________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૯ આ સૂત્ર સમજી લેજો. “જો ભાવ જીસ પ્રકાર સે નિયત હૈ, વો સ્વભાવ સે બદ્ધ હૈ.' જે ભાવ (ભાવ એટલે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય) જે પ્રકારથી નિયત છે, તે તેના સ્વભાવથી બંધાયેલું છે. કોઈપણ પદાર્થ પોતાના સ્વભાવને ઉલ્લંઘીને તું નથી. આ દ્રવ્યની ખૂબી છે અને સ્વભાવ છે, નિયત છે. દરેક જીવ સમ સ્વભાવી છે. અહીં સમ એટલે સમતા કે સમભાવ નહીં, પણ સમ સ્વભાવી એટલે કોઈપણ જાતના ભેદ કે ઉપાધિ વગર, તંદ્ર વગર, અખંડપણાનું હોવું તેનું નામ સમ. અને આ રીતે વિચાર થાય તો બધા જીવો સમ સ્વભાવી છે. આ ભેદ જે પડે છે તે કર્મકૃત, ઉપાધિકૃત, કંઠ કૃત છે, આત્મામાં ભેદ નથી. જ્યારે જોશો ત્યારે આત્મા સમસ્વભાવી છે. એક સરખો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. પ્રત્યેક આત્મા મૂળથી સિદ્ધ છે. આવિર્ભાવ બાકી છે, આને કહેવાય સમ સ્વભાવ. અહીં એમ કહે છે કે પ્રત્યેક ભાવ નિયત છે એટલે આત્મા જેમ છે, જેવો છે તેવો જ છે. અન્યરૂપે નથી. વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ નિયત છે, તેને અન્યરૂપથી માનવો, આને કહેવાય છે વિપર્યાસ. પરમકૃપાળુદેવ આ શબ્દ વારંવાર વાપરે છે. આને કહેવાય છે વિપરીત બુદ્ધિ, વિપર્યાસ. શું તેની વ્યાખ્યા થઈ ? જે ભાવ જે પ્રકારથી નિયત છે, તેને અન્યરૂપે માનવો. સૂર્યનો તાપ પડી રહ્યો છે. નદી કિનારે છીપલું પડ્યું છે. કોઈને થાય કે ચાંદીનો કટકો પડ્યો છે. ચાંદીના કટકા જેવું દેખાય પણ ચાંદી નથી. એક છીપલા પર સૂર્યનો પ્રકાશ આવે અને તેને ચાંદી માનવી તે વિપર્યાસ.
સાયકલની ટયુબ પડી છે, બહાર ઠંડી છે. ઘેર આવતાં તાળું ખોલી રહ્યાં છો અને ટયુબને સહેજ પગ અડી જાય તો બૂમ પાડી ઊઠો કે અહીં સાપ છે. કોઈએ કહ્યું કે બેટરી લઈને જુઓ તો ખરા કે શું છે ? બેટરીથી જુવે છે તો ટ્યુબ છે. ભ્રમણા ગઈ, શાંતિ થઈ. એ જ રીતે શરીર તે આત્મા નથી પણ શરીરને આત્મા માનવો તે મોટો વિપર્યાસ. કેટલાયે વર્ષોથી તમે સાંભળો છો કે શરીર જુદું છે અને આત્મા જુદો છે. તમે આત્મા છો, શરીર નથી. જે ભાવ જે પ્રકારથી નિયત છે તે ભાવને અન્ય રૂપે માનવો તે વિપરીત બુદ્ધિ. આ વિપરીત બુદ્ધિના કારણે પોતાને નુકસાન થાય છે અને અન્યરૂપે કહેવાથી બીજાને પણ નુકસાન થાય છે. શાસ્ત્રમાં તેને ઉસૂત્ર પ્રરૂપણા કહે છે. તમે પૂરું ન જાણો તો ન કહેશો. અધિકાર નથી તમને કહેવાનો. અમે એટલું જ કહીએ છીએ કે જે જ્ઞાની પુરુષ કહે છે તે જ માનો અને કહો. સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે કે જંબુ ! આ અમે તને કહીએ છીએ તે કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન થયા પછી જે કહ્યું છે તે કહીએ છીએ. આમાં અમારું કંઈ નથી. આ જ્ઞાનીની નમ્રતા છે. જવાબદારી છે. તમને આ આકરો શબ્દ પ્રયોગ નહિ ગમે. ખાટકી જીવોની હિંસા કરે છે તે મોટામાં મોટું પાપ કરે છે, પણ તેના કરતાં જે વિપરીત પ્રરૂપણા કરે છે તે ખાટકી કરતાં પણ મોટું પાપ કરે છે. આ જરા ભારે શબ્દો છે ખાટકી તો એક જન્મ ખતમ કરે છે પણ વિપરીત પ્રરૂપણા તો અનેક જન્મો ખતમ કરે છે. ન કરશો, વિપરીત પ્રરૂપણા ન કરશો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org