________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એનાથી શું થાય ? ભાવ થવાથી આત્મપ્રદેશ ઉપર કંપન થાય. જેમ સિતાર ઉપર આંગળી એડે એટલે ઝંકાર ઊઠે. સિતાર ખૂણામાં એમ જ પડી હોય તો ઝંકાર નહિ ઊઠે, પરંતુ આંગળી અડી નથી કે ઝંકાર ઊઠ્યો નથી. અને વાદક રવિશંકર જેવો હોય તો જાતજાતની રાગિણીઓ પ્રગટે, તેવી જ રીતે કષાયો થાય, ભાવો થાય એટલે આત્મપ્રદેશ ઉપર ઝંકારરૂપી કંપન થાય. કંપન થાય એટલે કર્મબંધ થાય. પહેલા કંપન પછી કર્મોની આવક. કષાયોના ઉદયના કારણે કંપન, કંપનના કારણે ભાવ અને ભાવના કારણે કર્મનો બંધ. આમ ચક્ર ચાલે. આ રીતે કર્મ બંધાય, તેમાં એક નિયમ છે. એક ક્રોડાક્રોડી સાગરોપમ કર્મની સ્થિતિ હોય તેમાં એકસો વર્ષ અબાધાકાળ એટલે એક સો વર્ષ સુધી પડ્યું પડ્યું કર્મ પાક્યા કરશે. બજારમાંથી કેરી લાવીને ટોપલીમાં પકવવા માટે મૂકી. કોઈ પૂછે કે કેરી છે ? તો કેરી તો છે પણ પાકી નથી. પકવવા મૂકી છે. બે દિવસ પછી પાકે એટલે ખવાય. તેમ કર્મ પણ પાકે પછી ફળ આપે. આ અબાધાકાળ પૂરો ન થાય ત્યાં સુધી કર્મફળ ન આપે. તમે ખીચડી બનાવવા તેને કુકરમાં મૂકી ગેસ ઉપર મૂકો છો. કમસે કમ દશેક મિનિટ તો લાગેને ? અને પછી કુકર સીટી વગાડે કે ખીચડી પાકી ગઈ છે. આ અબાધાકાળ, ત્યાં સુધી કર્મ ફળ ન આપે.
એક મઝાની વાત એ પણ છે કે તમે જેટલાં કર્મો બાંધ્યા છે, તેમાં નિકાચિત કર્મોને બાદ કરી, બીજા બધાં કર્મો ઉદયમાં આવતા પહેલાં તમે ઈફેકટ આપો તો ફેરફાર કરી શકો છો. વાત ધ્યાનમાં લેજો. એક રજાઈની ગાંઠ, બીજી સૂતરની આંટીની ગાંઠ, ત્રીજી સૂતરના તાંતણાની ગાંઠ અને ચોથી રેશમની દોરીની ગાંઠ મારો અને તેમાં તેલનું ટીપું પાડી, ભંડકિયામાં મૂકી દો. દશ વર્ષે બહાર કાઢો તો પછી ગાંઠ કયાંથી છૂટે? રજાઈની ગાંઠ જેવા કર્મો પૃષ્ટ, સૂતરની આંટી જેવા કર્મો બદ્ધ. સૂતરના તાંતણાની ગાંઠ જેવાં કર્મો નિધત્ત, અને રેશમની ગાંઠ ઉપર તેલનું ટીપું ને અનેક વર્ષો પછી કાઢીએ તેના જેવા ચીકણાં નિકાચિત કર્મો, ભોગવવાં જ પડે. એક રાજાને સંગીત અતિ પ્રિય છે, તેને સંગીતમાં ખૂબ જ આનંદ આવે છે. સંગીતકારો આવ્યા છે અને સંગીત શરૂ કરે છે. રાજાએ પોતાના શય્યાપાલકને કહ્યું કે મને ઊંઘ આવે એટલે સંગીત બંધ કરાવજો. રાજાને ઊંઘ આવી ગઈ. શય્યાપાલને સંગીત સાંભળવામાં રસ પડ્યો તેથી સંગીત બંધ ન કરાવ્યું. થોડીવાર પછી રાજા જાગી ગયા, સંગીત ચાલું હતું તેથી રાજાને થયું કે મારી આજ્ઞા કેમ ન માની ? અહંકાર આવ્યો કે તેના મનમાં સમજે છે શું ? મારી આજ્ઞાનો ભંગ ? અને રાજાએ શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું. આપણે પણ ઘરમાં ઘણી વખત આવું કરીએ છીએ. મને પૂછ્યા વગર પિયર કેમ ગઈ? હવે ઘરમાં નહિ આવવા દઉં. આ અહંકાર બોલે છે. આ બીજો કોઈ આત્મા નહિ પણ ભગવાન મહાવીરનો આત્મા હતો. કર્મ બંધાયા અને પરિણામે છેલ્લા જન્મમાં કાનમાં ખીલા ઠોકાયા. આ નિકાચિત કર્મનું ફળ.
બધા કર્મો નિકાચિત નથી હોતાં. બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, તેની કવોલીટી જુદી, અને આ નિકાચિત કર્મની કવોલીટી જુદી. પણ કર્મ ઉદયમાં આવી ગયું પછી તેમાં કંઈ ન થાય. ટીકીટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org