________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૯ થશો તો સાધના થશે નહિ અથવા સાધના કરી હશે તે અશાંત બનવાથી ધોવાઈ જશે. બેલેન્સમાં કંઈ નહિ રહે. સાધના તો આપણે કરી છે પરંતુ સાધના કર્યા પછી અશાંત બન્યા છીએ. કયારેક ક્રોધનું વમળ આવે, કયારેક અહંકારનું વમળ આવે, કયારેક માયાનું, કયારેક લોભનું, કયારેક મોહનું, કયારેક કામવાસનાનું, ક્યારેક ઈર્ષ્યાનું, કયારેક વેરનું, કયારેક દ્વેષનું, કયારેક કઠોરતાનું વમળ આવે. આમ સતત વમળો વહ્યા જ કરે છે. વમળો વહેતાં હોય તો પાક થાય નહિ. જમીન તૈયાર થાય નહિ અને અંકુર ફૂટી શકે નહિ. અનંતકાળથી કરતાં કરતાં આવ્યા છીએ છતાં આપણી હાલત આવી ને આવી રહી હોય તો સમજવું કે શાંત સ્વભાવની પ્રાપ્તિ આપણને થઈ નથી. આ બહુ મોટી વાત છે.
આ શાંત સ્વભાવ માટે પરંપરાનો શબ્દ છે ઉપશાંત. ઉપશાંત શબ્દનો અર્થ એ છે કે મૂળમાં અગ્નિ ઓલવાયો નથી પણ અગ્નિ ઉપર રાખ નાખી દીધી છે. રાખ છે ત્યાં સુધી અગ્નિ પ્રગટ દેખાશે નહિ. તેની પાસે બેસશો તો પણ ગરમી લાગશે નહિ. કારણ કે અગ્નિ છે પણ ઉપર રાખ નાખી છે. જોખમ એ છે કે સહેજ પવન આવે તો રાખ ઊડી જાય અને અગ્નિ પાછો પ્રજવલિત થઈ જાય. ઉપશાંત હોવું એક અર્થમાં સારું છે પરંતુ એક અર્થમાં જોખમ પણ છે. જાગૃત જો રહ્યા તો બરાબર અને જાગૃતિ જો ન રહે તો જોખમ. ઉપશાંત થવું એટલે અંદરથી શાંત થવું અને વમળો અંદર ઊઠવા ન દેવા. સંસારમાં જીવવાનું છે, લોકો વચ્ચે જીવવાનું છે, જાતજાતની પ્રકૃતિનાં માણસો સાથે જીવવાનું છે. જુદા જુદા બનાવો બનવાના છે, ઘટના ઘટવાની છે, પરિસ્થિતિ આવવાની છે, સંયોગ ઉત્પન્ન થવાના છે અને જુદા જુદા પ્રસંગો આવવાના છે. એ બધા વચ્ચે આપણે શાંતિથી પસાર થઈએ તો તેના જેવી કોઈ મોટી પૂર્વ તૈયારી નથી. ડગલે પગલે નિમિત્તો હશે, પણ તમે ઉશ્કેરાઈ જશો નહિ, ઘરમાં પાણી ઢોળાઈ જાય, ઉશ્કેરાઈ શકો, ઉશ્કેરાવું હોય તો ઘણા બધા પ્રસંગો છે. તમે એમ ન માનશો કે બધા તમને અનુકૂળ થઈ જાય. તમારે પ્રસંગો, પરિસ્થિતિ અને ઘટનાઓ વચ્ચે જીવવાનું છે, છતાં શાંત રહેવું તે એક સાધના છે.
જનકરાજાની દીકરી, રામચંદ્રજીની પત્ની, સીતાજી અયોધ્યાની મહારાણી છે અને એકલી અટુલી તેને સગર્ભા અવસ્થામાં ભર જંગલમાં છોડી દે છે. અશાંત થવા માટે આથી મોટું નિમિત્ત કર્યું હોઈ શકે? રામાયણ એમ કહે છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં સીતાજી અંદરથી અશાંત બન્યા નથી. તેમણે ગીતા વાંચી હશે કે નહિ તે ખબર નથી પણ તેઓ અંદરથી અશાંત બન્યા નથી. અશાંત ન બનવા માટે બહુ બળ જોઈએ છે. અશાંત થવામાં એટલે ક્રોધ કરવા માટે ઓછું બળ જોઈએ. ક્ષમા આપવામાં ઘણું બળ જોઈએ.
પ્રજાપાલ મહારાજાએ મયણા સુંદરીને કહ્યું કે “તું એમ માને છે કે સુખદુઃખનું કારણ કર્મ છે, કર્મ સત્તા કામ કરે છે તો આ તારા ભાગ્યથી ખેંચાઈને તારા પતિ આવ્યા. એ શ્રીપાળ કોઢિયા છે, રક્તપિત્તિયા છે, તેની સાથે મયણા સુંદરીને પરણાવે છે. હું આ જમાનાની વાત નથી કરતો, પરંતુ તે જમાનાની એક ઉત્તમ વ્યકિતની વાત કરું છું. મયણા સુંદરી પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org