________________
૧૮૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અંદર વાળવી. પૂર્વ જન્મના સંસ્કારથી ઉત્થાન પામેલી વૃત્તિને સમ્યગ્દષ્ટિ જાણે છે પણ અંદર ટકવા દેતો નથી, આ સાધના છે. સમ્યગ્દષ્ટિ શું સાધના કરતો હશે ? આ સાધના સ્વપ્નમાં પણ તેને યાદ આવી જાય, ઊંઘમાંથી તે જાગી જાય છે, પણ ઝબકીને નહિ, તેને અનિદ્રાનો રોગ પણ નથી અને પ્રમાદ એને પોષાતો નથી. અપ્રમાદ અવસ્થામાં રહીને ઊઠતી વૃત્તિને જોવે છે. તે જાણે છે કે આ ચારિત્રમોહનું કામ છે. અનેક જન્મોના સંસ્કાર છે અને તે મને બહાર ખેંચી જવા માટે આવ્યા છે, છતાં તેનામાં સ્થિરતા છે. એ તુરત બહાર જતો નથી. અંદર રહેવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે આપણે બહાર ગયા વગર રહેતા નથી. ધ્યાનમાં બેસીએ તો ૨૫ વખત ઘડિયાળ જોવાઈ જાય કે કેટલા વાગ્યા? તું ધ્યાન કરીશ કે ઘડિયાળ જોઇશ? સમ્યગ્દષ્ટિ જીવ મંદિરમાં ગયા પછી એવો ભક્તિમાં લીન થાય કે કોઇક આવીને હલાવે કે ટાઇમ થઈ ગયો. તેને ભાન ન હોય. એની મેળે ઊભો ન થાય.
વૃત્તિ અંદર ઊઠ્યા વગર રહેશે નહિ પરંતુ ઊઠતી વૃત્તિને સમ્યગ્દષ્ટિ ઓબઝર્વેશન કરી પકડ્યા વગર રહેશે નહિ. કારણ કે તે જ્ઞાતા છે. એ વૃત્તિ પાછળ પોતે જશે નહિ. આમ ઊઠતી વૃત્તિને, પોતાની પરિણતિને, પોતાની રુચિને આત્મામાં સ્થિર રાખવા જ પુરુષાર્થ કરે. “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ'.
આ ૧૧૧મી ગાથામાં પરમાર્થે સમક્તિની વાત કરી. ૧૧રમી ગાથામાં અદ્ભુત શબ્દ આવ્યો, “વર્ધમાન સમક્તિ' સમક્તિ વધતું જાય. આ વળી શું કે સમક્તિ વધતું જાય ? સમક્તિ તો સંપૂર્ણ છે. શાસ્ત્રો એમ કહે છે કે સમ્યગ્રદર્શન તો થાય પરંતુ તેનો અવરોધ કરનાર ચારિત્રમોહ છે. તેનું બળ જેમ તૂટતું જાય અને અંદરમાં શુદ્ધિ કેમ થતી જાય તેમ તેમ સમ્યગ્રદર્શન વર્ધમાન થાય, અંદર ગરતો જાય, અનુભવ કરતો જાય અને શુદ્ધિ વધતી જાય. અહીં વૃત્તિ શાંત બનતી જાય અને અંદરથી ચારિત્રમોહ તૂટતો જાય. આ વીતરાગ થવાની પૂર્વ તૈયારી છે. થવું છે ને વીતરાગ ? આ જૈનદર્શનમાં વીતરાગતાની સાધના છે. સંતો એમ કહે છે કે અમારા હાથમાં જો તમે રહો અને અમારું કહેવું જો કરો તો અમે તમને વીતરાગ બનાવ્યા સિવાય છોડીએ નહિ.
“વર્ધમાન સમક્તિ થઈ'- અનુભવ વધતો જાય, વધતો જાય તો મહેફીલ જામેને ? બીસ્મીલાખાનની શરણાઈ વાગતી હોય, બરાબર તાર અને સાજ ગોઠવાઈ ગયા હોય અને એક પછી એક આલાપ થતો હોય, ત્યાં સંગીત જામતું જાય તેમ અહીં પણ અનુભવ વધતો જાય છે.
સમ્યગ્દષ્ટિનો અનુભવ જામતો જવો તેને કહેવાય છે વર્ધમાન સમક્તિ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org