________________
૧૪૪
પ્રવચન ક્રમાંક ૮૧, ગાથા ક્ર્માંક-૧૦૭ કોઇ જાતિનો ઇજારો નથી. ઘણી જગ્યાએ મોનોપોલી હોય છે. આ મંદિરમાં ધજા દોશી કે મહેતા કુટુંબ જ ચડાવે, બીજું કુટુંબ નહિ. આવાં કપડાં પહેરે તો જ મોક્ષ થાય, અને મઝાની વાત તો એ છે કે એવાં કપડાં પહેર્યાં હોય પણ રાગ દ્વેષ ભરપૂર ભર્યા હોય, રાગ દ્વેષ હોય તો મોક્ષ ન મળે. અમુક કપડાં પહેરવાથી જો રાગદ્વેષ જતાં હોય તો આ બધી મથામણ કરવાની શી જરૂર છે ? શાસ્ત્રો કહે છે કે જાતિનો અને વેશનો ભેદ નથી. આપણામાં બે પરંપરા છે. દિગંબર અને શ્વેતાંબર. શ્વેતાંબર પરંપરા એમ કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ છે. જ્યારે દિગંબર પરંપરા ના પાડે છે. હવે બહેનોએ વિચારવાનું છે કે અમને મોક્ષ કેમ ન મળે ? શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષ તો તેને મળે કે જેની વીતરાગ દશા થઇ છે. એવી દશા સ્ત્રીની થાય તો પણ મોક્ષ મળે અને પુરુષની થાય તો તેને મોક્ષ મળે અને જેની આ દશા ન થઇ હોય તેને મોક્ષ ન મળે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય.
બીજું સૂત્ર – વેષનો ભેદ નથી. લશ્કરમાં એક સરખાં કપડાં પહેર્યાં હોય અને એ કપડાં ઉપર બધા જુવે તેમ બિલ્લો લગાડે, લશ્કરમાં યુનીફોર્મ ચાલે પણ મોક્ષમાં યુનીફોર્મ ન ચાલે. કયાં કપડામાં મોક્ષ મળે એમ પૂછશો તો કપડામાં મોક્ષ નથી. વીતરાગ દશામાં જ મોક્ષ છે. તો જાતિ વેષનો ભેદ નથી પણ ‘કહ્યો માર્ગ જો હોય' એટલે અમે જે વીતરાગતાનો માર્ગ બતાવ્યો છે એવો માર્ગ જો હોય તો એ માર્ગને સાધવાથી મુક્તિ મળે છે.
આ જાતિભેદ અને વેષભેદના ઝગડા પૂરા થયા. કૃપાળુદેવ કહે છે કે આવો મત માન્ય રાખશો નહિ. અરવિંદ આશ્રમમાં તમે જાવ તો અરવિંદ જેવી દાઢી રાખતા હતા તેવી દાઢી ચેલાઓ પણ રાખે છે. બાપુજીના આશ્રમમાં જાવ તો બાપુ જેવી પોતડી આ લોકો પણ પહેરે. પરંતુ બાપા ! પોતડી પહેરવાથી ગાંધી ન થવાય. અને દાઢી રાખે અરવિંદ ન થવાય. લોકોને આ જ આવડે, કેમકે તે સરળ રસ્તો છે. ગાંધીજીના અનુયાયી થવું હોય તો અહિંસાનો સત્યનો માર્ગ સ્વીકારવો પડશે. તે કઠિનમાર્ગ છે. જો પોતડી પહેરી ગાંધી થવાતું હોય તો સોદો ઘણો સસ્તો થઇ જાય.
કહે છે કે ‘સાધે તે મુક્તિ લહે' આ
જે મોક્ષનો માર્ગ કહ્યો છે તે જે સાધે તે મુકિતપદ ‘સાધે તે મુક્તિ લહે, ભેદ ન તેમાં હોય' તેમાં કોઇપણ જાતનો ભેદ નથી. એકસો સાત, આઠ, નવ અને દશ આ ચાર ગાથાઓમાં શ્રીમદ્ભુએ ધર્મના નામે જે વિખવાદો ઉત્પન્ન થાય છે તેનો ઉકેલ આપ્યો છે. દુઃખની વાત તો એ છે કે જેમણે વિખવાદનો ઉકેલ આપ્યો એ શ્રીમના નામે નવા વિખવાદો થઇ રહ્યા છે. માણસોને કોણ જાણે આવું જ કરવું ગમે છે. અમારું સાંભળવું જ નથી. એમને કંઇને કંઇ અડપલાં જ કરવાં છે. જેમણે બધા વિખવાદો તોડી એક બહુ જ પ્રસિદ્ધ વાક્ય કહ્યું કે ‘જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુકત થવું તે જ મારો ધર્મ છે'. બધાં આ બોલે અને લખે પણ ખરાં પરંતુ તેમાં ઝગડો કયારે થાય તે ખબર છે ? એક જણ કહેશે કે બોર્ડ આ ખૂણે મુકવું છે. બીજો કહેશે કે ના, આ બીજા ખૂણે મુકવું છે. ટ્રસ્ટીઓ છેવટે એમ નક્કી કરે કે આ બોર્ડ આ ખૂણે પણ નહિ અને આ ખૂણે પણ નહિ. અહીં મૂકો.
પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org