________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૫ પદ્ધતિ એ જ્ઞાન અને આધ્યાત્મિક સત્તાને જાણવાની રીત, પદ્ધતિ તેનું નામ ધ્યાન. બંને ધારાઓ જુદી જુદી છે. એક છે વિજ્ઞાનની ધારા અને બીજી છે ધ્યાનની ધારા. ધ્યાનની ધારામાં ગયા સિવાય જે પારમાર્થિક તત્ત્વ, પારમાર્થિક સત્ય કે આધ્યાત્મિક તત્ત્વ છે તેને જાણી શકાતું નથી. કોઈ માણસ એમ કહે છે કે હું આત્માને માનતો નથી, તો આપણે તેને પૂછી શકીએ કે નથી માનતો, તે તારી વાત સાચી પણ તે પ્રયાસ શું કર્યો? તે મથામણ અને મહેનત શું કરી? તો કહે કે મહેનત કંઈ કરી નથી, માત્ર ના કહું છું. માત્ર ના કહેવાથી વસ્તુનો ઈન્કાર થઈ શકતો નથી.
જે વસ્તુ છે તેને સ્પષ્ટ કરવા માટે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જે લોકો ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થયા, એ લોકોએ એવું અનુભવ્યું કે જગતના જડ પદાર્થો અને વ્યવહારિક સત્તા કરતાં બીજી પારમાર્થિક સત્તા પણ છે, આધ્યાત્મિક સત્તા પણ છે. અધ્યાત્મ શાસ્ત્રોને સૌથી પહેલું કામ જો કંઈપણ કરવું હોય તો આ આત્મ તત્ત્વ જે છે તે બધા પદાર્થો સાથે મળી ગયું છે, એકાકાર થયું છે, તદુંરૂપ થયું છે, જરા રફ ભાષામાં કહેવું હોય તો ખીચડો થઈ ગયો છે, એને બધાથી જુદુ પાડવાનું છે. આ આત્મતત્ત્વ શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, પ્રકૃતિ, પુદ્ગલ આ બધા સાથે એક થઈ શકતું નથી, પણ એકમેક થઈ ગયું છે એવું લાગે છે. આધ્યાત્મિક સાધના જેણે કરવી છે, તેને સૌથી પહેલાં આધ્યાત્મિક સાધનાનું મૂળભૂત તત્ત્વ, આધારભૂત તત્ત્વ જે છે તેને જુદું પાડવું પડે. અને આ જુદા પાડવાની પ્રક્રિયાને શાસ્ત્રોએ અલગ અલગ નામ આપ્યાં છે. આત્મખ્યાતિ, વિવેક જ્ઞાન, પ્રજ્ઞા અને ભેદજ્ઞાન. આ જુદા જુદા શબ્દો જુદી જુદી વ્યક્તિઓએ અનુભવીને વાપર્યા છે. આત્મખ્યાતિ, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. યોગદર્શને વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું. વિવેક જ્ઞાનથી પ્રકૃતિ જુદી છે અને પુરુષ પણ જુદો છે એમ બોધ થાય છે. આ વિવેક શબ્દ જ્યારે જૈન પરંપરામાં આવ્યો ત્યારે એમણે ભેદજ્ઞાન શબ્દ વાપર્યો. ભેદ એટલે જુદું પાડવું. જડ અને ચેતન જુદાં છે, એવું ભેદજ્ઞાન કરવું. કોઈએ એમ કહ્યું કે પ્રજ્ઞા નામની છીણી છે, તે પ્રજ્ઞા નામની છીણીથી વસ્તુને જુદી પાડો. ટૂંકમાં સાધના જેમણે કરવી છે તેને મૂળભૂત તત્ત્વનો સમ્યફ પ્રકારે યથાર્થ નિર્ણય કરી લેવો જોઈએ.
શાસ્ત્રોને એમ કહેવું છે કે આ સંસાર અનાદિનો છે. સંસારમાં આપણે પણ અનાદિના છીએ, અને સાથે સાથે જગત પણ અનાદિનું છે. સંસારમાં આપણે એક જ અવસ્થામાં કાયમ રહેવાના નથી. સરકારી કર્મચારીઓની જેમ બદલી થાય છે તેમ જુદી જુદી અવસ્થામાં આપણે પરિવર્તિત થવું પડે છે, પરંતુ તેની બદલી બે કે ચાર વખત થાય આપણી ચોર્યાસી લાખ બદલી થાય.
લાખ ચોર્યાસી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, - બિન સમક્તિ સુધારસ ચાખયા, ગિણતી કોઉ નગિણાયો,
મૂરખ વિરથા જનમ ગમાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org