________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. પરમકૃપાળુ દેવ આ ૧૦૨મી ગાથામાં કહે છે કે, કર્મો અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ એમ આઠ છે. આ મુખ્ય પ્રકારો છે. શબ્દો સાંભળો અને યાદ પણ રાખજો. જીવનમાં કામ લાગશે. આ બધાં કર્મો આપણી પાસે છે અને આપણા ઉપર કામ કરી રહ્યાં છે, પરતું આપણે તેને ઓળખતા નથી. જે વખતે જ્ઞાનની શકિત ક્ષીણ થાય અથવા જ્ઞાન ઉપર આવરણ આવે, ત્યારે સમજી લો કે જ્ઞાનાવરણીય કર્મે કામ કર્યું, યાદ ન રહે, સ્મૃતિ ઘટી જાય. તો અત્યારે એમ કહેવાય છે કે બદામ ખાવ તો યાદ રહેશે. શેર બદામ ખાઈશ તો પણ યાદ નહિ રહે, કારણ કે જ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે, ઉદયમાં છે. આ કર્મો અલગ અલગ રીતે આત્માને ફળ આપે છે. આત્માની મુખ્ય શકિતઓ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ અને વીર્ય. આ તમારો ખજાનો છે. એક શબ્દ હજુ ઉમેરવો પડશે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આ બધી શકિતઓ અનંત છે. અનંત એટલે કદી પણ ખૂટે નહિ તેવી. જ્ઞાન ગમે તેટલું વાપરો કયારેય ઓછું નહિ થાય. જ્ઞાન અનંત છે. આનંદ ગમે તેટલો અનુભવો પણ આનંદ અનંત જ છે. શકિત ગમે તેટલી વપરાય, પણ શકિતઓ ખૂટશે જ નહિ. આત્માની ચારે ચાર શકિતઓ અનંત છે. તેના ઉપર આવરણ આવી શકે. તે આવરણ કરનાર ચાર કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ છે. આનો અર્થ એમ થયો કે શકિત તમારી, પણ દોર તેમના હાથમાં છે. તેમાં કંઈ ઓછું વધતું આવરણ થાય તો તે પ્રમાણે શકિતઓનો ઓછો વધતો ઉઘાડ થાય.
જેમ આકાશમાં સૂર્ય ઊગ્યો છે તેનો પ્રકાશ બહાર આવવામાં વાદળા આવરણ કરે છે તેમ આત્માને કર્યો આવરણ કરે છે. આકાશમાં સૂર્ય ઊગ્યો છે, તે પ્રકાશિત છે પણ આવરણને કારણે ઢંકાઈ ગયો છે. વાદળાં ખસે તો સૂર્યના દર્શન થાય. વાદળાં સંપૂર્ણ ખસી જાય તો સૂર્ય પૂરેપૂરો પ્રગટ થયેલો દેખાય. આપણા ઉપર પણ કર્મોનાં વાદળો છે. કર્મ ખસે તો શકિત પ્રગટ થાય. છે બધું તૈયાર પણ આવરણ આવ્યું છે.
તો કરવાનું શું? આપણે વાદળાં ખસેડવાનાં. કર્મરૂપી આવરણ ખસેડવું. એ કર્મોનાં વાદળો જેનાથી ખસી જાય તેનું નામ ધર્મ. એનું નામ જ્ઞાન, એનું નામ ધ્યાન. જેનાથી ખસે એનું નામ યોગ તેનું નામ ભક્તિ. આપણે આપણાં કર્મના વાદળો ખસેડવાનાં છે.
અત્યારે આટલી વાત થઈ, હવે પછી આઠ કર્મો, તેનું કાર્ય કેવું છે તે વાત કરીશું. પછી દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીયની વાત થશે. આપણા ઉપર સૌથી મોટો હુમલો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો છે. આ બંને આપણને ઊંધે રવાડે ચડાવે છે અને શાંતિથી બેસવા દેતા નથી. તમે કહો છો કે ભાવ તો ઘણા થાય છે કે ધ્યાનમાં બેસીએ, માળા ગણીએ, પૂજા કરીએ પણ તેમ થતું નથી. ચારિત્ર મોહનીયકર્મ ના પાડે છે. આપણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org