________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૯ પદાર્થો તજવામાં ઘણી તાકાત વાપરવી પડે છે. લાખો રૂપિયાનું દાન આપવું તે સહેલી વાત નથી. આખી ચક્રવર્તીની સંપત્તિ છોડવી સહેલી વાત નથી, છતાં એ છોડી શકાશે પણ મત અને દર્શનનો આગ્રહ છોડવો મુશ્કેલ છે તેમ જ્ઞાની પુરુષો કહે છે. આ બાધા કરે છે, અવરોધ અને અંતરાય કરે છે. તમે કોઈને મળો અને પૂછો કે તમે કયા મતમાં છો ? કયાં દર્શનમાં છો ? અને પછી તમે તેને સાચો માર્ગ બતાવશો તો પણ તે પોતાનો મત અને માન્યતા છોડશે નહિ. - સદ્ગુરુ મળ્યા પછી શું પ્રક્રિયાનો પ્રારંભ થાય છે ? તે પ્રથમ પોતાનો મત માન્યતાનો આગ્રહ છોડી દે છે. વર્ષો પસાર થાય પણ આગ્રહ છૂટતો નથી. કોઈને મળો તો તે તુરત જ પૂછશે કે કોણ તમે ? સ્થાનકવાસી, દેરાવાસી કે તેરાપંથી ? કોણ તમે ? દિગંબર, તપાગચ્છવાળા કે ખરતરવાળા? ધરમપુરવાળા કે સાયલાવાળા કે અગાસવાળા? આ નવી દુનિયા છે. આ વાળા અને વાડા બહુ નડે છે. પછી તુલના કરે અને તુલનામાં પોતે પોતાને ભૂલી જાય છે. પોતાની અવસ્થાનું ભાન નથી રહેતું. દીકરો છોડવો હજુ સહેલો છે પણ પોતાનો મત છોડવો અઘરો છે. એ અનુભવ બધાને છે. સદ્ગુરુ મળ્યા પહેલાં મતદર્શનનો જે આગ્રહ હતો તે છોડી દે છે અને બીજું કામ એ કે જે કાંઈ સમજણ પ્રાપ્ત કરી છે તે સમજણને સદ્ગના બોધને લક્ષમાં લઈને બદલાવી નાખે છે. સમજાણું કંઈ આમાં ? આ પોતે ન રહ્યો, પણ “વર્તે સદ્ગુરુ લક્ષ' સદ્ગુરુના લક્ષે પોતે વર્તે છે. ધાર્મિક વિચારો પોતે કર્યા હોય, અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું હોય, મુનિનું સ્વરૂપ જાણ્યું હોય, પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જાણ્યું હોય અને સદ્ગુરુ મળ્યા પછી તેમનું મૂળ સ્વરૂપ જે છે તે જાણીને પોતાની સમજણમાં આ પ્રકારનો ફેરફાર કરે છે. સદ્ગુરુ પ્રાપ્ત થતાં અરિહંત અને સિદ્ધની આત્મદશા કેવી હોય ? તેઓ વીતરાગ છે તે વર્ણન સાંભળી, સમજીને પૂર્વે જે વર્ણન સાંભળેલ છે કે તેઓને ૩૪ અતિશયો છે, વાણીના પાંત્રીશ ગુણો છે, સમવસરણનું વર્ણન અને તેમની સભામાં ઈન્દ્રો આવે છે, પૂજા કરે છે, એમનું રૂપ અને સૌંદર્ય અદ્ભુત છે, તે બહારનું વર્ણન છે પરંતુ તેઓ વીતરાગ છે તે અંદરનું વર્ણન છે. આ વર્ણનની સાથે પોતાની સમજણ મેળવે. પછી પોતાની સમજણનો આગ્રહ છોડી દે. આટલું કામ કરે ત્યારે તે વ્યવહાર સમક્તિી કહેવાય.
સદ્ગુરુ મળ્યા પછી તે શું કરતો હશે ? સદ્ગુરુ મળ્યા પછી એને હવે જીવવાનું છે, ચાલવાનું છે, કરવાનું અને વર્તવાનું છે, એમની આજ્ઞાને અનુસરીને પોતે હવે ચાલે છે. શબ્દ છે “ગુરુજીંતાણુવત્તબં” અત્યાર સુધી પોતાને ગમતું હતું, સમજતો હતો, ઇચ્છતો હતો, માનતો હતો તેમ કરતો હતો. હવે સદ્ગુરુ પાસેથી જે આજ્ઞા મળે તે પ્રમાણે કરે છે. આ પરતંત્રતા કે પરાધીનતા નથી પણ પોતાની વૃત્તિને બદલાવવા માટે સૌથી મોટું સાધન છે. સદ્ગુરુની આજ્ઞાને અનુસર્યા પછી સદ્ગુરુની ભક્તિ, ગુણસ્મરણ, એમનું ચિંતન, એમના વિચાર, આ પ્રક્રિયા નિરંતર ચાલે. તેને શાસ્ત્રોમાં વ્યવહાર સમક્તિ કહ્યું છે. વ્યવહાર સમક્તિ સામાન્ય બાબત નથી. આપણો પાયો તૈયાર નથી અને આપણે નિશ્ચયસમક્તિની વાતો કરીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org