________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૨૭ જાણનારો તો કોઈક હોવો જોઈએ ને? શરીર ઉત્પન્ન થતાં પહેલાં પણ નથી અને નાશ થયા પછી પણ નથી તો એ કઈ રીતે જાણે? પરંતુ જે જાણનાર છે તે જુદો છે. ઉત્પન્ન થનારને અને નાશ થનારને જાણનારો તે શરીરથી જુદો છે. અને અમે તેને આત્મા કહીએ છીએ. તે આત્મા અવિનાશી છે.
આ વાત બેસી જાય અને એટલું જ નક્કી થઈ જાય કે આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે, અને શરીર નાશવંત છે તો પહેલું પરિણામ એ આવે કે તમને મોતનો ભય નહિ લાગે. અને સૌથી વધારે ભય મોતનો જ હોય છે. ધારો કે બેંકમાંથી પાંચ લાખ રૂપિયા લઈને તમે નીકળો અને કોઈ તમારી સામે પીસ્તોલ ધરે તો ફટ દઈને રૂપિયા તમે તેને આપી દેશો. કારણ કે ન આપો તો તમને મોતનો ભય છે. મોતથી કોઈ બચી શકતું નથી પણ એક વાત છે કે આ જાણ્યા પછી મોતનો ભય નહિ લાગે. મોતનો ભય નથી તેને કહેવાય છે જ્ઞાની અને મોતથી બચવા પ્રયત્નો કરે, મોતનો ભય રાખે તે છે અજ્ઞાની. આપણે મોતથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ.
હમણાં એક બહુ મઝાની ઘટના ઘટી. કોઈએ મૃત્યુંજય મંત્રનું એક પુસ્તક લખ્યું. પ્રસ્તાવનામાં લખ્યું કે આ મંત્રનો છ મહિના કોઈ જપ કરે એને મૃત્યુ ન આવે. આ પુસ્તક ગયું અમેરિકા. કોઈએ ત્યાં આ પુસ્તક વાંચ્યું અને તુરત જ પ્લેનની ટિકીટ લઈ અહીં આવ્યો. સરનામું હતું કોઈ લખનૌના પંડિતનું. આ તો લખનૌ પહોંચ્યો અને બારણું ખખડાવ્યું. પૂછ્યું કે મારે આ રામચંદ પંડિતને મળવું છે. તે ક્યાં મળશે? જેને પૂછ્યું તે રામચંદ પંડિતનો દીકરો હતો. રામચંદ ન હતો. દીકરાએ કહ્યું કે રામચંદ પંડિત તો મર ગયે. અરે, ઉસમેં તો લીખા હૈ કી છે મહિના તક યહ મંત્ર જો ગીનતા હૈ, ઉસકો મૃત્યુ નહિ આતા. રામચંદ મર ગયે ? દીકરાએ કહ્યું કે આ મંત્રની વાત છે. પણ મંત્રનો લખનાર રામચંદ તો શું; રામચંદના બાપા પણ મરી જાય અને દીકરો પણ મરી જાય, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે. મોતથી બચવા ચાળા કરે તે અજ્ઞાની.
લોકો જ્યોતિષીને આયુષ્ય પૂછવા જાય છે. હથેળી બતાવે કે હું કેટલા વર્ષ જીવીશ ? જ્યોતિષી કહેશે, સાહેબ! સો વર્ષ જીવશો. ઓછા શા માટે કહે? તમે જ્યોતિષ જોવાના ૨૫ રૂા. તેને આપો છો. એનું કામ થઈ જાય. આ કેવો ખેલ ચાલે છે? - શરીર પોતે નાશ પામે છે, તેમાં રહેનાર આત્મા જુદો જ છે. દેહની પહેલાં આત્મા હતો, દેહના નાશ પછી પણ આત્મા હશે. દેહની ઉત્પત્તિ અને નાશનો અનુભવ આત્માને થાય છે, દેહને થતો નથી, માટે હે શિષ્ય ! આ પંચમહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા છે અને તે આત્મા નિત્ય છે.
દેહ માત્ર સંયોગ છે, વળી જડરૂપી ; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org