________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૧ અશુભ પ્રવૃત્તિ ટાળી, શુભ પ્રવૃત્તિ કરવી તેમાં જગતના બધા જ ધર્મો સમ્મત છે. હરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો છે. પરમકૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો છે કે આ ગ્રંથ અવલોકન કરવા જેવો છે. ગ્રંથના પ્રારંભમાં એક બહુ મઝાનો શ્લોક આપ્યો.
दु:खं पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः ।
न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंग्रहः || પાપથી દુઃખ આવે છે અને ધર્મથી સુખ આવે છે, તેથી પાપ કરશો નહિ અને ધર્મ જરૂર કરજો. શુભ પ્રવૃત્તિ જરૂર કરજો. આમાં આખું જગત સમ્મત છે, અને સ્વીકાર પણ કરે છે. પરંતુ તેનાથી પર થઈને પોતાના જ્ઞાનને આત્મામાં સ્થિર કરવું, તે વાત જગત પાસે નથી. એ વાત જ્ઞાની પુરુષો કરે છે. પોતાના સ્વરૂપમાં આત્માને સ્થિર કરવો અને વિકલ્પની પેલી પાર જવું એ વાત કઠિનમાં કઠિન છે.
ફરી યાદ કરીએ, અશુભ પ્રવૃત્તિ કરવી તે પણ એક અપેક્ષાએ સહેલું છે, પરંતુ પોતાના ઉપયોગને જગતના પદાર્થોમાંથી પાછો વાળીને, આત્મામાં ઠારવો, ટકાવવો એ વાત અઘરી છે. આવી અઘરી સાધના નિરંતર જે કરે છે તેને કહેવાય છે નિવૃત્તિ. સમજાયું? કંઈ પણ ન કરવું તે નિવૃત્તિ નથી. શુભ કે અશુભ કંઈ પણ પ્રવૃત્તિ ન કરવી એવો અર્થ નથી. અશુભ પ્રવૃત્તિ કરવી નથી, શુભમાં ટકવું નથી પણ આગળ વધી સ્વરૂપમાં ઠરવું છે, શુદ્ધમાં ઠરવું છે, પરંતુ આપણે સ્વરૂપમાં ઠરી શકતા નથી, ચંચળતા છે. આપણામાં જોશ કે તાકાત નથી. સ્ટીયરીંગ હાથમાં લઈ ગાડી વાળવી હોય તો પણ જોશ કરવું પડે છે. એમ ને એમ મહેનત વગર વળતી નથી. ઉપયોગને બહારમાંથી પાછો વાળી સ્વરૂપમાં લાવવા બહુ જોર કરવું પડે છે. હિમાલય ચડવો સહેલો છે, નદીના પૂરને રોકવું પણ સહેલું છે, પરંતુ ઉપયોગને પાછો વાળી સ્વરૂપમાં ટકાવવો તે કામ ઘણું અઘરું છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ આવી સાધના કરી. કેવી રીતે સાધના કરી હશે? આ સાધના દેખાતી નથી. શુભ કે અશુભ પ્રવૃત્તિ કરો તો દેખાય, પરંતુ કોઈ શુદ્ધમાં ટકતું હોય તે તમને દેખાશે નહિ. તમને થાય કે અમસ્તા જ બેઠા છે. અરે ! તેઓ બેઠા નથી પણ અંદરમાં કામ કરે છે, એ સામાયિક છે, એ ધ્યાન છે, એ યોગ છે, એ સ્વાધ્યાય છે. તેઓ પોતાની ચેતનાને સ્વરૂપમાં ઠેરવે છે. અને સૌથી મોટું કામ અંદર વિકલ્પની જાળ જે ગુંથાય છે તે વિકલ્પની જાળ પુરુષાર્થ પૂર્વક તોડવી તે છે. આવું સામર્થ્ય પ્રાપ્ત કરવું એ અવસ્થાને કહેવાય છે નિવૃત્તિ. આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે આ ૯૦ મી ગાથામાં એક પદ્ધતિ છે એક રીત છે. તેનાં થોડાં સૂત્રો છે તે જોવાનો પ્રારંભ કરીએ.
(૧) પહેલું સૂત્ર..અશુભ અને શુભને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું. તે સમ્યગદર્શન વિના બની શકતું નથી. આવા ૧૪ સૂત્રો આ ગાથામાં છે. ગાથામાં તમને નહિ દેખાય પરંતુ તે અંદર છે. જેમ ઝવેરાત મેળવવા ડાબલો ખોલવો પડે છે તેમ ખોલવું પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org