________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૫ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોમનાથમાં રચેલા મહાદેવ સ્તોત્રમાં કહ્યું છે કે,
भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । સંસારના મૂળરૂપ રાગ અને દ્વેષ જેમણે ક્ષય કરી દીધાં છે એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ-મહેશ્વર હોય કે જિન હોય એમને અમારા નમસ્કાર છે. અમારે તો રાગદ્વેષથી મુકત ચેતના જ જોઈએ છે. “પ્રભુ! તારા નામ છે હજાર, તો કયા નામે લખવી કંકોતરી ? તારા નામ હજારો કે અસંખ્ય હોઈ શકે. નામમાં શું વાંધો છે ? જીવનમાં વીતરાગ અવસ્થા જોઇએ અને એવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ઉપાય આ છે.
અંબાલાલભાઈ ટીકામાં કહે છે કે જે મોક્ષનો માર્ગ કહ્યો તે માર્ગ જે સાધે તે મોક્ષ પામે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. ટૂંકમાં રાગ દ્વેષ રહિત અવસ્થા થાય, “છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ.' મત, દર્શનનો આગ્રહ તથા વિકલ્પને છોડી દે. “હણે બોધ વીતરાગતા', અને દર્શનમોહ તેમજ ચારિત્ર મોહ બંનેને દૂર કરનાર બોધ અને વીતરાગતા છે તે બે અચૂક ઉપાય છે. આવો મોક્ષનો માર્ગ કહ્યો છે, તે જે સાધે તો તેનો ગમે તે જાતિ અને વેષથી મોક્ષ થાય છે, તેમાં કોઈ જાતનો ભેદ નથી. આ બહુ અગત્યની વાત છે. “તમે અહીં અમારા આશ્રમમાં આવો તો મોક્ષ થાય, બાકી નહિ. વાત પૂરી થઈ’ આખા જગતમાં અમારા આશ્રમનો ઇજારો. અત્યારે ધીમે ધીમે બધા ઝંડા લગાડશે. સિદ્ધશીલા ઉપર પણ ઝંડા રહે હમારા. સારું છે ત્યાં ઝંડા વગર જવાનું છે. અમારે તો વીતરાગ દશા જોઈએ છે. જે સાધે તે મુકિતપદ પામે. મોક્ષમાં ઉચ્ચ-નીચ કશાનો ભેદ નથી અને મોક્ષમાં જગ્યા પણ નક્કી થતી નથી કે આ મારી જગ્યા અને આ તમારી જગ્યા. “ગુરુજી માટેની જગ્યા બે ફૂટ ઊંચી અને વધારે લાંબી” એવું નથી.
એક વખત એક ભાઈ મને કહે કે મને હાર્ટ એટેક આવે તેવું થઈ ગયું. મેં પૂછ્યું કે કેમ? તો કહે કે મેં એક મોટી ભૂલ કરી. મેં ચાર શંકરાચાર્ય જેવા મહાનુભાવોને ભેગા કર્યા, પણ તેમાં શું વાંધો આવ્યો ? તો કહે ઘણી માથાફોડ થઈ. એક શંકરાચાર્ય કહે મારી ગાદી આ રીતે હશે તો નહિ આવું. બીજો કહે મારી ગાદી આના કરતાં બે ફૂટ ઊંચી જોઈએ. એ રીતે નહિ હોય તો નહિ આવું. મારા ત્રણ દિવસો પાઘડી ઉતારતા, ટોપી ઉતારતા અને પગે પડતા ગયા. પરાણે પરાણે પ્રાર્થના કરી મનાવ્યા. “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' આ કહેનારા કલાક સરખા બેસે તો ગંગા નાહ્યા. સાહેબ ! આ બધું થતાં મને બ્લડપ્રેસર થઈ ગયું. આ ઉચ્ચ નીચના ભેદ અહીં હોય છે પરંતુ મોક્ષમાં નથી. આવો બીજો કોઈ ભેદ કે ફેર નથી.
ગાથા એકસો સાત, આઠ, નવ અને દશમાં બધા વિખવાદોને દૂર કરવાનું મિશન છે. આત્મસિદ્ધિનું પારાયણ કરવા છતાં વિખવાદ ઊભા કરતા હોય તો શું કહેવું ? મને શબ્દો જડતા નથી અને ખરેખર આ માન્યા પછી વિવાદ કે વિખવાદ રહેશે નહિ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org