________________
આનંદશંકરના ચિંતનનું વિવેચન
આ પ્રયત્નના સંદર્ભમાં આનંદશંકર પાસે આપણે એ વાતની સમજૂતીની અપેક્ષા રાખી શકીએ કે આત્મ-અનાત્મવિવેકનો તફાવત પાડવો અને તફાવત અનુભવવો આ બે વચ્ચેનો ભેદ તેઓએ ભારતીય દૃષ્ટિએ પશ્ચિમના તત્ત્વચિંતનના અર્થઘટનના સંદર્ભમાં સમજાવવો જોઈએ. કારણ પશ્ચિમમાં આત્મ-અનાત્મભેદ વિચાર કેવળ વૈચારિક દૃષ્ટિએ જ થયેલો છે. એ વાત સ્પષ્ટ છે કે વિવેકનો જે ભારતીય પરંપરામાં અનુભવમૂલક આધાર છે એ પશ્ચિમમાં નથી. ભારતીય દૃષ્ટિએ પશ્ચિમના તત્ત્વચિંતનનું આનંદશંકરે કરેલું અર્થઘટન તફાવત પાડવો અને તફાવત અનુભવવો એ બે વચ્ચેના ભેદને સ્પષ્ટ કરતું નથી. વૈચારિક ઉત્સાહ ચોક્કસપણે ઈષ્ટ છે, પરંતુ તે વૈચારિક સ્પષ્ટતાના ભોગે તો ન જ હોઈ શકે.
(૪) આનંદશંકર ભૌતિકવિજ્ઞાનની સુસંગતિ માટે કેવલાદ્વૈતી વિચારણાને આવશ્યક માને છે. આ સ્પષ્ટપણે એક વૈચારિક સાહસ છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારણીય મુદ્દો છે કે, પદ્ધતિગત રીતે અનુભવવાદી, પ્રત્યક્ષવાદી અને ઈહવાદી ભૌતિકવિજ્ઞાન અનુભવાતીત ષ્ટિએ સંપાદિત કેવલાદ્વૈતવાદ સાથે કઈ રીતે સુસંગત હોઈ શકે ? અહીં એ વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે, ભૌતિકવિજ્ઞાન અને કેવલાદ્વૈત બે જુદા વિચારવિશ્વો (પેરેડાઈમ્સ) ધરાવે છે. તેથી તેમની વચ્ચેના સંબંધની સ્થાપના કઈ રીતે શક્ય બને ? ભૌતિકવિજ્ઞાનમાં રહેલી એકતત્ત્વવાદી વિચારધારાની પરિસમાપ્તિ અદ્વૈતવાદમાં થશે.
આ એક સ્તુત્ય આશાવાદ છે. પરંતુ મૂળ પ્રશ્ન જે તાત્ત્વિક રીતે પૂછી શકાય તે એ છે કે ભૌતિકવિજ્ઞાનમાં રહેલી એકતત્ત્વવાદી વિચારણા અને અદ્વૈતવાદ આ બન્ને સંસ્કૃતિ વિશિષ્ટ સંકલ્પનાઓ છે. આવી સંસ્કૃતિવિશિષ્ટ સંકલ્પનાઓનો સાર્વત્રિક વ્યપદેશ થઈ શકે ? અને જો ન થઈ શકે તો એને સાર્વત્રિક રીતે પ્રયોજી શકાય નહીં. આથી પ્રકૃતિ એ જ એક માત્ર અંતિમ તત્ત્વ છે, એવો એકતત્ત્વવાદ અને કેવળ અદ્વૈત છે, એમ દર્શાવતો કેવલાદ્વૈતવાદ બન્ને સાંસ્કૃતિક ભિન્નતાવાળી સંકલ્પનાઓ સમાન રીતે પ્રયોજી શકાય નહીં.
૨૦૯
(૫) આનંદશંકર હિંદુધર્મને એક જીવંત પ્રવાહ રૂપે જુએ છે. એ સ્પષ્ટ છે કે કોઈ પણ જીવંત પદાર્થની સર્વગ્રાહી વૈચારિક બાંધણી મુશ્કેલ છે. આ વાતનો સ્વીકાર આનંદશંકર કરે છે. આ જીવંત પદાર્થને તેઓ ત્રણ યુગમાં વિભાજિત કરે છે. વેદયુગ, સંસ્કૃતયુગ અને ભાષાયુગ અને તેની સાથે નવીનયુગને પણ જોડે છે. આ જીવંત ધર્મનો અભ્યાસ કઈ રીતે કરવો એ ચોક્કસપણે એક કોયડોં છે. આ માટે આનંદશંકર પૃથક્ પૃથક્ અવલોકનની પદ્ધતિ અને બીજું એકબીજા અંગોના પ્રકાશમાં અવલોકન કરવાની પદ્ધતિ સ્વીકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org