________________
૧૮૦
પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ અભ્યાસ નહિ પણ અનુભવ વર્તે છે. ગંભીર મુખ કરીને કહે કે આત્મા જન્મતો નથી, મરતો નથી, આત્મા ખાતો પીતો નથી. રાત્રે અગિયાર વાગે ફાઇવસ્ટાર હોટેલમાં બેસી ખાતો હોય અને પૂછીએ કેમ આમ ? તો કહેશે સાક્ષીભાવે ખાઈએ છીએ. આ સાક્ષીભાવ ફૂટી નીકળ્યો. રાત્રે અગિયાર વાગ્યે તને શું સૂઝયું ? અને ફાઇવસ્ટાર હોટલમાં ? કોણ ખાય છે ? ખાનારો અને જોનારો જુદો છે, એમ કહેશે. તો જોનારો અગિયાર વાગ્યે ત્યાં શું કામ જુએ છે? જોવું હોય તો અંદર જો ને ! પરમકૃપાળુદેવે બધા વાંધા કાઢી નાખ્યા. તેમણે કહ્યું કે વર્તે નિજસ્વભાવનો અનુભવ - આને સમક્તિ કહેવાય.
તમને તમારા સ્વભાવનો અનુભવ થયો હોય તો, નમસ્કાર-વંદન, પણ ન થયો હોય તો સમક્તિી છીએ તેવો દાવો ન કરશો. અમે ફલાણાવાળાં છીએ. આ વાળામાં સમક્તિ પેસી શકતું નથી. નિજ સ્વભાવમાં સમક્તિ વસે છે. “સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાઉમેં, જીવ લાગી રહ્યો પરભાવમેં.' એમ કહ્યું કે સમક્તિ ન થયું હોય પણ પોતે માની લે કે અમને સમક્તિ થયું છે બાર અને પંદર મિનિટે. જ્યારે સમક્તિ થયું ત્યારે ઘડિયાળ મેળવી હતી ? આવાં કહેવાતાં સમક્તિની વાત નથી.
એક વખત સમક્તિ થયા પછી એટલે નિજ સ્વભાવનો અનુભવ થયા પછી એ જે સ્વાદ લીધો, મઝા માણી, લ્હાવો લીધો, એ જે આનંદ માણ્યો, એ જે અમૃત પીધું, એ જે રસાયણ પીધું, એ અનુભવ કર્યા પછી તેને એમ જ થાય છે કે આ અનુભવમાં જ સ્થિર રહેવું છે પણ સ્થિર થાય નહીં તેનું કારણ ચારિત્રમોહનો જથ્થો વળગેલો છે, એના કારણે એ જ્યારે સક્રિય થાય ત્યારે અંદર ડામાડોળ થવાથી વૃત્તિ ચલ વિચલ થાય છે ત્યારે અનુભવ કરનાર એમ કહે છે કે એ જે મઝા, આનંદ, ખુમારી ઓર જ હતી. હવે ડામાડોળ થવા લાગ્યો છે, તે વખતે એમ થાય કે ફરીથી એ અનુભવ કયારે થશે ? એને કહેવાય લક્ષ. અનુભવ પછી શબ્દ આવ્યો લક્ષ. અનુભવ કર્યા પછી ચારિત્ર મોહનીયના દલિકો ઉદયમાં આવ્યાં એટલે અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. પણ મઝા અને આનંદ અનુભવમાં જ છે એમ લક્ષ રહ્યાં કરે છે. સૂરતની ઘારી ખાધા પછી ઘેશ ખાવાનો વારો આવે તો ઘેશ ખાય છે ખરો, પણ મજા ન આવે. થાય કે ખાવા જેવું તો ઓલું છે, પરંતુ લમણે હાથ મૂકી ઘેશ ખાવી પડે છે. - નિજ સ્વભાવનો અનુભવ કર્યા પછી જયારે પૂર્વના બળવાન સંસ્કાર સક્રિય થાય અને એને ડામાડોળ કરે ત્યારે કોઈ પણ હિસાબે જે નિજ સ્વભાવનો અનુભવ કર્યો છે તે જ અનુભવમાં ફેર જવા જેવું છે એવું લક્ષ અંદરમાં રહ્યા કરે, એ પણ સમ્યગ્દર્શનની એક ઘટના છે.
આટલી વાત, સમજાય કે ન સમજાય, પરંતુ આ સમજવું જ પડશે. અમે વધારે શું કહીએ? અમે દમદાટી ન આપીએ કે સમજવું પડશે. સમજવાનું કામ તમારું છે. આ ૧૧૧મી ગાથામાં સંપૂર્ણપણે આંતરિક પ્રક્રિયાની વાત છે. સમ્યગ્રદર્શનથી કેવળજ્ઞાન સુધીનો નેશનલ હાઈ વે. સમક્તિથી શરૂઆત અને કેવળજ્ઞાનમાં સમાપ્તિ. આ શિષ્ય કેવળજ્ઞાન લઈને જ રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org