________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૧૯
આત્માએ સાક્ષાત્કાર કરવો જોઈએ. “અમુક કર્તવ્ય સંબંધી સિદ્ધાંત જાણ્યા છતાં, જયાં સુધી કર્તવ્ય કાર્ય થાય નહિ ત્યાં સુધી જ્ઞાનની સાર્થકતા નથી. કર્તવ્યજ્ઞાન મેળવીને તદનુસાર કાર્ય કરવામાં પણ જ્યાં સુધી અનિચ્છા કે ખેદ જણાય છે અને આનંદ આવતો નથી ત્યાં સુધી કર્તવ્યભાવના અપૂર્ણ રહે છે.” (ધર્મવિચાર -૧, પૃ.૯) અર્થાત્ સમગ્ર ચેતનાને બ્રહ્મની સર્વાત્મકતાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જ્ઞાન પૂર્ણ રીતે જ્ઞાન કહેવા લાયક નથી. આ અર્થમાં જ્ઞાન અને ભક્તિને પરસ્પરની અપેક્ષા રહે છે. જ્ઞાન અને ભક્તિ સાચારૂપમાં એક જ છે. વેદાંતમત એ મુખ્યત્વે જ્ઞાનમાર્ગ છે. એમાં ભક્તિના તત્ત્વને સૈદ્ધાંતિક રીતે અવકાશ નથી. પરંતુ જ્ઞાનમાર્ગમાં શુષ્ક કઠોરતા આવે છે. તેમાંથી બચવા વેદાંતમતને પણ કોઈને કોઈ રૂપે ભક્તિનો સ્વીકાર કરવાનો થાય છે. જ્ઞાન અને ભક્તિ તાત્ત્વિક રૂપે એક જ છે એમ કહી આનંદશંકર વેદાંતમતમાં એ બંનેનો યથાર્થ સમન્વય કરી આપે છે.
જ્ઞાન અને નીતિ અંગે શાંકરવેદાંતનો મત આનંદશંકરે યથાર્થ રીતે સ્પષ્ટ કરી આપ્યો છે. જેને અપરોક્ષ જ્ઞાન થયું છે એટલે કે જેનો સમસ્ત આત્મા અમુક સમજણ અનુસાર થયો છે, જેણે બ્રહ્મભાવ અનુભવ્યો છે તેને જ્ઞાનમાં કશું કર્મરૂપ ઉમેરવાનું નથી, તે જ્ઞાનમાંથી સ્વતઃ ઊપજી આવતું કર્મ કરે છે. શાંકરવેદાંત પ્રમાણે કર્મ, જ્ઞાન અને પાછું કર્મ : પહેલા અને છેલ્લા કર્મ વચ્ચે તફાવત એટલો કે પહેલું કર્મ તે જ્ઞાનને માટે અને છેલ્લું કર્મ તે જ્ઞાનમાંથી સ્વતઃ ઊપજી આવતું જ્ઞાનરૂપ કર્મ જ. વેદાંતીનું આ કર્મ જ્ઞાનની પછી આવતું નથી, પણ સમકાલીન છે. આમ, અપરોક્ષજ્ઞાની માટે વેદાંત અનુસાર કર્તવ્ય કરવાનું બાકી રહેતું નથી. પરંતુ પરોક્ષજ્ઞાનના સંદર્ભમાં વિચારતાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જેને પરોક્ષજ્ઞાન કહેવાય છે તેની સાથે સદ્વર્તન કર્મને જોડવાની જરૂર ખરી ? પરોક્ષજ્ઞાન પણ કેવળ મગજના વ્યાપારરૂપ નથી, તેની અસર પણ વર્તન પર પડે છે - અને પડવી અનિવાર્ય છે. તે સદ્વર્તનને ઉપકારક છે. આનંદશંકર કહે છે કે પરોક્ષજ્ઞાન તે કાચું જ્ઞાન અને અપરોક્ષજ્ઞાન તે પાકું જ્ઞાન છે. “પરોક્ષજ્ઞાન આત્મામાં ઠરીને પોતાને અનુરૂપ વર્તન સુશ્લિષ્ટ રીતે ઉપજાવી, આજ સુધી જે સદ્વર્તન શુભવાસના (પૂર્વના શુભ સંસ્કાર અને આસપાસની શુભ પરિસ્થિતિ)ને લીધે એક ટેવ માફક (Instinctive) ઊપજી આવતું હતું એ જ સદ્વર્તનને હવેથી સમજણવાળું (Rational) કરી, સમસ્ત આત્માને પોતાના તેજથી રંગે છે, પરિપક્વ કરે છે, એનો આંતર રસ પ્રગટ કરી આપે છે.” (ધર્મવિચાર૧, પૃ.૩૦૪)
આમ, પરોક્ષજ્ઞાન અને અપરોક્ષજ્ઞાન એક જ જ્ઞાનની બે ભૂમિકા હોવાથી જેમ અપરોક્ષજ્ઞાનમાં સદ્વર્તન એક સ્વાભાવિક ધર્મ તરીકે એની મેળે જ સમાઈ જાય છે તેમ પરોક્ષજ્ઞાન પણ એને (સદ્વર્તનને) ઘણું ઉપકારક થઈ પડે છે.
અપરોક્ષાનુભવને આનંદશંકર જીવનનું પરમધ્યેય માને છે અને નીતિની ભાવનાને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org