________________
૨૫૦.
પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ નિવૃત્તિ થઈ, શુભની પ્રવૃત્તિ થઈ તેનાથી પણ એક ડગલું આગળ વધીને શુદ્ધાત્મામાં ઠરો, આને કહેવાય છે શુદ્ધોપયોગપોતાના જ્ઞાનને શુદ્ધ એવા ચૈતન્યમાં સ્થિર કરવું, તેને કહેવાય છે નિવૃત્તિ, આને કહેવાય છે સૂક્ષ્મ પ્રવૃત્તિ. દેવચંદ્રજી મહારાજ કહે છે કે,
ત્રણ સ્થાવરકી કરુણા કીની, જીવ એકે નવિરાધ્યો,
| તિન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન લાધ્યો. ત્રસ અને સ્થાવર જીવોની કરુણા કરી, એક પણ જીવની હિંસા કરી નથી. ત્રણ કાળ સામાયિક પણ કરી છતાં શુદ્ધ ઉપયોગ અને પ્રાપ્ત થયો નથી, માટે સંસારમાં છીએ. આવી જ એક વાત તેમણે ભગવાન મહાવીરના સ્તવનમાં કહી છે કે...
આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો,
શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબ વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. લોકોના કહેવાથી, લોકની લાજે શુભ આચરણ કર્યું, ઉપવાસ કર્યા, પ્રતિક્રમણ કર્યું, બાકી શું રહ્યું? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મ અવલંબન વગર અમારું કોઈ પણ કામ સિદ્ધ થયું નથી. શુદ્ધ ઉપયોગ એટલે ચૈતન્ય તત્ત્વમાં પોતાના જ્ઞાનને ઠેરવવું. જ્ઞાન બહાર જાય છે, પદાર્થોમાં જાય છે, સંયોગોમાં જાય છે, શેયોમાં જાય છે. શેય એટલે જાણવા લાયક અથવા જે જ્ઞાનમાં જણાય છે તેને કહેવાય શેય. આખું જગત, આખો સંસાર શેય છે. જગતના પદાર્થો જાણવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે, તે રોકાયેલા જ્ઞાનને ત્યાંથી પાછું વાળીને જાણનાર જે આત્મા, તે આત્મામાં જ્ઞાનને ઠેરવવું એવી જે પ્રવૃત્તિ છે તેને કહેવાય છે પારમાર્થિક નિવૃત્તિ. નિવૃત્તિમાં શુભપ્રવૃત્તિ કરતાં વિશેષ પ્રવૃત્તિ છે. કઈ રીતે છે? ક્ષણે ક્ષણે જ્ઞાન ઉપયોગ જે બહાર જાય છે, ત્યાંથી વાળીને એ ઉપયોગને, શુદ્ધ ચૈતન્યમાં, આત્મામાં સ્થિર કરવાનો છે. આનંદઘનજીએ તેમની અલૌકિક શૈલીમાં કહ્યું છે કે,
વારો રે કોઈ, પરઘર રમવાનો ઢાળ,
પરઘર રમતાં જૂઠા બોલી થઈ, દીએ છે ઘણીજીને આળ. તેઓ એમ કહે છે કે મારી વૃત્તિને પરઘરમાં રમવાનો ઢાળ પડી ગયો છે, ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. જેમ શત્રુંજય ગિરિરાજ ચડવો હોય તો થાક લાગે, ઢાળ ઊતરવો હોય તો થાક ન લાગે, ઓછો લાગે. એની મેળે ઓછી મહેનતથી ઢાળ ઊતરી શકાય છે. તેમ આપણી વૃત્તિને પરમાં જવું હોય તો વાર નથી લાગતી. મંદિરમાં ગયા છીએ, પણ વૃત્તિ બહાર હોય. સામાયિક લીધી કે માળા લીધી પણ વૃત્તિ બીજે ક્યાંય હોય, સ્વાધ્યાય કે ભક્તિ કરીએ પણ આપણે ગેરહાજર, મંદિરમાં જાય છે ખોળિયું પણ વૃત્તિ બહાર હોય છે. બહાર જતી વૃત્તિને ત્યાંથી પાછી વાળી આત્મામાં ઠેરવવી એપ્રકારના પુરુષાર્થને શાસ્ત્રકારો પારમાર્થિક નિવૃત્તિ કહે છે.
વાતનો સારાંશ એ આવ્યો કે અશુભ પ્રવૃત્તિ ટાળવી એક અપેક્ષાએ સહેલી છે. શુભ પ્રવૃત્તિ કરવી એ પણ એક અપેક્ષાએ સહેલી વાત છે. આખું જગત આ વાતમાં સમ્મત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org