________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૩
અવસ્થા છે. ‘સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી તે જ મોક્ષ છે' એવા એક વાક્યનો ઉપયોગ પરમકૃપાળુદેવે કર્યો છે. આત્માનો સહજ સ્વભાવ છે. અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ તે નોર્મલ નથી. એબનોર્મલ એટલે કૃત્રિમ છે અને સાજિક જે જીવન છે તેને મોક્ષ કહેવાય.
મોક્ષનો સંબંધ સ્થળ, કાળ અને પરિસ્થતિ સાથે નથી. મુક્ત થયા પછી એ મુક્ત ચેતના કયાં પ્રયાણ કરે છે અને કયાં કેટલો સમય સ્થિરતા કરે છે, એ મુક્ત ચેતનાની સ્થળ અને કાળની ઘટના છે. પણ સ્થળ કાળ સિવાય મુક્ત અવસ્થા એ આત્માની પોતાની સહજ અવસ્થા છે, એવી સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે એક ઘટના ઘટે છે કે આખું દ્રવ્ય પૂરેપૂરું ખીલી ઊઠે છે. એક બીજ જમીનમાં ગયું. ધીરે ધીરે તે વિકાસ પામ્યું અને પાંચ, દશ, પંદર વર્ષમાં એ વિશાળ વૃક્ષ બન્યું. હજારો ડાળીઓ, હજારો પાંદડાઓ, હજારો ફૂલો અને ફળો તેના ઉપર લચી રહ્યાં છે. આખું વૃક્ષ પૂરેપૂરું ખીલી ગયું છે, તેની એક સુંદરતા છે. એ વૃક્ષ આપણને સુંદર લાગે છે. બીજનો ચંદ્ર આપણે જોયો હતો પછી ખીલતાં ખીલતાં એ પૂર્ણિમાનો ચંદ્ર થયો અને તે અલૌકિક લાગે છે. જેમ ચંદ્ર પૂરો ખીલે છે, બીજ પૂરું ખીલે છે તેમ આત્મા પણ પૂરો ખીલે છે. એ આત્માનું પૂરેપૂરું ખીલવું, પૂરેપૂરું મહોરવું, પૂરેપૂરું પ્રગટ થવું, આત્મામાં જે કંઇપણ અપ્રગટ અને તિરોભૂત છે, જે કંઇ અંદર છુપાયેલું છે તે પૂરેપૂરું ખુલ્લું થવું, પ્રગટ થવું એવી અવસ્થા તેનું નામ મોક્ષ.
ઘણા લોકોને મૂંઝવણ થાય છે, સિદ્ધશીલામાં જઇ કરવું શું ? મોટો પ્રશ્ન છે. તેને કરવાની ખબર છે, જીવવાની ખબર નથી. કરવું અને ન કરવું એ સ્થૂળ જગતના પ્રશ્નો છે. હોવું એ આધ્યાત્મિક જગતની ઘટના છે. તમારા હોવા માટે કોઇ કારણ નથી, કોઇની જરૂર નથી. કોઇ નિયમ નથી. અસ્તિત્વ એ નિર્વિવાદ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે અને સ્વાવલંબી છે. અસ્તિત્વ અકારણ છે. અસ્તિત્વ સદાજીવી છે, એ છે, એ સદાય છે. આત્મા હોવાનું કોઇ કારણ નહિ. મોક્ષના હોવામાં કોઇ કારણ નહીં. મોક્ષ અવસ્થા છે. જ્યારે આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે છે ત્યારે તેના ગુણો સંપૂર્ણ ખીલે છે. બેંકમાં તમારી પાસે કેટલું બેલેન્સ છે, તેની જરૂર ખબર છે. તિજોરીમાં કેટલાં ઘરેણાં છે, તેની જરૂર ખબર છે, પરંતુ આત્મામાં કેટલાં ગુણો છે તેની ખબર નથી. આત્મદ્રવ્યમાં અનંતગુણો છે. આત્મા દ્રવ્ય છે, તેના અસંખ્યાત પ્રદેશો છે. પ્રદેશે પ્રદેશે અનંતગુણો છે અને પ્રત્યેક ગુણની અનંત પર્યાય છે. સનાતન, શાશ્વત અને કાયમ આવું એક ચક્ર જગતમાં કામ કરી રહ્યું છે.
આ ક્ષણમાં આપણામાં મોટી ઘટના ઘટી રહી છે, આપણા દેહમાં ઘટે છે, પણ આપણે એને જાણતા નથી. સમજતા નથી. સ્વીકારતા નથી. એક અર્થમાં આને જ મિથ્યાત્વ -દર્શનમોહ કહે છે. તમે જે કંઇ છો તેનો પહેલાં સ્વીકાર તો કરો, તેનો અનુભવ તો કરો. અનુભવ પછી થશે પણ પહેલા સ્વીકાર થશે. એવો સ્વીકાર એક વખત જો થઇ જાય તો સ્વીકાર થયા પછી અનુભૂતિની ઘટના ઘટે છે. મોક્ષ એ બહારની અવસ્થા નથી. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.' બધા સંશયો દૂર થઇ ગયા, મોક્ષ કોઇ સ્થળ, કાળ કે ઘટના નથી, કોઇ વ્યવસ્થા કે મર્યાદા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org