________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
“પરમાત્માના દિવ્ય જ્યોતિનું ભાન કરાવવાનું કવિતા સામર્થ્ય ધરાવે છે. ખરેખર કવિ ફક્ત કવન કરનારો એટલે કે ગાનારો જ નથી, પણ ક્રાંતદર્શી - પારદર્શી છે, અને જે સત્ય એ નજરે જુએ છે એ પરમાત્માના પ્રતીક રૂપ - મુખછાયારૂપ છે.” (કાવ્યતત્ત્વવિચાર,પૃ.૧૧) કળાને વ્યવહારની પ્રવૃત્તિ માનતા હોવા છતાં કલાનું પ્રયોજન માત્ર આનંદ આપવાનું જ છે એમ આનંદશંકર સ્વીકારતા નથી. આમ તેમની સૌંદર્ય નિષ્ઠા જીવન સાથે સંલગ્ન છે.
૩૪
આનંદશંકરની આ સમગ્ર કાવ્યવિભાવનામાં પ્રાચીન અને અર્વાચીન, પૂર્વ અને પશ્ચિમના તત્ત્વચિંતકો, કલામીમાંસકોના સિદ્ધાંતોના ગુણલક્ષણો સંકલિત થયેલાં પ્રમાણી શકાય છે. જો કે આનો અર્થ એવો નથી કે આનંદશંકરના કલાદર્શનમાં એમનું પોતાનું સ્વતંત્ર એવું કંઈ જ નથી. શ્રી મનસુખલાલ ઝવેરી આનંદશંકરના કલાદર્શનની મૌલિકતા સમજાવતાં કહે છે : “પરસ્પર વિરોધી મંતવ્યો, સિદ્ધાંતો અને વાદોની જટિલ ભુલભુલામણીમાંથી માર્ગ કાઢીને આચાર્યશ્રીએ આ જાતનું સળંગ સૂત્ર અને સુશ્લિષ્ટ દર્શન રજૂ કર્યું છે, તેમજ કલા પ્રશ્નોને તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્રની કસોટીએ કસીને એમણે સત્ત્વ તારવ્યું છે. તે જ એમની મૌલિકતાનો વિજય છે.” (પર્યેષણા, પૃ.૫૦)
જોકે આનંદશંકરના કલાદર્શનને કંઈક જુદી દૃષ્ટિથી વિલોકી શ્રી વિજય શાસ્ત્રી તેની મર્યાદા પણ દર્શાવી આપે છે. તેમના મતે “આનંદશંકરની કાવ્ય વ્યાખ્યામાં કાવ્યકૃતિનાં અંતરંગ તત્ત્વો - Ingredients અને તેમના પ્રમાણને કેન્દ્રમાં રાખીને ચર્ચા થઈ છે. તેને બદલે આ બધા ઘટક દ્રવ્યો કાવ્યનું રૂપ કઈ રીતે ધરે છે તેની ચર્ચા થઈ હોત તો આપણી કાવ્ય વિશેની સમજણને સરવાળે વધુ લાભ થયો હોત”. (બુદ્ધિપ્રકાશ - ડિસેમ્બર, ૧૯૭૮, પૃ.૪૬૬)
આનંદશંકરે સર્જનાત્મક સાહિત્ય, કવિતા, નવલકથા જેવું લખ્યું નથી. સર્જનાત્મક સાહિત્યમાં તેમનું કોઈ વિશેષ પ્રદાન નથી. જીવનભર એમણે ચિંતનાત્મક કે વિવેચનાત્મક નિબંધો લખ્યા છે. એટલે તેમની સાહિત્યસર્જનની ક્ષમતાની ચર્ચા કરવી અત્રે ઉચિત નથી. આમ છતાં નિબંધોની મર્યાદામાં રહીને એમનામાં પ્રચ્છન્ન રહેલા સર્જકને એમણે આવિષ્કાર આપ્યો છે એમ કહી શકાય. પોતાનાં મંતવ્યોને સ્પષ્ટ કરવા માટે એમણે જે દૃષ્ટાંતો આપ્યાં છે એ એમની કવિત્વ શક્તિનો ઉન્મેષ પ્રગટ કરે છે. એમનો આશય કવિત્વ પ્રગટ કરવાનો હોતો નથી, પોતાના વિચારને સમર્થન મળી રહે એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ છે. છતાં એ દૃષ્ટાંતો તત્કાળ પૂરતાં તો આપણને એમની કાવ્યોચિત શક્તિ વિશેષનો પરિચય આપનારા નીવડે છે. (સંસ્કૃતિ - ડિસેમ્બર, ૧૯૬૭, પૃ.૪૭૨)
આનંદશંકરની આ પ્રસન્ન ગંભીર શૈલીને મુલવતાં શ્રી રા.વિ.પાઠક લખે છે : “આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org