________________
૧૧ ૬
પ્રવચન ક્રમાંક – ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ આયુષ્ય પ્રત્યેક ક્ષણે ઘટતું જાય છે. પ્રત્યેક પદાર્થ જગતમાં ક્ષણે ક્ષણે બદલાય છે. આનું નામ જગત. તમે સવારે ચોપાટી ઉપર જાવ, દરિયા પાસે ઊભા રહેશો તો કેટલાં મોજાં તમને દેખાશે? એક મોજું આવ્યું, કિનારા સુધી આવ્યું, અથડાયું પછી ખબર નથી કે મોજું ક્યાં ગયું? નાશ નથી પામ્યું, પણ વિખરાઈ ગયું અને તે બદલાઈ ગયું, પલટાઈ ગયું. તો જેમ મોજું બદલાય છે તેમ જગતમાં દેખાતી પ્રત્યેક વસ્તુ બદલાય છે, અને ક્ષણે ક્ષણે પલટાય છે.
બે પ્રકારનાં મરણ શાસ્ત્રોમાં કહ્યાં છે. છેલ્લી વખત મરણ થાય છે તે કાયમનું મરણ અને ક્ષણે ક્ષણે આપણું આયુષ્ય ઓછું થાય છે તે ક્ષણ ક્ષણનું મરણ. ક્ષણે ક્ષણે આપણે મરી રહ્યાં છીએ. ૮૦ વર્ષનું આયુષ્ય હોય તો આપણે ૮૦ વર્ષે મરી ગયા તેમ કહેવાય. પણ જન્મની પહેલી ક્ષણથી મરણની શરૂઆત થઈ રહી છે. જન્મની ક્ષણ કહેવાય, અને સાથે સાથે મૃત્યુની ક્ષણ પણ કહેવાય. તમે જનમ્યા અને એક ક્ષણ પસાર થઈ, ૮૦ વર્ષમાંથી એક ક્ષણ બાદ, એક કલાક બાદ, બે કલાક બાદ, એક દિવસ, એક મહિનો, એક વર્ષ એમ બાદ થાય છે. એમ ક્ષણે ક્ષણે આપણે મરીએ છીએ. “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય”.
આત્મસિદ્ધિ શાસ્ત્ર એ દરિયો છે. કોઈ વાત એવી નહિ હોય કે જે આમાં નહીં હોય. અધ્યાત્મશાસ્ત્રના તમામ સિદ્ધાંતો અભુત રીતે આમાં ગુંથાઈ ગયા છે. આ ગુંથણી કરી નથી પણ થઈ ગઈ છે.
ફૂલની માળા ગુંથવી એ કારીગરનું કામ છે. સારાં ઘરેણાં બનાવવાં તે કારીગરનું કામ છે. એ સોનું પણ એવું સરસ ઘડે કે પહેરવું ગમે, કારણ કે કારીગીરી છે. લોટ, ગોળ, ઘી વિગેરે વસ્તુ પડી છે તેમાંથી મિષ્ટાન્ન બનાવે આ જેમ કારીગીરી છે તેમ જગતમાં જે કંઈ બને છે તે કારીગીરી છે. આ કારીગીરી પણ ક્ષણે ક્ષણે પલટાય છે. શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો, આનંદ થયો, તે નિમિત્તે દૂધ ને પૌવા અગાસીમાં બેસી ખાઓ છો, ગાવો છો, નાચો છો પણ તે ઘટના ક્ષણિક છે. જગતમાં જેટલી વસ્તુઓ તમને જોવા મળે છે, તેટલી વસ્તુઓ કાયમ એ જ હાલતમાં તમને જોવા મળશે નહિ. આ તમે જાણો છો પણ માનતા નથી, સ્વીકાર કરતા નથી. તમે બજારમાંથી મોંધું કપડું લાવો છો. તેમાંથી શર્ટ, પેન્ટ વગેરે બનાવો છો. તે કપડાં છે મહિના પહેર્યા પછી ફાટી ગયાં. પછી થીગડું માર્યું. પછી થીગડું પણ ન રહ્યું, ત્યારે બે કટકા કર્યા, હવે લઈ જાવ રસોડામાં. આ મસોતું તે છેલ્લી અવસ્થા. આ મસોતું કહેતું હશે કે દુકાનમાં હતું ત્યારે કેવું હતું? જુઓ પેન્ટ, જુઓ શર્ટ. અને હવે? આ મસોતું છેલ્લું સ્વરૂપ. આ મોંઘું કપડું મસોતામાં પરિવર્તિત થયું. શેનો ગર્વ કરવા જેવો છે? માટે જ્ઞાની પુરુષે કહ્યું કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય”
નયો સાત છે. નય એટલે અપેક્ષા. જૈનદર્શનમાં નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી એ ચાર પદ્ધતિ છે, તેનાથી વસ્તુ તત્ત્વનો નિર્ણય થાય છે. નય એટલે કોઈપણ એક અપેક્ષાથી વસ્તુને ઓળખવી. જેમ કોઈ ભાઈ બેઠા છે, તેને તમે કહેશો કે આ તમારો દીકરો છે? તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org