________________
૧૨
હસ્તપ્રતોને આધારે પાસંપાદન છે. તેમાં વિસંગતતા હોય તોપણ ઘણુંખરું જેમની તેમ રાખી છે. (પણ કેટલીક કૃતિઓ પરત્વે એકસરખી જોડણી રાખવાનો નિર્ણય પણ લઈ શકાય). માત્ર જયારે કોઈવાર મુખ્ય પ્રતને આધારે નિયમ તરીકે સ્વીકારેલી જોડણીથી જુદી જોડણીવાળો પાઠ મુખ્ય પ્રતમાં હોય, અને અન્ય પ્રતોમાંથી કોઈકનો પાઠ, સ્વીકૃત જોડણીને અનુરૂપ હોય ત્યારે મુખ્ય પ્રતના પાઠને જતો કરી, તે બીજી પ્રતોના પાઠને લેવામાં આવ્યો છે. કેટલીક વાર જ્યાં મુખ્ય પ્રતથી મુકાબલે અર્વાચીન ભાષાભૂમિકા રજૂ કરતી પ્રતનો પાઠ અન્ય કારણે ઉત્કૃષ્ટ લાગતાં સંપાદિત ગ્રંથપાઠમાં સ્વીકારવામાં આવ્યો છે, ત્યાં ગ્રંથપાઠની સામાન્ય જોડણીથી તે પાઠની જોડણી જુદી પડતી હોવા છતાં, અને એ રીતે સંપાદિત ગ્રંથપાઠમાં બે પ્રકારની જોડણીનું કોઈક કોઈક સ્થળે મિશ્રણ થતું હોવા છતાં, તેને એમને એમ રાખી છે; એટલે કે કવચિત જોડણીની એકરૂપતાને ભોગે પણ પ્રતોના મૂળ પાઠ સાથે કશી છૂટ લેવામાં નથી આવી. તત્સમ શબ્દોની બાબતમાં પણ પાઠને શુદ્ધ કરવાનો કે અન્ય પ્રતોમાં શુદ્ધ જોડણીવાળો પાઠ મળતો હોય તો તેને સ્વીકારવાનો આગ્રહ નથી રાખવામાં આવ્યો.
સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોના સંપાદનમાં સ્વીકારાતી પાઠનોંધની પદ્ધતિથી જુદી પડતી પદ્ધતિ પ્રાચીન ગુજરાતી કૃતિઓના સંપાદન માટે અહીં સ્વીકારવાનું મુખ્ય કારણ શરૂઆતમાં સૂચવ્યું તેમ એક જ છે. આપણી મધ્યકાલીન જોડણી એટલી અનિશ્ચિત સ્વરૂપની હતી, અને મૂળ કૃતિનાં ભાષા, જોડણી કે ગ્રંથપાઠ જાળવી રાખવા માટે એટલી ઓછી ચીવટ રખાતી કે ઉપલબ્ધ હસ્તપ્રતોને આધારે પાઠ, ભાષા ને જોડણી નિશ્ચિત કરવાનું કામ અશક્યવત હોય છે. તેમાં ભાષાસ્વરૂપમાં ચાલુપણે થયેલાં ઝડપી પરિવર્તનોનો ફાળો પણ ઘણો છે. આથી સંસ્કૃતપ્રાકૃત કૃતિઓને માટે, પ્રતોની તુલના દ્વારા કૃતિના મૌલિક સ્વરૂપની નજીક પહોંચવાની જેટલી શક્યતા છે, તેટલી પ્રાચીન ગુજરાતી કૃતિઓ માટે નથી. આમ હોવાથી સંસ્કૃતપ્રાકૃત કૃતિઓના સંપાદનમાં પ્રયુક્ત પાઠનોંધની પદ્ધતિ પ્રાચીન ગુજરાતી કૃતિઓના સંપાદનમાં કાર્યસાધક નથી બનતી. એટલે પ્રસ્તુત સંપાદનમાં એ સામાન્ય પદ્ધતિ આવશ્યક ફેરફાર કરીને સ્વીકારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org