________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૫
છે તેમ તું નિર્ધાર. આમાંના કોઇ પદને એકાંતે આગ્રહપૂર્વક ઉત્થાપન કરે કે અવિચારથી ઉત્થાપન કરે, તો મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. આ બિલકુલ વ્યવહારિક ભૂમિકા છે. આ ગાથામાં છએ છ પદને સર્વાંગીણ રીતે સ્વીકારવાં એ પણ પૂર્વ તૈયારી છે. અવિચાર કે એકાંત આગ્રહથી છ પદનું ઉત્થાપન ન કરે. આત્મા છે તેમ માને પણ નિત્ય છે તેમ ન માને તો ગયો. આત્મા નિત્ય છે તેમ માને પણ કર્મ નથી એમ માને તો ગયો, કર્મ છે તેમ માને પણ મોક્ષ નથી તેમ માને તો ગયો. ઘણાં લોકો તર્ક કરતા હોય છે કે બધાં જ મોક્ષમાં જાય તો ત્યાં તેટલી જગ્યા હશે ? આવું કદી બન્યું નથી કે બધા મોક્ષમાં ગયા. તેને મોક્ષની ચિંતા નથી પણ બધાં મોક્ષમાં જાય તો જગતનું શું થશે ? તેની ચિંતા છે. તેને જગત ટકાવી રાખવું છે. જગત ટકાવી રાખવાની વૃત્તિને ઓઘસંજ્ઞા કહે છે, અને બહાર નીકળવાની વૃત્તિને વિચારદશા કહે છે. આવી વિચારદશા જેને પ્રાપ્ત થાય છે તે છએ છ પદનો સંપૂર્ણ સ્વીકાર કરે છે.
શિષ્ય કહે છે કે પાંચ શંકાઓનું પૂરેપૂરું સમાધાન થયું. ‘પાંચે ઉત્તરની થઇ આત્મા વિષે પ્રતીત'. પાંચે ઉત્તરથી સમાધાન થયું અને અમારું દિલ ઠર્યું. હવે આ મોક્ષના ઉપાયની વાત જો આપ કરો તો એ શંકાનું સમાધાન થાય અને ‘ઉદય ઉદય સદ્ભાગ્ય' એટલે સમકિત થઇ જાય. સમ્યગ્દર્શનનો ઉદય થવો એ જીવનનું સદ્ભાગ્ય છે. ચાર દિવસ પહેલાં શેરના ભાવ વધતા હતા એટલે સદ્ભાગ્ય હતું અને હવે શેરના ભાવ ઘટ્યા તેથી દુર્ભાગ્ય આવ્યું. હવે અકળામણ થઇ ગઇ. જ્યારે તેજી હતી ત્યારે એ પણ તેજીમાં હતો અને મંદી થઇ એટલે ઢીલો પડી ગયો. અહીં સદ્ભાગ્યનો ઉદય એટલે સમકિત. ખરેખરો ભાગ્યશાળી આ શિષ્ય છે કે તેણે બહુ વિચાર કરી ષટ્કદના પ્રશ્નો પૂછ્યા છે અને સદ્ગુરુએ તેને સમાધાન પણ કરાવ્યું છે. સદ્ગુરુ શિષ્યને ધન્યવાદ આપે છે. શિષ્ય નિમિત્ત બન્યો તેથી આત્મસિદ્ધિ ધરતી ઉપર ઊતરી. જ્ઞાની પુરુષની વાણીને પ્રગટ થવામાં કોઇ નિમિત્ત જોઇએ.
જગતના ઘણા વિચારકોને આત્મા સંબંધી શંકા થાય છે. તમને નવાઇ લાગશે કે ગૌતમ સ્વામીજી ઇન્દ્રભૂતિ એ મહાન પંડિત, પાંચસો શિષ્યના ગુરુ, જગતમાં તેમની સાથે તુલના થાય તેવો વિદ્વાન મળવો મુશ્કેલ, તેમને ચાર વેદ કંઠસ્થ પરંતુ આત્મા વિષે શંકા હતી. તેઓ આત્માને માનતા ન હતાં અને બીજી મોટી મુશ્કેલી એ હતી કે તેમને શંકા અને મૂંઝવણ હતી, છતાં કોઇને પૂછી શકતા ન હતા. હું આટલો મોટો પંડિત અને બીજાને પૂછું ? કોઇને થાય કે અરે ! તમે આટલું જાણતા નથી ? હું પાંચસો શિષ્યોનો ગુરુ, બીજાને પૂછુ એ ન બને ? પંડિતો કોઇની સામે જાય નહિ અને પૂછે નહિ અને પૂછે તો સીધું ન પૂછે, વાયા વાયા કરીને પૂછે. જ્ઞાની સમજી જાય છે અને કહે છે કે તારી ચતુરાઇ મૂકીને સીધું પૂછ ને ? પરંતુ તેને અહંકાર નડે છે. પંડિતો, આચાર્યો, ગાદીપતિ બધા ભેગા મળે ખરા પરંતુ એકબીજાને કંઇ પૂછી ન શકે. પોતાની મૂંઝવણ રજુ ન કરી શકે. તે પોતે સમકિતી છે, વિદ્વાન છે તેમ મનાવે. સમકિત પામ્યા નથી તેમ કઇ રીતે કહે ? તે તો અમે પરમાત્મા છીએ તેમ મનાવે અને પાંચ બોઘા ભેગા થાય અને હા પણ પાડે. આમ ગાડી ચાલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org