ તાકાત તૂટી ગઈ છે. દર્શનમોહ તૂટ્યા પછી ચારિત્ર મોહનું જોર ચાલતું નથી. પણ તે વિક્ષેપ કર્યા વગર પણ રહેતું નથી. આ શું કહેવાઈ રહ્યું છે ? તેના કારણે સ્વરૂપમાં સ્થિરતા થઈ શકતી નથી.
ચારિત્ર મોહનીયનાં ૨૫ ભેદ છે. અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયો તે જ રીતે અપ્રત્યાખ્યાનીય ચાર કષાયો, પ્રત્યાખ્યાનીય ચાર કષાયો, સંજવલનના ચાર કષાયો કુલ સોળ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા છે, તેમજ ૩ વેદ - સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, આમ કુલ ૨૫ થયા. તેઓ તોફાની બાળક જેવાં છે. તમે ધ્યાનમાં બેઠાં હો ત્યાં આમાંથી એકાદ આવે અને તમારું ધ્યાન ડહોળાઈ જાય. એ લડે નહિ પણ ચાળો કરતા જાય. હાસ્યાદિ છે અને ત્રણ વેદ એમ કુલ નવ નોકષાય છે. કષાય નહીં પણ કષાયનું કારણ હોવાથી તેને નોકષાય કહે છે. એ બધા આપણને વારંવાર પજવે છે. બીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org