________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૩ જન્મો કાઢ્યા. એવો આગ્રહ અને એ સંબંધી વિકલ્પો એમાં સાધક પોતે અટવાયો છે. અહીં એમ કહેવું છે કે મત તેમજ દર્શનનો આગ્રહ અને વિકલ્પો જે છોડશે અને જે માર્ગ જ્ઞાની પુરુષે કહ્યો છે તે સાધશે તો તેના જન્મ અલ્પ રહેશે. કેમ જન્મ અલ્પ કીધા ? જરા સૂક્ષ્મ ચર્ચા છે, અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. આમ તો જન્મ એક વચન છે, પણ તે એમ બતાવવા વાપર્યો છે કે મોક્ષને પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. શાસ્ત્રનું એક વાકય સમજી લેવા જેવું છે કે જે ઉત્કૃષ્ટપણે આરાધના કરે છે, એટલે જેટલી પોતાની શક્તિ, સામર્થ્ય, બળ, કૌશલ્ય અને જેટલી પોતાની સમજણ અને જેટલાં પોતાનાં પ્રાપ્ત સાધનો છે તે પૂરેપૂરા વાપરીને આરાધના કરે છે, તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. - સાધકો ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ સાધક, જધન્ય સાધક અને મધ્યમ સાધક. જેનામાં તીવ્ર સંવેગ છે તે ઉત્કૃષ્ટ સાધક. તીવ્ર સંવેગના બે અર્થ છે. જેનામાં મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી છે, મોક્ષ જ જોઈએ છે અને તે પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી હોય તેટલું જ નહિ પણ આખું જીવન હોડમાં મૂકવાની તૈયારી છે. સમગ્ર જીવન અર્પણ કરવા જે તૈયાર છે અને આ તીવ્ર સંવેગ સાથે ક્ષયોપશમ ભાવની અથવા ઔદયિક ભાવની જે શકિત પોતાને પ્રાપ્ત થઈ છે એ તમામ શકિતને ક્ષાયિકભાવ પ્રાપ્ત કરવા વાપરે છે તે ઉત્કૃષ્ટ સાધક છે. ધીરજથી વાત ખ્યાલમાં લેજો કે ઉત્કૃષ્ટ સાધક એટલે તીવ્ર સંવેગ અને તીવ્ર પુરુષાર્થ. ભગવાન મહાવીર એમ કહેતા હતા કે મારો માર્ગ પ્રચંડ પુરુષાર્થમાં છે. જે વ્યકિત પ્રચંડપણે પુરુષાર્થ કરે અને ઉત્કૃષ્ટપણે આરાધે તો તે જ ભવે તેનો મોક્ષ થાય. તે વાતમાં વિરોધ નથી. - સભ્ય દર્શનમાં પહેલી ઘટના તે દર્શનમોહનો ઉપશમ. આપણી પાસે દર્શનમોહના દલિકો છે, પણ અંતર્મુહૂર્ત સમગ્રપણે દર્શનમોહ કંઈ પણ ન કરી શકે તેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય. જુદા જુદા પરમાણુઓ જુદી જુદી રીતે એકત્ર કરવામાં આવે તો જુદા જુદા પરિણામો આવે, તે રસાયણ શાસ્ત્રનો વિષય છે. આપણે જ્યારે ભાવ કરીએ છીએ, ત્યારે કાશ્મણ વર્ગણાના પરમાણુઓ ૮ કર્મરૂપે પરિણામ પામે છે, આ કર્મના પરમાણુઓ જ્ઞાનને અવરોધ કરશે, દર્શનને અવરોધ કરશે, આ પરમાણુઓ અશાતા અથવા શાતા આપશે, આ કર્મના પરમાણુઓ દુર્ગતિમાં લઈ જશે અને આ કર્મના પરમાણુઓ આવા દેહની રચના કરવામાં સહાયક બનશે. આટલું બધું વિભાજન એક સમયમાં થઈ જાય. હું સમય શબ્દ બોલું છું. ક્ષણ શબ્દ બોલતો, નથી. અહીં ભાવ થયો નથી કે વિભાજન થયું નથી. આવી રચના થાય અને તેની જુદી જુદી અસરો આપણા પર નિર્માણ કરે. જેમ દવાઓ લેવામાં આવે તો જુદી જુદી અસરો આપણા શરીર ઉપર થાય અને મન ઉપર પણ થાય, એ જ પ્રમાણે જે કર્મો છે તે જ્યારે ઉદયમાં આવે ત્યારે અંદર જુદી જુદી અસરો નિર્માણ થાય છે. ક્રોધ મોહનીયકર્મનો ઉદય જો હોય તો તે વખતે અંતરમાં હલચલ મચી જાય. આવેશ, ઉત્તેજના, ગુસ્સો, અણગમો થાય એ પ્રકારનું નિમિત્ત તે બને, ત્યારે તમે જાગૃત ન હો તો ક્રોધ મોહનીયકર્મના ઉદયમાં, ક્રોધ મોહનીય દ્વારા ક્રોધ કરી નવા કર્મોનો વધારો કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org