________________
૩૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
નિરૂપણ પદ્ધતિ અખત્યાર કરેલી છે. પદ્ધતિની આ અભિનવ સ્વતંત્રતાને પરિણામે આનંદશંકરના ચિંતનમાં મૌલિકતાનો ગુણ સ્વાભાવિક રીતે પ્રવેશેલો છે. તેને લીધે જ આનંદશંકરે તત્ત્વજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોનો સંપૂર્ણપણે અને સીધે સીધો સ્વીકાર કરી લેવાને બદલે એ સિદ્ધાંતોનો પરિષ્કાર પોતાની મૌલિક રીતે કરેલો છે.
જયાંથી મળે ત્યાંથી સત્યને આવકારવાની તત્પરતા દાખવતા આનંદશંકરના ચિંતનમાંથી ગુજરાતના પ્રજાજીવનને જવલંત બળ મળી રહે તેમ છે. વ્યવહાર અને પરમાર્થનો અનુબંધ સ્થાપતું આનંદશંકરનું ધર્મચિંતન જીવન અભિમુખ છે. તેથી વ્યવહારવાદી પણ છે. “કોઈપણ ગુજરાતી તત્ત્વચિંતકે જડવાદ કે સુખવાદનો કયારેય પુરસ્કાર કર્યો નથી તેમ આધ્યાત્મિક મૂલ્યોની સાપેક્ષતાના સિદ્ધાંતને કયારેય અનુમોદન આપ્યું નથી. (ગુજરાતમાં તત્ત્વચિંતન, પૃ.૨૧) એ ન્યાયે આનંદશંકરનું ચિંતન પણ વ્યવહારવાદી હોવા છતાં પાશ્ચાત્ય
વ્યવહારવાદીની જેમ તે સાપેક્ષવાદી નથી. જીવન પ્રત્યેની આધ્યાત્મિક દૃષ્ટિ એ આનંદશંકરના ચિંતનની વિશેષ લાક્ષણિકતા છે.
તત્ત્વચિંતન અને ધર્મચિંતનની જેમ સાહિત્યમાં પણ આનંદશંકરની દૃષ્ટિ એક અભિનવ ભાષ્યકારની રહી છે. સનાતની અને સુધારકો બન્નેના દૃષ્ટિબિંદુને આનંદશંકરે સમન્વયાત્મક રીતે વિચાર્યું છે. આપણા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ અને પશ્ચિમના એરિસ્ટોટલથી માંડી ક્રૉચે સુધીના કાવ્યમીમાંસકોના ગ્રંથોનો અભ્યાસ કરી તેમણે કરેલી વિવેચના ગહન, વિશદ અને રસાળ બને છે. સાહિત્યનો ઈતિહાસ શાળાઓના ઉગમ, વિકાસ અને કથાથી છવાયેલો છે. શાળાઓ દ્વારા કેટલુંક કામ નીકળતું હોય છે. પણ સત્વવંત લેખકો (સર્જકો તેમજ વિવેચકો) કોઈ શાળા સાથે પોતાને જોડવાનો પ્રસંગ આવે ત્યારે પણ, એના ચોકઠામાં બંધાઈ જતા નથી. કોઈ શાળા સાથે એવો સંબંધ ન હોય પણ સાહિત્ય-પદારથ સાથે સૂક્ષ્મ સંબંધ બંધાઈ ગયો હોય એવા વિવેચકોના ઉત્તમ ઉદાહરણ રૂપે શ્રી ઉમાશંકર જોષી આનંદશંકર અને રામનારાયણ પાઠકનો ઉલ્લેખ કરે છે. “બન્ને તત્ત્વપ્રિય છે અને સાહિત્યને પ્રથમતઃ કલા તરીકે જોવાની ઝીણી નજર ધરાવવા સાથે વિશાળ સંદર્ભમાં એને જોવાની શક્તિવાળા છે. આનંદશંકરનો ૧૯૦૨ના
સુદર્શન'માંનો લેખ “કવિતા” ગુજરાતી કાવ્યરસિકોના હાથમાં, ચાલુ હોત તો ૧૯૧૭ પછી બલવંતરાયને શાળા કાઢવાનું અને ચલાવવાનું કારણ કદાચ ઓછું રહેત” (સંસ્કૃતિ ઑગસ્ટ, ૧૯૬૩, પૃ.૨૮૨) આનંદશંકરનું કાવ્ય અંગેનું મૂલગામી ચિંતન જોતાં ઉમાશંકરનો આ મત યથાર્થ જણાય છે.
આનંદશંકર એક ચિંતક હોવાની સાથે સાથે એક ઉત્તમ વિવેચક પણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે દૃષ્ટિએ તેમણે એકતા સ્થાપી છે. તે જ દૃષ્ટિએ તેઓ કાવ્ય જગત અને તત્ત્વજ્ઞાન વચ્ચે પણ અભેદ દર્શન કરાવે છે. “સાહિત્યવિચાર” અને “કાવ્યતત્ત્વવિચાર’ એ તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org