________________
૧૦) આનંદશંકરની ચિંતનપ્રતિભા
આનંદશંકર ભારતીય નવજાગરણના પ્રતિભાસંપન્ન, પ્રભાવક, સર્વાશ્લેષી, સમન્વય અને સમરૂપતાના વિચાર પ્રહરી છે. તેમની સર્વતોમુખી પ્રતિભામાં પરંપરાની મૂળગામી સમજ અને દઢતા છે. વૈચારિક પરિકૃતિ એ એમનું ચાલક બળ છે. સાચા અર્થમાં ભારતીય ચિંતનની ગતિશીલતા ભારતીય માનસની વૈચારિક સર્જનશીલતા તેમના ચિંતનમાં જોવા મળે છે. પરંપરાના મૂળ અર્થને પ્રગટાવવા અને નવી પરિસ્થિતિમાં નવા અર્થોને પ્રફુટિત કરવા એ એમના ચિંતનનું લક્ષ્ય છે.
ભારતીય તત્ત્વજ્ઞાન એ કેવળ વિચાર માળખાં અને વૈચારિક રૂઢિ કે મતોનો સંચય નથી. ભારતીય ચિંતન સમગ્ર જીવનને પોતાનામાં સંગ્રહિત કરે છે એટલું જ નહીં, તેને સંપાદિત કરે છે, તેનું વિવેચન અને સત્યાન્વેષણ પણ કરે છે. વિચાર અને જીવન (આચાર) એ બંનેનો સંવાદ એ ભારતીય ચિંતન છે. આથી જ ભારતીય ચિંતનમાં તત્ત્વજ્ઞાન, ધર્મ અને વાસ્તવિક જીવન આ ત્રણેયનો મર્મગ્રાહી સમન્વય જોવા મળે છે. આનંદશંકરના ચિંતનમાં આ જ કારણે દાર્શનિક પરંપરા, ધર્મ અને સાંપ્રતજીવન એ ત્રણેય યોગ્ય રીતે ચિંતનનાં ક્ષેત્રો બન્યાં છે, એવું નિર્વિવાદપણે આપણે આ અભ્યાસના પરિઘમાં રહીને કહી શકીએ.
તત્ત્વચિંતન એ સમગ્ર માનવ અનુભવોને આશ્લેષિત કરતી વિચારણા છે. આ વિચારણા એ કેવળ નિરૂપણ વ્યવસ્થા નથી, તેમાં જીવનના અનુભવોની આલોચનાત્મક તપાસ છે. આથી જ આનંદશંકરના મતે “તત્ત્વચિંતન (Philosophy) એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તત્ત્વભૂત સ્વરૂપ શું છે અને એ તત્ત્વની દષ્ટિ ભાસમાન સ્વરૂપનો શો ખુલાસો છે – એનો બુદ્ધિ દ્વારા વિચાર.” (ધર્મવિચાર-૧, પૃ.૧૭) આમ, તત્ત્વદૃષ્ટિ એ પ્રભાવક અને નિયામક હોવા છતાં તે તત્ત્વદષ્ટિ દ્વારા ભાસમાન જગતના સ્વરૂપનું અનુસંધાન આનંદશંકરના મતે તત્ત્વજ્ઞાનનું પ્રમુખ કર્તવ્ય છે. તેમની પારલૌકિક દૃષ્ટિનું અનુસંધાન ઈહલોક છે. અર્થાત આનંદશંકર પરાત્પરવાદીની સાથે સાથે ઈહવાદી પણ છે. આ એમના સમન્વયવાદી તત્ત્વચિંતનની વૈચારિક કે દાર્શનિક પીઠિકા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org