________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૨૩
અને એની સાથે બીજા પુરુષાર્થને સમન્વિત કરે છે. મોક્ષરૂપ મહાપુરુષાર્થ જે પાછળથી છુટરૂપે જુદો સ્વીકારાયો તે પણ ધર્મ સાથે આંતર અને જીવંત સંબંધથી જોડાયેલો પુરુષાર્થ છે, ધર્મનો નિષેધક પુરુષાર્થ નથી. “સિપાઈના પહેરા બદલાય છે તેમ ધર્મ, અર્થ અને કામના પહેરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મનો સમય જોઈએ. અર્થ અને કામનો સમય તે જ ધર્મનો: માત્ર ધર્મના અંત:પ્રવેશથી અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૨) જે રીતે જગતની અંદર બ્રહ્મ રહેલું છે, જે રીતે ઈશ્વર વિશ્વમાં વ્યાપી રહ્યો છે, તે રીતે વ્યવહારના પ્રાણરૂપે પરમાર્થ ધર્મ અનુસ્મૃત રહેવો જોઈએ. પ્રભુ વિશ્વનો અંતર્યામી છે તો આપણા વ્યવહારનો પણ એ જ અંતર્યામી થાય. અર્થ અને કામનો ધર્મ દાસ નથી પણ તેમના ઉપર અમલ ભોગવી તેમને કાર્યમાં પ્રેરે છે અને તે કાર્ય ધર્મના અંતઃપ્રવેશથી સપ્રયોજન અને પવિત્ર બને છે.
મનુષ્યની સમાનતાના સિદ્ધાંત ઉપર નિર્ભર એવી સમાજરચના કે સિદ્ધાંતો આનંદશંકરને માન્ય નથી, કેમકે વ્યક્તિ વ્યક્તિની, પ્રકૃતિની ભૂમિકા ઉપર, દેખીતી અસમાનતા છે અને ચૈતન્ય રૂપે તેમની સમાનતા નથી પણ એકતા છે. તેથી જ પરસ્પર વ્યવહારના નીતિનિયમો શક્ય છે. “પ્રકૃતિમાં જે ઉત્કૃષ્ટ-નિષ્કૃષ્ટના ભેદ છે એનો ખુલાસો પ્રકૃતિથી કેમ થઈ શકે ? પ્રકૃતિથી પારના જ (Supernatural) કોઈક તત્ત્વમાંથી એ પ્રકૃતિમાં આવેલા હોવા જોઈએ. - અર્થાત્ આ ઉત્કૃષ્ટતા તે પ્રકૃતિ થકી સિદ્ધ નથી, પણ પ્રકૃતિની પારના તત્ત્વમાંથી ઊતરી આવી પ્રકૃતિમાં સિદ્ધ છે. (ધર્મવિચાર-૧, પૃ.પ૬) વળી વેદાંત સિદ્ધાંતને અનુરૂપ જનતા (Society) શબ્દનો અર્થ કરતાં આનંદશંકર સ્પષ્ટ કરે છે કે – જનતા એ જનરૂપી પરમાણુઓનો સમુદાય નથી, પણ જનતા એ જ પ્રથમ સિદ્ધ પદાર્થ છે અને જનો - વ્યક્તિઓ એ જનતાના અવયવો છે પણ તે કકડાના અર્થમાં નહી, તેથી જ “અંશાંશિભાવ”ના સિદ્ધાંતનો ત્યાગ અને માયાના સિદ્ધાંતનો સ્વીકાર) “આપણી વેદાંતની પરિભાષામાં બોલીએ તો, સમષ્ટિ એ વ્યષ્ટિઓનો સમુદાય નથી, પણ વ્યષ્ટિઓ એ સમષ્ટિના અંગ છે.” (ધર્મવિચાર૧, પૃ.૫૭-૫૮)
જનતાની આ અખંડતા જ પુરુષસૂક્તમાં અભિપ્રેત છે. જીવનની સઘળી પ્રવૃત્તિઓ આવશ્યક છે. તેમનું કેન્દ્રભૂત તત્ત્વ એ આત્મા છે. આમ, આત્માને આનંદશંકર સૌના મધ્યસ્થાનમાં મૂકે છે. સમાજ, નીતિ, કેળવણી, સાહિત્ય, રાજકારણ આદિ જીવનના સર્વ પ્રશ્નોમાં ધર્મને, અખંડ આત્માને કેન્દ્રસ્થાને રાખી આનંદશંકર વિચાર કરે છે. એ એમની અંતિમ કસોટી છે.
- ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી સમાજની ધર્મવિષયક પરિસ્થિતિ કેવી હતી તેનું વર્ણન આનંદશંકરે કર્યું છે. કેળવણીની વૃદ્ધિ સાથે બ્રાહ્મણોનો જન્મ સિદ્ધ અધિકાર ઘટ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org