________________
૧૨૦
પ્રવચન ક્રમાંક ૭૮, ગાથા ક્રમાંક-૧૦૪-૧૦૫ કહ્યું કે અમે બધાં જે કહીએ તે તારે માનવું પડશે. રસ્તા વચ્ચેથી તારે ખીલો ખસેડવો પડશે. તેણે કહ્યું કે તમારી વાત માથા ઉપર પણ ખીલો નહિ ખસેડું. આ આગ્રહ. તમે ગમે તે વાત કરો, મારો આગ્રહ નહિ છૂટે. આગ્રહ અટકાવે છે, રોકે છે અને જ્ઞાનનાં દ્વાર બંધ કરે છે. આગ્રહ અહંકારને મજબૂત કરે છે અને ખાસ કરીને બીજાઓથી તોડે છે. સૌથી મોટું નુકસાન તમારો આગ્રહ તમને સત્પુરુષથી તોડે છે. તેમનાથી દૂર લઇ જાય છે, કંઇ સમજાયું ? સદ્ગુરુ મળવા મુશ્કેલ છે, તેમ ગાયા કરો અને તમારો આગ્રહ પણ રાખો. સદ્ગુરુથી તમે તૂટો છો, છૂટો છો. આગ્રહ તમને સદ્ગુરુ સાથે ભેગા થવા દેતો નથી. આગ્રહ વચમાં નડે છે. જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી સદ્ગુરુ સાથે તમારું તાદાત્મ્ય નહિ થાય, ટયુનીંગ નહિ થાય, સંવાદ નહિ થાય, હૃદય નહિ ભળે, પ્રેમ નહિ થાય, તમે તન્મય નહિ થઇ શકો. તમે સમર્પણ નહિ કરી શકો. તમે પ્રેમની અનુભૂતિ નહિ કરી શકો. કારણ કે કદાગ્રહ છે. તે તમારો નાતો બીજાઓથી તોડે છે. પોતાની અને પોતે માનેલી વાત સાચી તેમ આગ્રહ કરવાથી સંબંધો તૂટશે, કારણ કે તે સત્ય છે તેમ મનાવવા માટે પોતાની તમામ બુદ્ધિ કામે લગાડે છે. જે બુદ્ધિ સત્યને સમજવા માટે વાપરવાની હતી તે બુદ્ધિ પોતાનો આગ્રહ સાચો છે તે મનાવવા સિદ્ધ કરવા માટે વાપરે છે. તેમાંથી શબ્દો આવ્યા, ખંડન મંડન. આ પંડિતોનું બહુ પ્યારું કામ છે. બીજાની વાતનું ખંડન કરવું અને પોતાની વાતનું ખંડન કરવું. તેમાં પંડિતોને બહુ મઝા આવે છે.
હજારો શાસ્ત્રો આ ખંડન મંડનથી ભરેલાં છે અને તેમાં જે જીવો અટકયા છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. તેમાં પાછો બીજો વિકલ્પ નડે છે કે પોતે અત્યાર સુધી આ મતને માનતો હતો તેને કેમ છોડવો ? લોકો શું કહેશે ? મને આ કેમ પાલવશે ? સૌથી મોટી વાત તો એ છે કે આ અવસ્થા હોવાના કારણે એ જાતજાતના વિકલ્પો કરે છે. હું આ આશ્રમમાં જાઉં કે ત્યાં જાઉં ? આ ગુરુ પાસે જાઉં કે ઓલા ગુરુ પાસે જાઉં ? લોકો ક્યેતા હોય છે કે એક જબરો મંત્ર આપો. અમને તો ખબર નથી કે આ જબરો મંત્ર શું છે ? મંત્ર એટલે મંત્ર. મનનું ત્રાણ કરે તે મંત્ર. વિકલ્પ કરે કે કયો મંત્ર જપું ? નવકાર મંત્ર બોલતો હોય, તેને થાય કે ગાયત્રી મંત્ર જપું તો કેમ ? ગાયત્રી મંત્ર કરતો હોય તેને થાય કે ‘હરિ ૐ’ના જાપ કરું તો કેમ ? ન નવકાર જપે, ન ગાયત્રી જપે અને ન તો હરિ ૐ જપે – તેના કારણે અસ્થિરતા અને ચંચળતા વધે. જે સાધન સ્થિરતા માટે હતું, તેમાંથી અસ્થિરતા થઇ. આવા અસંખ્ય વિકલ્પોમાં આપણી ચેતના અટવાઇ ગઇ છે. તુલના કરીએ કે આ ગુરુ સારા કે પેલા ગુરુ સારા ? ગુરુને સારા નરસા શા માટે કરે છે ? તું સારો હોઇશ તો યોગ મળી આવશે. ધ્યાન પોતે કરતો હોય અને બીજા ધ્યાન કરે છે તેમ ખબર પડે તો થાય કે જરા જોઇ આવું કે કેવું ધ્યાન થાય છે ? આ વિકલ્પ અને આગ્રહ પરમાર્થ માર્ગમાં હિમાલય જેવડા અવરોધો ઊભા કરે છે. હિમાલય ખસેડી શકાય પણ વિકલ્પો અને આગ્રહો ખસેડી નહિ શકાય.
પરમકૃપાળુ દેવ કહે છે કે તારે મોક્ષનો ઉપાય જોઇએ છે ? આ છઠ્ઠું પદ ‘મોક્ષનો ઉપાય છે' પાંચ જાણવાનાં અને છઠ્ઠું જીવનમાં જીવવાનું. મોક્ષ છે તેમ નક્કી તો કર્યું પણ તેટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org