________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૧૦ થી ૧૩
૩૧
દુર્લભ છે, હિતની સાધના મનુષ્યભવમાં કરી શકાય છે અને અન્ય ગતિઓ પ્રાયઃ કરીને ભવ પૂરા કરવા માટે હોય છે. માટે આવો દુર્લભ મનુષ્યભવ મને પ્રાપ્ત થયો છે, તો મારે હિતમાં પ્રવૃત્તિ ક૨વી જોઇએ.
વળી, વિમલબુદ્ધિવાળો જીવ જાણતો હોય છે કે જન્મ મરણનું કારણ છે. માટે પ્રાપ્ત થયેલો મનુષ્યભવ હું જેમ-તેમ પસાર કરીશ તો આ જન્મ સમાપ્ત થશે ત્યારે મને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત થશે. આમ, મરણની પ્રાપ્તિ પહેલાં જન્મને સફળ કરવાનો વિમલબુદ્ધિવાળા જીવને મનોરથ થાય છે.
વળી, વિમલબુદ્ધિવાળા જીવને સંસારની ચપળ એવી સંપત્તિમાં આસ્થા કરીને મનુષ્યભવ પસાર કરવો હિતાવહ જણાતો નથી; કેમ કે પુણ્ય પૂરું થઇ જાય તો પુણ્યથી પ્રાપ્ત થયેલી સંપત્તિ આ જન્મમાં પણ ચાલી જાય છે, અને કદાચ આ જન્મમાં ચાલી ન જાય તોપણ આયુષ્ય પૂરું થતાં તો અવશ્ય સર્વ સંપત્તિનો વિયોગ થાય છે. માટે ચપળ એવી સંપત્તિમાં આસ્થા કરવી વિમલબુદ્ધિવાળા જીવને અયુક્ત લાગે છે.
વળી, વિમલબુદ્ધિવાળો જીવ જાણતો હોય છે કે સંસારના વિષયોમાં પ્રવૃત્તિથી પાપબંધ થાય છે, તેથી દુઃખનું કારણ એવા વિષયોથી સર્યું; અને સંસારમાં પ્રાપ્ત થયેલા સંયોગો પણ વિયોગમાં જ પર્યવસાન પામે છે, માટે આ સંયોગોમાં આસ્થા રાખીને મનુષ્યભવને વ્યતીત કરવો ઉચિત નથી.
વળી, તે જાણે છે કે આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઘટી રહ્યું છે, આથી તેટલા અંશમાં જીવનું મૃત્યુ ચાલુ છે, અને જ્યારે સંપૂર્ણ આયુષ્ય પૂરું થશે ત્યારે દુર્લભ એવો મનુષ્ય ભવ સમાપ્ત થશે. માટે પ્રતિક્ષણ થતા મરણની ઉપેક્ષા કરીને મનુષ્યભવને તુચ્છ વિષયોમાં પૂરો કરવો ઉચિત નથી; અને કર્મનો વિપાક પણ અતિ દારુણ છે, માટે લેશ પણ પ્રમાદ કર્યા વગર કર્મના નાશ માટે યત્ન કરવો જોઇએ. આ પ્રકારે સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ બુદ્ધિ દ્વારા સંસારના નૈર્ગુણ્યને જાણતો જીવ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે.
(૬) સંસારની નિર્ગુણતા જાણતો હોવાને કારણે જ સંસારથી વિરક્ત થયેલ મુમુક્ષુ દીક્ષા માટે યોગ્ય છે.
(૭-૮) ઘણાં કર્મો ક્ષીણ થયેલાં હોવાથી જેના કષાયો અને નોકષાયો ઘણા અલ્પ હોય તેવો જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે; કેમ કે તેવો જીવ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમમાં સમ્યગ્ યત્ન કરી શકે છે.
(૯) વળી પોતાના ૫૨ માતા-પિતા આદિ દ્વારા અને ગુરુ આદિ દ્વારા કરાયેલા ઉપકારને જાણનારો જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે.
(૧૦) સંસારમાં પણ ઉચિત વિનય કરનારો જીવ દીક્ષા માટે યોગ્ય છે.
(૧૧) વળી, ઉત્તમ પ્રકૃતિ હોવાના કારણે દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પણ રાજા, અમાત્ય, નગરજનોમાં બહુમાનપાત્ર હોય, તેવો જીવ સંયમ લેવા માટે લાયક છે.
(૧૨) વળી, ઉત્તમ પ્રકૃતિવાળો હોવાને કા૨ણે ક્યારેય પણ કોઇનો દ્રોહ નહિ કરનારો જીવ દીક્ષાને યોગ્ય છે.
(૧૩) વળી પૂર્વભવમાં સેવેલ ધર્મથી કલ્યાણના કારણીભૂત એવા પૂર્ણ અંગવાળો જીવ પ્રવ્રજ્યા માટે યોગ્ય છે, પરંતુ શરારના અંગોના વિકલતાવાળા નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org